તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ચેહરે'ના પોસ્ટર્સમાં રિયા ચક્રવર્તી કેમ ન દેખાઈ:પ્રોડ્યૂસર આનંદ પંડિતે કહ્યું - અમે રિયાની પરિસ્થિતિનો ગેર લાભ ઉઠાવવા નહોતા માગતા

2 મહિનો પહેલા

ફિલ્મમેકર આનંદ પંડિતે એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ 'ચેહરે'ના પોસ્ટર્સમાંથી સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનું નામ મેન્શન ન કરવાનું વાસ્તવિક કારણ જાહેર કર્યું છે. તેમના મતે, તે પોતાની ફિલ્મના કોમર્શિયલ ફાયદા માટે રિયાની પરિસ્થિતિનો લાભ લેવા માગતા નથી.

'તેની મુશ્કેલીઓ વધારવા નહોતા માગતા'
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન આનંદ પંડિતે કહ્યું, મને તેનું નામ ન જણાવવા પાછળ કોઈ કારણ નથી દેખાતું. તે ફિલ્મના 8 આર્ટિસ્ટસમાં સામેલ છે. અમે તેને પહેલાથી જ સાઈન કરી લીધી અને તેણે પોતાના ભાગનું શૂટિંગ સંતોષકારક રીતે પૂરું કર્યું. તેથી અમે તેને એક એવી એક્ટર તરીકે જોઈએ છીએ, જેને સારું કામ કર્યું છે. તે સિવાય હું મારી ફિલ્મના કોમર્શિયલ બેનિફિટ માટે તેની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવવા નથી માગતો. તેથી અમે નક્કી કર્યું કે બીજા પોસ્ટરમાં તેનું નામ મેન્શન કરવામાં ન આવે. તે પોતાની જિંદગીમાં ઘણી મુશ્કેલીઓથી પસાર થઈ છે અને અમે તેની મુશ્કેલીઓ વધારવા નથી માગતા. અમે તેને ફિલ્મમાં ત્યારે લીધી હતી, જ્યારે તે સહજ હતી.

ટ્રેલર આવે ત્યાં સુધી રિયાની પ્રેજેન્સને લઈને ડાઉટ હતો
ગત મહિને રૂમી જાફરી દિગ્દર્શિત ‘ચેહરે' નું ટ્રેલર રિલીઝ થયું. તેમાં અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી અને અન્નુ કપૂર જેવા સ્ટાર્સની સાથે રિયા ચક્રવર્તી પણ જોવા મળી હતી. આ અગાઉ કોઈપણ પોસ્ટર અને ટીઝરમાં તેની ઝલક જોવા ન મળતા એવી અટકળો ચાલી રહી હતી કે સુશાંતના ફેન્સની નારાજગીથી બચવા માટે મેકર્સે રિયાને ફિલ્મમાંથી ડ્રોપ કરી દીધી છે. ટ્રેલર લોન્ચ દરમિયાન આનંદ પંડિતે કહ્યું હતું કે, રિયા ફિલ્મનો મહત્ત્વનો ભાગ છે અને હું તેનું સંપૂર્ણ સમર્થન કરું છું.

'કેરેક્ટરની સાથે કોઈ કાપકૂપ નથી થઈ'
ફિલ્મના ડાયરેક્ટર રૂમી જાફરી અને પ્રોડ્યૂસર આનંદ પંડિતે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું, રિયા ચક્રવર્તીના પાત્રને કોઈપણ પ્રકારે કટ કરવામાં નથી આવ્યું. આ ફિલ્મમાં તેના કારણે જ ટ્વિસ્ટ આવે છે. તમામ કલાકારોને સ્ક્રીન ટાઈમ અને સ્પેસ મળી છે. ફિલ્મમાં દરેકની એક રહસ્યમય બેકસ્ટોરી છે. લોકોને સારી સસ્પેન્સ થ્રિલર મળશે.

સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ
રિયા ચક્રવર્તી સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ હતી. 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મુંબઇના બાંદ્રામાં તેના ઘરના પંખાથી લટકતી હાલતમાં મળ્યો હતો. તપાસમાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, તે ડિપ્રેશનમાં હતો અને તેણે આત્મહત્યા કરી છે.

મૃત્યુના 15 દિવસ બાદ સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહે રિયા ચક્રવર્તી પર તેમના દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને તેના બેંક અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ લગાવતા પટનામાં FIR દાખલ કરાવી હતી. બિહાર સરકારની અરજી બાદ સુપ્રીમ કોર્ટે કેસની તપાસ CBIને સોંપી હતી, જે હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. આ કેસ સંબંધિત ડ્રગ્સ મામલામાં રિયા એક મહિનો જેલમાં પસાર કરી ચૂકી છે.