ધ કાશ્મીર ફાઇલ્સ:ફિલ્મને કાલ્પનિક કહેનાર વિકિપીડિયાને વિવેક અગ્નિહોત્રી લાલઘુમ, સોશિયલ મીડિયામાં બળાપો કાઢ્યો

એક મહિનો પહેલા

વિવેક અગ્નિહોત્રીના ડાયરેકશનમાં બનેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ દર્શકો દ્વારા બહુ જ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મને થિયેટરોમાં 50 દિવસ પૂર્ણ થયા છે અને ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન 300 કરોડને પાર કરી ચૂક્યું છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતો અને તેમના પર ગુજારવામાં આવેલા અત્યાચારો પર આધારિત છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ઘણા લોકોએ એક ચોક્કસ રાજકીય વિચારધારાવાળી ફિલ્મ કહી, તો ઘણા લોકોએ મુસ્લિમ વિરોધી ફિલ્મ કહી છે. પરંતુ ઓનલાઇન એન્સાઇક્લોપીડિયા ‘વિકિપીડિયા’એ કંઈક અલગ જ કહ્યું છે, જેના પર વિવેક અગ્નિહોત્રીએ નારાજગી વ્યક્ત કરી છે.

'ધ કાશ્મિર ફાઇલ્સ' ફિલ્મને વિકિપીડિયાએ તેના પેજ પર ફિલ્મને ખોટી અને કાલ્પનિક બતાવી છે જેના પર ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર ફટકાર લગાવી છે. આ સાથે જ વિવેકે વિકિપીડિયાને જલ્દી એડિટ કરવા માટે પણ કહ્યું છે.

વિકિપીડિયાએ ફિલ્મને કાલ્પનિક સ્ટોરી ગણાવી
2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વિકિપીડિયાના પેજ પર એવું લખવામાં આવ્યું હતું કે, ‘તે ભારતીય હિન્દી ભાષાની ડ્રામા ફિલ્મ છે. જેને વિવેક અગ્નિહોત્રીએ લખી અને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં કાશ્મીરના વિવાદિત વિસ્તારમાં કાશ્મીર હિંદુઓની સ્થળાંતરની કાલ્પનિક વાર્તા દર્શાવી છે. વર્ષ 1990માં થયેલા સ્થળાંતર જે દેખાડ્યું છે તેના વિશે મોટાભાગે એવું વિચારવામાં આવે છે કે તે ખોટી અને કાવતરાખોર વાતો (કોન્સ્પિરસિ થિયરીઝ) પર આધારિત હોવાનું માનવામાં આવે છે.’

વિવેકે વિકિપીડિયાને જલ્દી જ એડિટ કરવાની આપી સલાહ
વિવેક અગ્નિહોત્રીએ વિકિપીડિયાનો સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું હતું કે, ‘પ્રિય વિકિપીડિયા, તમે ઇસ્લામોફોબિયા, પ્રોપેગન્ડા, સંઘી અને કટ્ટરપંથી જેવા શબ્દો ઉમેરવાનું ભૂલી ગયા છો. તમે તમારી બિનસાંપ્રદાયિક ઓળખ ગુમાવી રહ્યા છો. આ બાબતને જલ્દી જ એડિટ કરો.’

વિવેકની પત્નીએ પ્રોફેસરનો રોલ નિભાવ્યો
'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મની વાર્તા કાશ્મીરી પંડિતો પર આધારિત છે. આ ફિલ્મમાં વિવેકની પત્ની પલ્લવી જોશીએ જેએનયુની પ્રોફેસર રાધિકા મેનનનો રોલ પ્લે કર્યો છે. રાધિકાએ જ વિદ્યાર્થીઓને ‘આઝાદ કાશ્મીર’ની લડત માટે ઉશ્કેર્યા હતા. આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, પ્રકાશ બેલાવાડી, દર્શન કુમાર, ભાષા સુંબલી, પુનિત ઈસ્સર લીડ રોલમાં છે.