'ધ કાશ્મીર ફાઇલ્સ' વિવાદ:વિવેક અગ્નિહોત્રીએ વીડિયો શેર કરીને બળાપો કાઢ્યો, ‘ફિલ્મના સીનને કોઈ ખોટા સાબિત કરી બતાવે તો હું ફિલ્મ બનાવવાનું છોડી દઈશ’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'ધ કાશ્મીર ફાઇલ્સ' માર્ચ, 2022માં રિલીઝ થઈ ત્યારે પણ ઘણો જ વિવાદ થયો હતો. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોનાં દુઃખ તથા સંઘર્ષની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી હતી. 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગોવામાં 53મા ‘ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા’ (IFFI)નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા ઇઝરાયેલના ડિરેક્ટર નાદવ લેપિડે સ્ટેજ પરથી 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે વાત કરી હતી. તેમણે આ ફિલ્મને વલ્ગર પ્રોપેગંડા ગણાવી હતી. ત્યારથી સોશિયલ મીડિયામાં તેની જોરદાર ચર્ચા ચાલી રહી છે.

એડવોકેટ તથા સોશિયલ એક્ટિવિસ્ટ વિનીત જિંદાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેમણે ઈઝરાયેલના ડિરેક્ટર નાદવ લેપિડ વિરુદ્ધ ગોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. તેમની ફરિયાદ પ્રમાણે નાદવે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ભદ્દી અને પ્રોપેગંડાવાળી ફિલ્મ કહીને કાશ્મીરમાં થયેલા હિંદુ સમુદાયના બલિદાનનું અપમાન કર્યું છે.

આ વચ્ચે ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ગુસ્સામાં પડકાર ફેંક્યો હતો કે જો કોઈ 'ધ કાશ્મીર ફાઈલ્સ'નો એક શોટ પણ ખોટો સાબિત કરી બતાવશે તો હું ફિલ્મો બનાવવાનું બંધ કરી દઈશ.

વિવેક અગ્નિહોત્રીએ શેર કર્યો વીડિયો
ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીર ફાઇલ્સને ખોટા ગણાવનારા લોકોની ઝાટકણી કાઢી હતી અને એક વીડિયો શેર કરી પોતાની વાત મૂકી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે, ‘મિત્રો, ગઈકાલે IFFIની જ્યુરીના ચેરમેને કહ્યું હતું કે, કાશ્મીર ફાઈલ્સ એક પ્રોપેગડાવાળી અને ભદ્દી ફિલ્મ છે. મારા માટે આ નવી વાત નથી, કારણ કે આવી વાતો ઘણી વાર તમામ આતંકવાદી સંગઠનો, અર્બન નક્સલીઓ અને ભારતના ટુકડા કરનારા લોકો પણ કહે છે. પરંતુ મને આશ્ચર્ય થાય છે કે આવા પ્લેટફોર્મ પર આતંકવાદીઓને નેરેટિવ સપોર્ટ કર્યો હતો. હજુ પણ લોકોની હત્યા કરવામાં આવે છે, શું આ અશ્લીલતા અને પબ્લિસિટી છે? આ ફિલ્મ 700 લોકોના પર્સનલ ઇન્ટરવ્યૂ બાદ બની છે. શું તે બધા પ્રચાર અને અભદ્ર વાતો કરી રહ્યા હતા?’ તેમણે વધુમાં પડકાર ફેંક્યો હતો કે, ‘જો કોઇ સાબિત કરશે કે કાશ્મીર ફાઇલ્સનો એક પણ સીન અને સંવાદ ખોટો છે તો હું ફિલ્મો બનાવવાનું બંધ કરી દઇશ. આતંકવાદના સમર્થકો અને નરસંહારનો ઇનકાર કરનારાઓ કોઈપણ કિંમતે મને ચૂપ કરી શકશે નહીં ... જય હિન્દ.. #TheKashmirFiles #ATrueStory.’

અનુપમ ખેરે કરી આ વાત
અનુપમ ખેરે કહ્યું હતું, 'મને લાગે છે કે આ પ્રી પ્લાન્ડ છે, કારણ કે તરત જ ટૂલકિટ ગેંગ એક્ટિવ થઈ ગઈ. આ ઘણું જ શરમજનક નિવેદન છે. આ નિવેદનનો યોગ્ય જવાબ આપવામાં આવશે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.'

'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે નાદવ લેપિડે શું કહ્યું?
લેપિડે ગોવામાં 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાની ક્લોઝિંગ સેરેમનીમાં સ્ટેજ પરથી કહ્યું હતું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને અમે બધા જ ડિસ્ટર્બ હતા. આ ફિલ્મ અમને ભદ્દી તથા પ્રોપેગંડા બેઝ્ડ લાગી. આટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે આ ફિલ્મ યોગ્ય નથી. હું તમારી સાથે મારી ફીલિંગ એટલા માટે શૅર કરું છું, કારણ કે આ ફેસ્ટિવલનો આત્મા છે કે આપણે અહીંયા ટીકાઓનો પણ સ્વીકાર કરીએ અને તેના પર ચર્ચા કરીએ.’

નાદવે આગળ કહ્યું હતું, 'આ ફેસ્ટિવલમાં અમે ડેબ્યૂ કોમ્પિટિશનમાં 7 ફિલ્મ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 15 ફિલ્મ જોઈ હતી, જેમાં 14 ફિલ્મ સિનેમેટિક ફીચર્સવાળી હતી. 15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી અમે બધા આઘાતમાં હતા.'

કોણ છે નાદવ લેપિડ?
નાદવ ઈઝરાયેલના સ્ક્રીનરાઇટર તથા ફિલ્મમેકર છે. 8 એપ્રિલ, 1975માં ઈઝરાયેલના તેલ અવીવમાં જન્મેલા નાદવે પોતાની કરિયરમાં અઢળક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ્સ બનાવી છે.

2011માં ફિલ્મ ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું
નાદવે 2011માં ફિલ્મ 'પોલીસમેન'થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ નાદવે 'ધ કિંડરગાર્ટન ટીચર', 'સિનોનિમસ', 'અહેડ્સ ની' જેવી ફિલ્મો બનાવી હતી.

નાદવ લેપિડ
નાદવ લેપિડ

આ ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરીમાં સામેલ હતા
નાદવની ઓળખાણ માત્ર IFFIના જ્યૂરીના ચીફ તરીકે જ મર્યાદિત નથી. તે 2015માં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન લેપર્ડ જ્યૂરી, 2016માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ ક્રિટિક્સ વીક જ્યૂરી તથા 2021માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલી કોમ્પિટિશન જ્યૂરીનો મેમ્બર રહી ચૂક્યા છે. નાદવની ફિલ્મ 'સિનોનિમસ'એ 2019માં 69મા બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન બેઅર અવૉર્ડ જીત્યો હતો. નાદવની ડેબ્યૂ ફિલ્મ 'પોલીસમેન'ને લોકાર્નો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ જ્યૂરી પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવી હતી.