આ કેવો જવાબ?:વિક્રાંત મેસીએ યામી ગૌતમની તુલના રાધે મા સાથે કરી, કંગનાનો વળતો પ્રહાર- આ વંદો ક્યાંથી આવ્યો, લાવો મારા ચંપલ

મુંબઈએક વર્ષ પહેલા
  • યામીએ ચાર જૂનના રોજ લગ્ન કર્યા હતા
  • યામીએ લગ્નની તસવીરો સો.મીડિયામાં શૅર કરી

યામી ગૌતમે ચાર જૂનના રોજ ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં હતાં. હવે યામી ગૌતમ વેડિંગ ફોટોઝ સો.મીડિયામાં શૅર કરે છે. હાલમાં જ યામીએ લાલ રંગની સાડી તથા કલીરે સાથેની એક તસવીર શૅર કરી હતી. આ તસવીર પર ચાહકો તથા મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી. જોકે, વિક્રાંત મેસીની એક કમેન્ટ કંગનાને બિલકુલ પસંદ આવી નહોતી.

વિક્રાંતે શું કહ્યું હતું?

યામીની તસવીર પર કમેન્ટ કરતાં વિક્રાંતે કહ્યું હતું, 'રાધે માની જેમ જ શુદ્ધ તથા પવિત્ર.' આ વાંચીને કંગના ગુસ્સે થઈ હતી. તેણે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'ક્યાંથી આવ્યો વંદો. લાવો મારા ચંપલ.' કંગનાની જેમ જ ઘણાં મીડિયા યુઝર્સને વિક્રાંતની કમેન્ટ ગમી નહોતી.

ઘણાં સો.મીડિયા યુઝર્સે કંગનાને ટ્રોલ કરી

ઘણાં યુઝર્સે કંગનાને ટ્રોલ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'કંગના મેમ તમને ખ્યાલ નથી કે મેસેજનો રિપ્લાય કેવી રીતે આપવામાં આવે છે. વિક્રાંત સરે શુભેચ્છા પાઠવી અને તમે આટલો ખરાબ રિપ્લાય આપ્યો.' અન્ય એકે કહ્યું હતું, 'કંગનાને બોલવાની ખબર જ પડતી નથી. તેનું અકાઉન્ટ બ્લોક કરી દો.'

કંગનાએ યામીના લુકને દેવી જેવો ગણાવ્યો
યામી ગૌતમની તસવીર પર કંગનાએ કહ્યું હતું, 'હિમાચલી દુલ્હન સૌથી સુંદર હોય છે. બિલકુલ દેવીની જેમ દિવ્ય દેખાય છે.' આયુષ્માન ખુરાનાએ પણ યામીના લુકના વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું, 'જય માતા દીવાળી ફીલિંગ આવી રહી છે. તમે બંને જ્વાલાજી ગયા હતાં?'

ચાર જૂને લગ્ન કર્યાં
ચાર જૂન, શુક્રવારના રોજ બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમે ડિરેક્ટર આદિત્ય ધર સાથે લગ્ન કર્યાં હતાં. યામી તથા આદિત્યે સો.મીડિયામાં તસવીર શૅર કરીને પર્શિયન રાઈટર રૂમીની પંક્તિ લખી હતી, 'તારા પ્રકાશની સાથે, હું પ્રેમ કરતા શીખી.' વધુમાં કહેવામાં આવ્યું હતું, 'અમારા પરિવારના આશીર્વાદની સાથે, અમે આજે પરિવારની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. અમે આ ખાસ દિવસ નિકટના તથા પરિવારની સાથે સેલિબ્રેટ કર્યો. આજે અમે મિત્રતા તથા પ્રેમની એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. આ સમયે તમારા પ્રેમ તથા શુભકામનાની જરૂરી છે. પ્રેમ યામી તથા આદિત્ય.'