કેટ-વિકીને ધમકી આપનારને પોલીસે ઝડપી લીધો:આરોપી એક્ટ્રેસને પોતાની પત્ની કહેતો, એક તરફી પ્રેમમાં પાગલ છે

મુંબઈ14 દિવસ પહેલા
  • મનવિંદર સિંહ લખનઉનો છે અને સો.મીડિયામાં કિંગ આદિત્ય રાજપૂતના નામથી અકાઉન્ટ બનાવ્યું છે
  • મનવિંદર સિંહ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા માગતો હતો

બોલિવૂડ એક્ટર વિકી કૌશલે હાલમાં જ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વિકી કૌશલે એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ કેટ-વિકીને સો.મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાંતાક્રુઝ પોલીસે આ કેસમાં ઇન્ડિયન પિનલ કોડની કલમ 506(2), 354(D) r/w સેક્શન 67 IT એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. વિકી કૌશલની ફરિયાદ બાદ પોલીસે ધમકી આપનાર વ્યક્તિ મનવિંદર સિંહને કસ્ટડીમાં લીધો છે.

ધમકી આપનારને પોલીસે કસ્ટડીમાં લીધો
વિકી કૌશલની ફરિયાદ બાદ પોલીસે ધમકી આપનારને કસ્ટડીમાં લીધો છે. આ વ્યક્તિનું નામ મનવિંદર સિંહ છે. તે એક સ્ટ્રગલિંગ એક્ટર છે. તે છેલ્લાં ઘણાં મહિનાઓથી કેટરીનાને સો.મીડિયામાં સ્ટૉક કરતો હતો. ત્યારબાદ તેણે કેટરીના તથા વિકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મનવિંદરે 'કિંગ આદિત્ય રાજપૂત'થી સો.મીડિયા અકાઉન્ટ બનાવ્યું છે. સો.મીડિયા અકાઉન્ટના બાયોમાં મનવિંદરે કેટરીના કૈફ ગર્લફ્રેન્ડ તથા પત્ની હોવાનું કહ્યું છે. આટલું જ નહીં તેણે કેટરીનાની તસવીરોમાં છેડછાડ કરીને પોતાની તસવીર પણ મૂકી દીધી છે. તે કેટરીનાને એક તરફી પ્રેમ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, મનવિંદર લખનઉનો છે અને પોલીસે તેની ધરપકડ મુંબઈમાંથી કરી છે. મનવિંદર એક્ટ્રેસ કેટરીના સાથે લગ્ન કરવા માગતો હતો અને તેથી જ તે તેને સો.મીડિયામાં સ્ટૉક કરતો હતો.

આરોપીની ઉંમર 25 વર્ષની છે. છેલ્લાં ત્રણ મહિનાથી સાંતાક્રુઝના અલગ અલગ વિસ્તારમાં રહેતો હતો. મનવિંદર લખનઉથી મુંબઈ એક્ટર બનવા માટે આવ્યો હતો. તે બાર ધોરણ સુધી ભણેલો છે. મુંબઈમાં બેકાર હતો. લખનઉથી પરિવાર પૈસા આપતો હતો અને મુંબઈમાં મનવિંદરનું ગુજરાન ચાલતું હતું. મનવિંદર છેલ્લાં કેટલાંક સમયથી કેટરીના કૈફના ઘરથી થોડેક દૂર આવેલી લૉન્જમાં રોકાયો હતો.

ફરિયાદમાં વિકીએ શું કહ્યું?
ફરિયાદમાં વિકી કૌશલે કહ્યું હતું કે આ વ્યક્તિ છેલ્લાં ઘણાં દિવસોથી આ વ્યક્તિ કેટરીનાની સો.મીડિયા એક્ટિવિટી પર સતત નજર રાખી રહ્યો હતો. તેણે સો.મીડિયામાં કેટ તથા તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. વિકી કૌશલે રવિવાર, 24 જુલાઈના રોજ પોતાના મેનેજરના માધ્યમથી પોલીસ ફરિયાદ કરી હતી. આ વ્યક્તિ છેલ્લાં ઘણાં દિવસોથી કેટરીનાને ઇન્સ્ટાગ્રામમાં સ્ટૉક કરતો હતો અને વિકીએ જ્યારે સવાલ કર્યો તો તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે આ કેસમાં સાઇબર ક્રાઇમ બ્રાંચની મદદથી સો.મીડિયા પ્લેટફોર્મની તપાસ કરવાની તે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

હાલમાં જ માલદીવ્સથી પરત ફર્યા
કેટરીનાએ 16 જુલાઈના રોજ પોતાનો જન્મદિવસ પતિ વિકી તથા મિત્રો સાથે માલદીવ્સમાં સેલિબ્રેટ કર્યો હતો.

વિકી કૌશલના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે 'સામ બહાદુર', 'ગોવિંદા નામ મેરા', 'ધ ગ્રેટ ઇન્ડિય ફેમિલી' તથા સારા અલી ખાન સાથે એક ફિલ્મમાં જોવા મળશે. કેટરીનાની વાત કરીએ તો તે 'ટાઇગર 3' તથા 'ફોનભૂત'માં જોવા મળશે.

કેટરીના પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા હતી
સો.મીડિયામાં કેટરીના કૈફનો મુંબઈ એરપોર્ટનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં કેટરીના એરપોર્ટથી પોતાની કારમાં બેસવા જતી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે કેટરીનાના ફોટો-વીડિયો લીધો હતો. સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં ચાહકો ચર્ચા કરવા લાગ્યા હતાં કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે.

ગયા વર્ષે લગ્ન કર્યા
કેટરીનાએ ગયા વર્ષે 9 ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો જ હાજર રહ્યાં હતાં. બંને એકબીજાને 2019થી ડેટ કરતા હતા

આ પહેલાં સલીમ-સલમાન ખાનને ધમકી મળી હતી
ઉલ્લેખનીય છે કે આ પહેલાં સલીમ ખાન તથા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. સ્વરા ભાસ્કરને પણ ધમકી ભર્યો પત્ર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...