બોલિવૂડ સેલેબ્સે ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરી:વરુણે સોફા પર લગાવી છલાંગ, અનુપમ ખેરે લખ્યું- 'જય શ્રી રામ', વાંચો બાકીના સેલેબ્સે શું કહ્યું...?

એક મહિનો પહેલા

દિવાળીના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો હતો, જેણે 82 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેણે શ્વાસ થંભાવી દે તેવી છેલ્લી ઓવરમાં તેની સમજદારીભરી ઈનિંગને સહારે પાકિસ્તાનના મોઢામાંથી જીતનો કોળિયો છીનવી લીધો હતી. આ ઐતિહાસિક જીત પર ભારતીયોએ એક દિવસ પહેલા જ દિવાળી ઉજવી હતી. ફેન્સથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી સોશિયલ મીડિયા પોસ્ટ અને વીડિયો શેર કરીને ભારતની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. આવો જોઇએ કેવી રીતે સેલેબ્રિટીઝે કરી ઉજવણી...?

અભિષેક બચ્ચન
અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ભારતની જીતની ઉજવણી કરી હતી. તેણે લખ્યું, 'યસ!!!! કમ ઓન!!! ઇન્ડિયા!!!'

જાવેદ અખ્તર
ગીતકાર જાવેદ અખ્તરે પણ ભારતની જીત પર ખુશી વ્યક્ત કરી હતી. તેણે પોસ્ટ શેર કરતાં લખ્યું કે, 'વિરાટ, તને સાત ખૂન માફ, ખૂબ ખૂબ આભાર. જીવતા રહો.'

સુષ્મિતા સેન
અભિનેત્રી સુષ્મિતા સેને પણ પાકિસ્તાન તરફથી ભારતની જીત બાદ એક પોસ્ટ શેર કરી હતી અને ભારતીય ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું- 'જબરદસ્ત સ્પર્ધા!!! વિરાટ કોહલીને સલામ. વિજયના આનંદમાં મેં એટલી બધી ચીસો પાડી કે મારો અવાજ જતો રહ્યો.'

અનુપમ ખેર
અભિનેતા અનુપમ ખેરે પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, 'ભારતીય ટીમે આ જીત સાથે દિવાળીના એક દિવસ પહેલા દેશવાસીઓને દિવાળીની ભેટ આપી છે. જય શ્રી રામ. દિવાળીની શુભકામના. એડવાન્સમાં.'

રિતેશ દેશમુખ
આ લિસ્ટમાં અભિનેતા રિતેશનું નામ પણ સામેલ છે. વિરાટ કોહલીને ભારતની જીત પર અભિનંદન આપતાં તેમણે 'જય હિન્દ' લખ્યું છે. તેમણે એમ પણ લખ્યું હતું કે, 'આજે આપણે વર્લ્ડકપ જીતી ગયા.'

અનિલ કપૂર
અભિનેતા અનિલે પણ ટીમ ઈન્ડિયાને આ વિશાળ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, 'આના કરતાં વધુ સારી શરૂઆત દિવાળીની કોઇ હોઇ શકે નહીં.'

સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થે વિરાટ કોહલીને ભારતની જીતનો બાદશાહ પણ જણાવી દીધો છે. તેમણે કહ્યું કે, 'દિવાળીના અવસર પર આપણા બધાની ખુશી બમણી થઈ ગઈ છે. કદાચ આ વિજય વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી.'

આ સેલેબ્સ સિવાય વરુણ ધવન અને કાર્તિક આર્યને વીડિયો શેર કરીને જીત પર ખુશી વ્યક્ત કરી હતી. ભારતની જીત પર વરુણ સોફા પર કૂદતો જોવા મળ્યો હતો તો કાર્તિકની ઇમોશનલ સ્ટાઇલ વીડિયોમાં જોવા મળી હતી.