બોલિવૂડ એક્ટર વરુણ ધવન હાલમાં અપકમિંગ ફિલ્મ 'જુગ જુગ જિયો'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. વરુણ ધવન ફિલ્મની ટીમ સાથે હાલમાં જ દિલ્હી ગયો હતો. વરુણ ધવનની સાથે કિઆરા અડવાણી, નીતુ સિંહ, અનિલ કપૂર, મનીષ પોલ પણ હતા. વરુણ ધવને કનોટ પેલેસ આગળ કાર પર ચઢીને ડાન્સ કર્યો હતો.
'નાચ પંજાબન' પર ધમાકેદાર ડાન્સ કર્યો
વરુણ ધવને ચાહકોની ભીડ વચ્ચે કાર પર ચઢીને ફિલ્મના ગીત 'નચ પંજાબન' પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. ડાન્સ બાદ વરુણ ધવને ચાહકો સાથે વાત પણ કરી હતી.
પ્રી વેડિંગ ફંક્શનમાં ઘુસી ગયા
પ્રમોશન બાદ ફિલ્મની ટીમ હોટલમાં પરત ફરી હતી. અહીંયા મનીષ પોલ તથા વરુણ ધવન પ્રી વેડિંગ ફંક્શનમાં આમંત્રણ વગર પહોંચી ગયા હતા. તેઓ જે હોટલમાં રોકાયા હતા, ત્યાં જ પ્રી વેડિંગ ફંક્શન ચાલતું હતું.
વરુણે શું કહ્યું?
પ્રી વેડિંગ ફંક્શનમાં વરુણ ધવને કહ્યું હતું, 'અમે આખો દિવસ બહાર રહ્યાં હતાં, જ્યારે આવ્યાં ત્યારે અમને કહેવામાં આવ્યું કે અહીંયા લગ્ન છે. કાલે તમારો બિગ ડે છે. તમને લગ્નની શુભેચ્છા. આશા છે કે તમારું જીવન ખુશખુશાલ રહે. તમે બંને જુગ જુગ જિયો.' આટલું કહ્યાં બાદ વરુણ ધવને મહેમાનોની વિનંતીને માન આપીને 'નચ પંજાબન' ડાન્સ પણ કર્યો હતો.
શું છે ફિલ્મની સ્ટોરી?
'જુગ જુગ જિયો'માં વરુણ ધવનના પેરેન્ટ્સના રોલમાં અનિલ કપૂર તથા નીતુ સિંહ છે. કિઆરા અડવાણી આ પરિવારની વહુ છે. કુકૂ (વરુણ ધવન) તથા નૈના (કિઆરા અડવાણી) ડિવોર્સ લેવાનું નક્કી છે, પરંતુ બંને નક્કી કરે છે કે નાના ભાઈના લગ્ન થયા બાદ તેઓ આ વાત પરિવારને જણાવશે. બંને જ્યારે ઘરે આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે ભીમ (અનિલ કપૂર)નું અન્ય કોઈ સાથે અફેર ચાલે છે અને ગીતા (નીતુ સિંહ)ને ડિવોર્સ આપવાનું નક્કી કરે છે. ફિલ્મમાં ઇમોશન તથા કોમેડી છે. આ ફિલ્મ 24 જૂને થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મ 'ગુડ ન્યૂઝ' ફૅમ ડિરેક્ટર રાજ મહેતાએ ડિરેક્ટ કરી છે.
વરુણ ધવનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 2020માં ફિલ્મ 'કુલી નંબર 1'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હવે વરુણ ધવન 'ભેડિયા'માં ક્રિતિ સેનન અને 'બવાલ'માં જાહન્વી કપૂર સાથે જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.