સો.મીડિયામાં હાલમાં જ એક યુઝરે પાન મસાલાની જાહેરાતમાં અજય દેવગનને બદલે સુનીલ શેટ્ટીને ટૅગ કર્યો હતો. યુઝરે રસ્તા પર લગાવવામાં આવેલા હોર્ડિંગનો ફોટો શૅર કર્યો હતો. આ તસવીરમાં અજય દેવગન, શાહરુખ ખાન તથા અક્ષય કુમાર હતા. જોકે, યુઝરે અજય દેવગનને સુનીલ શેટ્ટી સમજી લીધો હતો. આ પોસ્ટ જોયા બાદ સુનીલ શેટ્ટીએ સામે જવાબ આપ્યો હતો. અંતે, યુઝરે માફી માગી હતી.
યુઝરે ભૂલથી સુનીલ શેટ્ટીને ટૅગ કર્યો
સુનીલને ટૅગ કરીને આ યુઝરે કહ્યું હતું, 'આ હાઇવે પર એટલી બધી ગુટકાની જાહેરાત જોઈ કે હવે ખાવાનું મન થાય છે. ગુટકા કિંગ્સ ઑફ ઇન્ડિયા તમારા બાળકોને તમારી પર શરમ આવવી જોઈએ કે તમે દેશને ખોટી દિશામાં લઈ જાવ છો. ભારતને કેન્સર નેશન ના બનાવો.' ત્યારબાદ અનેક લોકોઆ પોસ્ટ પર રિએક્ટ કર્યું હતું.
સુનીલ શેટ્ટીએ જવાબ આપ્યો
સુનીલ શેટ્ટીએ આ પોસ્ટ પર જવાબ આપતા કહ્યું હતું, 'ભાઈ તું તારા ચશ્મા એડજસ્ટ કરાય અથવા તો બદલી નાખ.' આ સાથે જ હાથ જોડતી ઇમોજી શૅર કરી હતી.
યુઝરે માફી માગી
યુઝરે માફી માગતા કહ્યું હતું કે તેણે ભૂલથી અજય દેવગનને બદલે સુનીલ શેટ્ટીને ટૅગ કર્યો હતો. યુઝરે કહ્યું હતું, 'હેલ્લો સુનીલ શેટ્ટી, સોરી, આ ભૂલથી થઈ ગયું. મારી ઈચ્છા તમને દુઃખ પહોંચાડવાની નહોતી. હું તમને ઘણો જ પ્રેમ કરું છું.'
અક્ષયે કહ્યું હતું, 'હું તમાકુનું સમર્થન કરતો નથી'
અક્ષય કુમારે પાન મસાલાની જાહેરાત કરવા બદલ માફી માગી હતી. માફીનામામાં અક્ષયે કહ્યું હતું, 'હું મારા તમામ ચાહકો તથા શુભેચ્છકોની માફી માગું છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારી પ્રતિક્રિયાએ મને હચમચાવી નાખ્યો છે. હું તમાકુનું સમર્થન કરતો નથી. તમે તમામે જે રીતે વિમલ ઇલાયચીની સાથે મારા જોડાણ અંગે તમારી ભાવના વ્યક્ત કરી એનું સન્માન કરું છું. હું પૂરી વિનમ્રતાથી આમાંથી પાછળ હટું છું. મેં જાહેરાતમાંથી મળનારી તમામ રકમને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. કાયદાને કારણે આ જાહેરાત ચોક્કસ સમયમર્યાદા સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રેક્ટ છે. જોકે ભવિષ્યમાં હું સાવચેત રહેવાનું વચન આપું છું.'
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.