ઉલ્લુ એપના CEO (ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર) વિભુ અગ્રવાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. થોડાં દિવસ પહેલાં એક પૂર્વ મહિલા કર્મચારીએ વિભુ પર યૌન ઉત્પીડન તથા છેડતીનો આરોપ મૂક્યો હતો. હવે અન્ય બે પીડિતાએ વિભુ અગ્રવાલ પર અનેક ગંભીર આરોપો મૂક્યા છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે ઉલ્લુ એપ પર પણ રાજ કુંદ્રાની હોટશોટ્સ એપની જેમ જ પોર્ન કન્ટેન્ટ પ્રસારિત કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વિભુએ પોર્ન કન્ટેન્ટને પ્લેટફોર્મ પરથી હટાવ્યું છે.
અનેક અઠવાડિયા સુધી માનસિક હેરાનગતિ કરી
આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રાના પોર્ન રેકેટનો પર્દાફાશ કરનારી સાગરિકા શોના સુમને આ બે પીડિતામાંથી એક પીડિતાને ઓળખે છે. સાગરિકાએ કહ્યું હતું કે વિભુએ પીડિત યુવતીને અનેક અઠવાડિયા સુધી માનસિક રીતે હેરાન કરી હતી.
સાગરિકાએ કહ્યું હતું, 'ઉલ્લુ એપના વિભુ અગ્રવાલ વિરુદ્ધ યૌન ઉત્પીડ, છેડતી તથા માનસિક હેરાનગતિના અનેક કેસ દાખલ છે. હું બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરવાની છું અને તમામના નામો જાહેર કરીશ. પીડિતા ફરિયાદ કરતાં ડરે છે, કારણ કે અગ્રવાલની પાસે વકીલોની એક આખી ટીમ છે. તેઓ પીડિતો વિરુદ્ધ જબરજસ્તી પૈસા માગતી હોવાના ખોટો કેસ કરે છે. અનેક કેસમાં તેઓ પોલીસને પણ પોતાની સાથે કરી લે છે.'
પોલીસ વિભુ અગ્રવાલને બચાવી રહી છે
સાગરિકા સુમને આગળ કહ્યું હતું, 'પીડિત યુવતીએ આરોપ મૂક્યો છે કે મુંબઈના અંધેરીમાં અંબોલી પોલીસ સ્ટેશનમાં વિભુએ પોલીસ સાથે ડીલ કરી છે અને ત્યાંના અધિકારી હાલના કેસમાં વિભુ અગ્રવાલને બચાવે છે. પીડિતાને અંબોલી સ્ટેશનમાં પોલીસે હેરાન કરી હતી.'
ચાર ઓગસ્ટે વિભુ અગ્રવાલ વિરુદ્ધ કેસ થયો
આ પહેલાં મુંબઈ પોલીસે વિભુ અગ્રવાલ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ કર્યો હતો. 28 વર્ષીય મહિલાએ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. સૂત્રોના મતે, મુંબઈ પોલીસે ફિલ્મ નિર્માણ કંપની ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના CEO વિભુ અગ્રવાલ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડ 354 હેઠળ કેસ કર્યો છે. કંપનીની કંટ્રી હેડ અંજલિ રૈના પર પણ કેસ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતું કે 28 વર્ષીય મહિલાને ઉલ્લુ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડની અંધેરી ઓફિસના સ્ટોરરૂમમાં મોલેસ્ટ કરવામાં આવી હતી.
ઉલ્લુની ચોખવટઃ કેસ કરનાર જ આરોપી છે
આ વિવાદ પર કંપની તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે ઉલ્લુએ 10 જૂનના રોજ લખનઉ પોલીસની સાઇબર સેલમાં અજાણ્યા લોકો વિરુદ્ધ ચીટિંગ તથા લાખો રૂપિયાની ખંડણી માગવાની પોલીસ ફરિયાદ કરી હતી. IP (ઇન્ટરનેટ પ્રોટોકોલ) એડ્રેસ પરથી ખ્યાલ આવ્યો કે આ ધમકીની પાછળ ઉલ્લુ એપના પૂર્વ લીગલ હેડ, એક મહિલા તથા તેના સાથી છે. આ કેસમાં આરોપીઓએ હવે કાઉન્ટર અટેક કરીને મહિલાઓ માટે બનેલા કાયદાનો દુરુપયોગ કરીને વિભુ અગ્રવાલ તથા અંજલિ રૈના વિરુદ્ધ કેસ કર્યો છે.
2018માં એપ લૉન્ચ થઈ
2018માં વિભુ અગ્રવાલે ઉલ્લુ એપ લૉન્ચ કરી હતી. વિભુએ ફિલ્મ 'બાત બન ગઈ' પ્રોડ્યૂસ પણ કરી હતી. એપ પર હિંદી, અંગ્રેજી, તમિળ, મરાઠી, ગુજરાતી, બંગાળી તથા તેલુગુ જેવી વિવિધ ભાષાનું કન્ટેન્ટ જોવા મળે છે. આ ઉપરાંત એપના 'કવિતાભાભી', 'મોના હોમ ડિલિવરી', 'ઓક્શન', 'સિંગારદાન' જેવા શો ચર્ચામાં રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.