2 સુરતીઓ રાત્રે શાહરુખના મન્નતમાં ઘૂસ્યા:દીવાલ કૂદીને બંગલાના ત્રીજા માળ સુધી પહોંચ્યા, સુરક્ષા ગાર્ડે પકડ્યા

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

શાહરુખ ખાનના બંગલા મન્નતની સુરક્ષામાં ચૂક થઈ હોવાની વાત સામે આવી છે. ગુરુવાર, 2 માર્ચે મોડી રાત્રે બે યુવક દીવાલ કૂદીને બંગલાના ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જોકે સિક્યોરિટી ગાર્ડ્સે તેમને પકડીને પોલીસના હવાલે કરી દીધા છે. બંને યુવકની ઉંમર 21-25 વર્ષ હોવાનું કહેવાય છે. આ બંને ગુજરાતના છે. પોલીસે બંને વિરુદ્ધ IPCની કલમ 452/34 હેઠળ કેસ કર્યો છે.

ઘટના બની ત્યારે શાહરુખ ઘરમાં નહોતો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ઘટના બની ત્યારે શાહરુખ ખાન ઘરમાં નહોતો. સૌ પહેલાં સિક્યોરિટી ગાર્ડ્સે બંનેને જોયા હતા. આ ઘટના અંદાજે રાતના સાડાનવ આસપાસની છે. પોલીસ પૂછપરછમાં બંનેએ કહ્યું હતું કે તેઓ સુરતના છે અને શાહરુખને મળવા માટે મુંબઈ આવ્યા હતા. પોલીસ બંનેનો ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં એ અંગે તપાસ કરી રહી છે.

કઈ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે શાહરુખ?
શાહરુખ ખાન હાલમાં ફિલ્મ 'જવાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરુખ મોડી રાત્રે ઘરે પરત ફર્યો હતો અને ત્યાં સુધીમાં આ ઘટનાક્રમ બની ચૂક્યો છે. આ ફિલ્મને સાઉથ ડિરેક્ટર એટલી ડિરેક્ટ કરે છે. ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી શાહરુખની ફિલ્મ 'પઠાન'એ ભારતમાં 500 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

શાહરુખે 2001માં બંગલો ખરીદ્યો હતો
શાહરુખે 2001માં 13.32 કરોડમાં મન્નત બંગલો ખરીદ્યો હતો. ચાર વર્ષના રિનોવેશન બાદ શાહરુખ આ ઘરમાં રહેવા ગયો હતો. છ હજાર સ્ક્વેરફૂટમાં ફેલાયેલા આ બંગલાને ફકીહ એન્ડ એસોસિયેટ્સે રિનોવેટ કર્યો છે. શાહરુખના આ બંગલાનું સ્ટ્રક્ચર 20મી સદીના ગ્રેડ 3 હેરિટેજનું છે. છ માળના આ બંગલામાં શાહરુખનો પરિવાર બે માળમાં રહે છે, જ્યારે બાકીના માળમાં ઓફિસ, પ્રાઇવેટ બાર, થિયેટર, સ્વિમિંગ પૂલ, ગેસ્ટ રૂમ, જિમ, લાઇબ્રેરી, પ્લે એરિયા તથા પાર્કિંગ છે. બંગલાનું ઇન્ટિરિયર ગૌરી ખાને કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...