સેલેબ્સમાં કોરોના:86 વર્ષીય પ્રેમ ચોપરા અને પત્ની પોઝિટિવ, ડૉક્ટર્સે મોનોક્લોનલ એન્ટીબૉડી કોકટેલ આપ્યું

મુંબઈ17 દિવસ પહેલા
  • ટીવી પ્રોડ્યૂસર એકતા કપૂર પોઝિટિવ, એક દિવસ પહેલાં પાર્ટીમાં એકતાએ ફ્રેન્ડ્સને ફેસ મસાજ કરી આપ્યો હતો
  • નકુલ મહેતા બાદ પત્ની જાનકી ને 10 મહિનાના દીકરાને પણ ચેપ લાગ્યો

બોલિવૂડના લોકપ્રિય વિલન પ્રેમ ચોપરા તથા તેમના પત્ની ઉમા ચોપરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. 86 વર્ષીય પ્રેમ ચોપરાને ત્રણ દીકરીઓ છે, પ્રેરણા ચોપરા, રકીતા ચોપરા, પુનીતા ચોપરા છે. પ્રેરણા ચોપરાએ બોલિવૂડ એક્ટર શરમન જોષી સાથે લગ્ન કર્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વ. રાજ કપૂરના સ્વર્ગીય પત્ની કૃષ્ણા રાજ કપૂર તથા ઉમા ચોપરા સગી બહેનો હતી. નોંધનીય છે કે આ પહેલાં પ્રોડ્યૂસર-ડિરેક્ટર એકતા કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એકતા કપૂરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગેની માહિતી આપી હતી. એકતા ઉપરાંત ટીવી એક્ટર નકુલ મહેતા બાદ તેની પત્ની જાનકી તથા 10 મહિનાનો દીકરો સૂફી પણ કોવિડ પોઝિટિવ છે. ટીવી એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીને પણ કોરોના થયો છે.

પ્રેમ ચોપરા-ઉમા ચોપરાને એક-બે દિવસમાં રજા આપવામાં આવશે
ડૉક્ટર્સે કહ્યું હતું કે બંનેને એક કે બે દિવસની અંદર ડિસ્ચાર્જ આપી દેવામાં આવશે. લીલાવતી હોસ્પિટલના ડૉક્ટર જલીલ પારકર જ તેમની સારવાર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ બંને પેશન્ટને મોનોક્લોનલ એન્ટીબૉડી કોકટેલ આપવામાં આવ્યું છે. તે ઠીક થઈ રહ્યા છે. 80+ વર્ષ હોવા છતાં તેમની રિકવરી સારી છે. ઉલ્લેખનીય છે કે આ દવાને ગેમ ચેન્જર માનવામાં આવે છે. મોનોક્લોનલ એન્ટીબૉડી કોકટેલ બે દવાઓનું મિશ્રણ છે, જેમાં કાસિરિવિમાબ તથા ઇમ્દેવીમાબના 600-600 mgનો ડોઝ લઈને બનાવવામાં આવે છે. આ દવા કોરોનાના દર્દીઓમાં મૃત્યુનું જોખમ ઓછું કરે છે.

​​​​એકતાએ શું કહ્યું?
એકતા કપૂરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તમામ સાવચેતી રાખી હોવા છતાં મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે અને મારા સંપર્કમાં આવનાર તમામને હું ટેસ્ટ કરવાની અપીલ કરું છું.' એકતા કપૂર હોમ આઇસોલેશનમાં છે. ઉલ્લેખનીય છે કે એકતા કપૂરે હાલમાં જ મિત્રો સાથે પાર્ટી કરી હતી. નીલમ કોઠારી, શબીના તથા પૂજા સિપ્પી આ પાર્ટીમાં સામેલ હતા. પાર્ટીમાં એકતા કપૂરે શબીનાને ફેસ મસાજ કરી આપ્યો હતો.

એકતા કપૂરની પાર્ટીની તસવીરો...

એકતા કપૂર તથા શબીના
એકતા કપૂર તથા શબીના

સેલેબ્સે જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી
એકતા કપૂરની આ સો.મીડિયા પોસ્ટ પર સેલેબ્સે જલ્દીથી સાજા થઈ જવાની પ્રાર્થના કરી હતી. હિના ખાન, શ્વેતા તિવારી, મૌની રોય, વિક્રાંત મેસી સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી.

ડેલનાઝ ઈરાનીનો રિપોર્ટ પોઝિટિવ
ટીવી સિરિયલ 'કભી કભી ઈત્તેફાક સે'માં કામ કરતી એક્ટ્રેસ ડેલનાઝ ઈરાનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડેલનાઝ હાલમાં ઘરે જ છે. સિરિયલના સેટને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં સિરિયલમાં કામ કરતાં તમામ કલાકારો તથા ક્રૂનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેમને આઇસોલેટેડ કરવામાં આવ્યા છે.

નકુલ મહેતા બાદ પત્ની ને દીકરો પોઝિટિવ
'બડે અચ્છા લગતે હૈ' ફૅમ નકુલ મહેતાનો થોડાં સમય પહેલાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નકુલ ઘરમાં જ આઇસોલેટ થયો હતો. હવે નકુલની પત્ની જાનકીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માહિતી આપી હતી કે તેને તથા તેના 11 મહિનાના દીકરા સૂફીને કોવિડ થયો હતો. સૂફીની તબિયત ઘણી જ ખરાબ હોવાથી તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.

નકુલ મહેતાની પત્નીએ સો.મીડિયામાં દીકરાની તસવીરો શૅર કરી
જાનકીએ સો.મીડિયામાં સૂફીની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'તમારામાંથી ઘણાં લોકોને ખ્યાલ હશે કે મારા પતિને બે અઠવાડિયા પહેલાં કોરોના થયો હતો. થોડાં દિવસ બાદ મારામાં પણ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. હું બીમાર પડી તેના બીજા જ દિવસે સૂફીને તાવ આવ્યો હતો. દવાઓ તથા પાણીના પોતા મૂકવા છતાં કોઈ ફાયદો થયો નહીં. અમે અડધી રાત્રે તેને હોસ્પિટલ લઈને ભાગ્યા. તે સમયે તેને 104.2 જેટલો તાવ હતો. ત્યારબાદ અમારા મુશ્કેલીભર્યા દિવસો શરૂ થયા. મારો દિવસ દીકરા સાથે કોવિડ ICU (ઇન્સેટિવ કેર યુનિટ)માં પસાર થવા લાગ્યો. મારા નાનાકડાં ફાઇટરે ઘણું જ સહન કર્યું છે. હું એમ્બ્યુલન્સમાં દીકરાને લઈ અડધી રાત્રે હોસ્પિટલમાં ગઈ હતી. તેને 3 IVS (ઇન્ટ્રાવીનસ) લગાવવામાં આવ્યા, બ્લડ ટેસ્ટ કર્યા, RT-PCR ટેસ્ટ થયો. બોટલ્સ, એન્ટિબાયોટિક્સ તથા ઇન્જેક્શન લગાવવામાં આવ્યા. ત્રણ દિવસ બાદ તેનો તાવ ઓછો થયો. હોસ્પિટલમાં દીકરાની સારસંભાળ કરીને હું એકદમ થાકી ગઈ હતી. તે સમયે મને અહેસાસ નહોતો કે હું કોરોના પોઝિટિવ છું. હું નેનીનો પણ આભાર માનું છે. નેનીએ કોવિડ ICUમાં આવીને સૂફીની સારસંભાળ લેવાનો નિર્ણય કર્યો. પહેલાં બે દિવસ તેમણે જ દીકરાનું ધ્યાન રાખ્યું, કારણ કે મારી હાલત જ નહોતી કે હું કંઈ કરી શકું. મારું શરીર જવાબ આપી ચૂક્યું હતું.'

જ્હોન અબ્રાહમ પણ કોવિડ પોઝિટિવ
ઉલ્લેખનીય છે કે આજે (3 જાન્યુઆરી) બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની વાત કરી હતી. જ્હોન તથા તેની પત્ની પ્રિયા રૂંચાલને કોરોના થયો છે. બંને હોમ આઇસોલેશનમાં છે. જ્હોન અબ્રાહમ ત્રણ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. જ્હોન તથા પ્રિયાએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. બંનેમાં કોરોનાના હળવા લક્ષણો છે.

આ સેલેબ્સને કોરોના થયો
હાલમાં જ નોરા ફતેહી, શિલ્પા શિરોડકર, રાહુલ રવૈલ, અર્જુન કપૂર, અંશુલા કપૂર, રિયા કપૂર-કરન બૂલાની, મૃણાલ ઠાકુર, બમન ઈરાનીનો દીકરો કયોઝ ઈરાની તથા રણવીર શૌરીનો 10 વર્ષીય દીકરો હારુનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટીવી એક્ટર અર્જુન બિજલાણી તથા તેની 70 વર્ષીય માતા પણ કોરોના પોઝિટિવ છે. આ પહેલાં અલાયા એફ, કરીના કપૂર, સીમા ખાન, મહિપ કપૂર, અમૃતા અરોરા, શનાયા કપૂર, ઉર્મિલા માતોડકર, તનિષા મુખર્જી, કમલ હાસનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.