તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂવી રિવ્યૂ:રાજકીય મુદ્દા પર બનેલી 'શેરની'ની સાચી સ્ટોરી, વિદ્યા બાલને ફોરેસ્ટ અધિકારીનો રોલ બખૂબી નિભાવ્યો

મુંબઈ3 મહિનો પહેલાલેખક: આકાશ ખરે
  • કૉપી લિંક
  • રેટિંગઃ 3.5/5
  • સ્ટાર કાસ્ટઃ વિદ્યા બાલન, શરદ સક્સેના, વિજય રાજ, ઈલા અરૂણ, બૃજેન્દ્ર કાલા, નીરજ કબી તથા મુકુલ ચઢ્ઢા
  • ડિરેક્ટરઃ અમિત વી મસુરકર
  • પ્રોડ્યૂસરઃ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, વિક્રમ મલ્હોત્રા, અમિત વી મસુરકર
  • મ્યૂઝિકઃ બેનેડિક્ટ ટેલર, નરેન ચંદાવરકર, બંદિશ પ્રોજેક્ટ, ઉત્કર્ષ ધોતેકર

રાજનીતિ એક એવી રમત છે, જે કોઈ પણ મુદ્દા પર રમી શકાય છે. ફિલ્મ 'શેરની'માં વાઘણ એક મુદ્દો છે અને આખી ફિલ્મમાં તેની પર કેવી રાજનીતિ કરવામાં આવે છે, તે બતાવવામાં આવ્યું છે. જે લોકો આ ફિલ્મના નામથી ભ્રમિત થઈને એવી વિચારી રહ્યાં હોય કે વિદ્યા બાલન એક એવી ફોરેસ્ટ અધિકારી છે, જે અનેક વિલનને એક સાથે મારશે, તેમને આ ફિલ્મ જોઈને નિરાશા થશે. ફિલ્મમાં કોઈ હીરોઇક એક્ટ નથી. વિદ્યા બાલનનું પાત્ર એકદમ ધારદાર છે, પરંતુ તેનું પાત્ર વાસ્તવિક દુનિયાના એવા સારા લોકોની જેમ છે, જે અનેક ખરાબ લોકોથી ઘેરાયેલા હોય છે. આવા લોકો કરવા તો ઘણું જ માગે છે, પરંતુ સમાજબમાં તેમનો અવાજ દબાવી દેવામાં આવે છે. ટૂંકમાં વિદ્યાનું પાત્ર એકસ્ટ્રા ઓર્ડિનરી બતાવવામાં આવ્યું નથી, કારણ કે ફિલ્મની વાર્તામાં સચ્ચાઈ રાખવી જરૂરી હતી.

ડિરેક્ટર અમિત વી મુસરકરે આ પહેલાં 'ન્યૂટન' બનાવી હતી. આ ફિલ્મમાં પણ જંગલ, સરકારી ઓફિસ તથા ભ્રષ્ટ લોકો સામે લડતો એક સરકારી કર્મચારી જોવા મળ્યો હતો. 'ન્યૂટન'ની જેમ જ 'શેરની'માં સમાજની આવી જ કેટલીક કડવી તથા ખરાબ બાબતો પર કટાક્ષ કરવામાં આવ્યો છે. આ પ્રકારની ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવો તે પોતાનામાં જ કાબિલ-એ-તારીફ છે.

ફિલ્મની વાર્તા ફોરેસ્ટ ઓફિસર વિદ્યા બાલનની આસપાસ ફરે છે. તે એક વાઘણને ટ્રેક કરે છે. આ વાઘણે અનેક ગામવાસીઓને મારી નાખ્યા છે. તેની સાથે કામ કરનારા કેટલાંક સારા તો કેટલાંક ખરાબ લોકો છે. વિદ્યાનો પ્રયાસ છે કે તે વાઘણને પકડીને નેશનલ પાર્કમાં છોડી મૂકે. જોકે, કેટલાંક આ વાઘણને મારવા માગે છે. તો કેટલાંક આ અંગે રાજકીય રમત રમી રહ્યાં છે. અંતમાં વિદ્યા બાલન પોતાના પ્રયાસમાં સફળ થાય છે કે નહીં તેના પર આધારિત આ ફિલ્મ છે.

ફિલ્મમાં વિદ્યા બાલન ઉપરાંત બૃજેન્દ્ર કાલા, નીરજ કબી, શરત સક્સેના, વિજય રાઝ, ઈલા અરુણ, મુકુલ ચઢ્ઢા જેવા કલાકારો છે. તમામે પોતાનું પાત્ર ઘણી જ સારી રીતે ભજવ્યું છે. વિદ્યા જ્યારે જ્યારે સ્ક્રીન પર જોવા મળે છે, ત્યારે પોઝિટિવ ફિલિંગ રહે છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો ફિલ્મમાં બતાવવામાં આવતા જંગલના વિઝ્યુઅલ્સ તમને ઘણાં જ ગમશે. આ ઉપરાંત ફિલ્મનું એક માત્ર ગીત 'બંદર બાંટ' પણ સારું છે. કલાકારોના સંવાદો સામાન્ય છે, જે આપણે રોજબરોજની વાતોમાં બોલીએ છીએ.

તો ફિલ્મમાં કેટલાંક સીન છે, જેમાં કોઈ સંવાદો નથી અને તે કલાકારોના એક્સપ્રેશનના દમ પર જબરજસ્ત જોવા મળે છે. ફિલ્મનો એક સંવાદ છે, તેમાં વિજય રાઝ કહે છે, 'ટાઈગર ઉસ જંગલ મેં હૈ ઔર ઉસે ઈસ જંગલ કી તરફ જાના હૈ. અબ બીચ મેં હમને એક તરફ હાઈવે બના દિયા હૈ ઔર એક તરફ ફેક્ટરી. કૈસે જાયેગી વો ઈસ જંગલ સે ઉસ જંગલ તક?' આ સંવાદ આપણને એ વાતનો અહેસાસ કરાવે છે કે આપણે પશુઓ માટે કોઈ જગ્યા જ ખાલી રાખી નથી. ટૂંકમાં ફિલ્મ કરપ્શન પર વાત કરે છે, પુરુષવાદી સમાજ પર કટાક્ષ કરે છે અને આ સાથે જ વ્યક્તિ તથા પશુની વચ્ચેના સંબંધોને ઘણી જ સુંદરતાથી બતાવવામાં આવ્યા છે.