બચ્ચનનો કરોડપતિ બૉડીગાર્ડ:અમિતાભની સિક્યોરિટી કરતા હેડ કોન્સ્ટેબલની ટ્રાન્સફર, વર્ષે 1.5 કરોડનો પગાર હોવાની ચર્ચા બાદ એક્શન

મુંબઈ3 મહિનો પહેલા
  • સો.મીડિયામાં ચર્ચા થતી હતી કે અમિતાભનો સિક્યોરિટી ગાર્ડ મહિને 12 લાખ રૂપિયાનો પગાર લે છે

ઘણા સમયથી અમિતાભ બચ્ચનના બૉડીગાર્ડ રહેલા મુંબઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ જિતેન્દ્ર શિંદેની પોલીસ કમિશનર હેમંત નાગરાલે ટ્રાન્સફર કરી દીધી છે. જિતેન્દ્ર પર આરોપ છે કે તે અમિતાભ બચ્ચન પાસેથી વર્ષે દોઢ કરોડ રૂપિયાનો પગાર લેતો હતો. આ માહિતી મળ્યા બાદ જિતેન્દ્ર વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને X કક્ષાની સિક્યોરિટી પૂરી પાડવામાં આવી છે અને તેથી જ મુંબઈ પોલીસના બે કોન્સ્ટેબલ સતત તેમની સાથે હોય છે.

જિતેન્દ્ર શિંદે 2015થી અમિતાભની સુરક્ષામાં રોકાયેલો હતો. માનવામાં આવે છે કે જિતેન્દ્ર શિંદે પ્રાઇવેટ સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. આ એજન્સી તેની પત્ની ચલાવે છે. શિંદેએ એ વાતનો ઈનકાર કર્યો હતો કે તેમને અમિતાભ બચ્ચન વર્ષે દોઢ કરોડનો પગાર આપતા હતા.

એક પોલીસ સ્ટેશનમાં 4 વર્ષથી વધુ સમય રહી ના શકે
મુંબઈ પોલીસ કમિશનરનું પદ ગ્રહણ કર્યા બાદ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ આદેશ આપ્યો હતો કે કોઈપણ વ્યક્તિ એક પદ પર, એક પોલીસ સ્ટેશનમાં ચાર વર્ષથી વધુ સમય સુધી રહી શકશે નહીં. વિભાગે કહ્યું હતું કે આ જ નિયમ હેઠળ શિંદેની ટ્રાન્સફર ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે. અમિતાભ બચ્ચનના અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી પેમેન્ટ અંગેની માહિતી માગવામાં આવે એવી શક્યતા છે.

દર મહિને 12 લાખ રૂપિયા લેતો હોવાની ચર્ચા
શિંદે હંમેશાં અમિતાભ બચ્ચનના પડછાયાની જેમ સાથે રહેતો હતો. થોડા સમય પહેલાં અચાનક જ તેના પગારની ચર્ચા સો.મીડિયામાં થવા લાગી હતી. એમ માનવામાં આવે છે કે શિંદેનો પગાર મલ્ટીનેશનલ કંપનીના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર)થી પણ વધારે છે. શિંદેને દર મહિને 12 લાખ રૂપિયાનો પગાર મળે છે. આ ઉપરાંત તેને સરકારી પગાર પણ મળે જ છે.

અલબત્ત, શિંદેનો પગાર વધુ હોવાનું એક કારણ એ પણ હતું કે તે બચ્ચન પરિવારને પોતાની પ્રાઇવેટ સિક્યોરિટી પણ આપતો હતો. શિંદેએ જાણીતા અમેરિકન એક્ટર તથા પ્રોડ્યુસર એલિઝા વુડને ભારતમાં સિક્યોરિટી પૂરી પાડી હતી.