રણવીર સિંહ ન્યૂડ ફોટોશૂટ વિવાદ:એક્ટરે પોતાને બચાવવા પોલીસને કહ્યું, 'સો.મીડિયામાં તસવીર સાથે છેડછાડ કરવામાં આવી'

મુંબઈ19 દિવસ પહેલા

એક્ટર રણવીર સિંહે દાવો કર્યો છે કે ન્યૂડ ફોટોશૂટમાંથી એક તસવીર સાથે કોઈકે છેડછાડ કરી હતી. રણવીર સિંહે પીપલ મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. રણવીર સિંહના ન્યૂડ ફોટોશૂટથી વિવાદ થયો હતો અને તેની પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.

એક્ટરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સો.મીડિયામાં ન્યૂડફોટોશૂટની સાત તસવીરો શૅર કરવામાં આવી હતી. જે તસવીર અંગે ફરિયાદ થઈ છે, તે તસવીર ફોટોશૂટનો હિસ્સો નથી. તે તસવીરને કોઈએ મોર્ફ કરી છે. આ તસવીરમાં રણવીર સિંહના પ્રાઇવેટ પાર્ટ વિઝિબલી દેખાય છે. રણવીરે પોલીસને ફોટોશૂટની સાત તસવીરો પણ આપી હતી. એક્ટરના મતે, આવી કોઈ તસવીર ક્લિક કરવામાં આવી જ નથી.

વધુમાં રણવીરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેણે સો.મીડિયામાં સાત તસવીરો શૅર કરી હતી, પરંતુ તે તસવીર ક્યારેય શૅર કરી નથી જે તસવીર અંગે ફરિયાદ કરવામાં આવી છે, તે તસવીરમાં તેણે ઇનરવેર પહેર્યા હતા.

તસવીરો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી મોકલવામાં આવશે
સૂત્રોના મતે, રણવીરના નિવેદન બાદ પોલીસ હવે આ તસવીર સાથે છેડછાડ કરવામાં આવી હતી કે કેમ તે જાણવા માટે તસવીરને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવી છે. સૂત્રોના મતે, જો આ તસવીર મોર્ફ કરેલી હશે તો રણવીર સિંહને ક્લીનચિટ મળવાના ચાન્સ વધુ છે, કારણ કે પોલીસ ફરિયાદ આ જ તસવીરને આધારે કરવામાં આવી છે. સૂત્રોના મતે, રણવીર સિંહે સો.મીડિયામાં ન્યૂડ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે, તે અશ્લીલતાની પરિભાષામાં આવતી નથી, કારણ કે તેમાં રણવીર સિંહના પ્રાઇવેટ પાર્ટ્સ દેખાતા નથી.

રણવીર પર 26 જુલાઈના રોજ કેસ થયો
રણવીર સિંહ પર 26 જુલાઈના રોજ મુંબઈમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મુંબઈની સ્વૈચ્છિક સંસ્થાએ મહિલાઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ રણવીર સિંહ પર મૂક્યો છે. 29 ઓગસ્ટના રોજ રણવીર સિંહ સવારે સાડા સાત વાગે ચેમ્બુર પોલીસ સ્ટેશન પૂછપરછ માટે હાજર થયો હતો. અહીંયા બે કલાક સુધી રણવીરની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ પોલીસે કહ્યું હતું કે રણવીરે તમામ સવાલોના જવાબ આપ્યા હતા.