તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિયમોની ઐસી કી તૈસી:સલમાન ખાનના ભાઈઓથી લઈ કપિલ શર્માની 'બુઆ' સુધી, સેલેબ્સે છડેચોક કોરોનાના નિયમોનો કર્યો ભંગ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય માણસો જ નહીં બોલિવૂડના જાણીતા સેલેબ્સ પણ કોરોનાની ગાઈડલાઈનનો કરે છે ભંગ
  • સુગંધા મિશ્રાએ પોતાના લગ્નમાં 40ને બદલે 100થી વધુ મહેમાનોને બોલાવ્યા હતા

કોવિડ 19ને કારણે સરકારે વિવિધ પ્રતિબંધો મૂક્યા છે. બીજી લહેર ધાર્યા કરતાં વધુ ઘાતક સાબિત થઈ રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસો આવી રહ્યાં છે. ઘણાં રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે, તો કેટલાંક રાજ્યોએ લૉકડાઉન પણ લગાવ્યું છે. સામાન્ય માણસો જાણતા-અજાણતા કોવિડ 19ની ગાઈડલાઈનનો ભંગ કરતાં હોય છે. જોકે, જાણીતા બોલિવૂડ સેલેબ્સ પણ કોવિડ 19ની ગાઈડલાઈનનો ભંગ કરે છે. પોલીસ આ સેલેબ્સ વિરુદ્ધ FIR કરતી હોય છે. વિવેક ઓબરોયથી લઈ ટીવી એક્ટ્રેસ સુગંધા મિશ્રાએ કોવિડની ગાઈડલાઈનનો ભંગ કર્યો છે.

સુગંધા મિશ્રા-ડૉ. સંકેત ભોસલે

26 એપ્રિલના રોજ કોમેડિયન, ટીવી એક્ટ્રેસ તથા પ્લેબેક સિંગર સુગંધા મિશ્રાએ કોમેડિયન તથા ડૉક્ટર સંકેત ભોસલે સાથે પંજાબના ફગવાડામાં આવેલા ક્લબ કબાના રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. જાનૈયા એક દિવસ પહેલાં આવ્યા હતા અને એક દિવસ ક્વૉરન્ટીનમાં રહ્યા હતા. જોકે, લગ્નના નવ દિવસ બાદ પોલીસે સુગંધા મિશ્રા તથા સંકેત ભોસલે પર કેસ કર્યો છે. FIR પ્રમાણે, લગ્નમાં 40 માણસોને બદલે 100થી વધારે માણસો ભેગા થયા હતા. રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે, 40થી વધુ લોકો ભેગા થઈ શકે નહીં. પોલીસે સુગંધા મિશ્રા, સંકેત ભોસલે તથા હોટલના માલિકો પર કેસ દાખલ કર્યો છે.

ઉપાસના સિંહ

'ધ કપિલ શર્મા શો'માં કપિલ શર્માની બુઆનો રોલ કરીને લોકપ્રિય થનાર ઉપાસના સિંહ વિરુદ્ધ પંજાબના મોરિન્ડામાં પોલીસે કેસ દાખલ કર્યો હતો. સૂત્રોના મતે, ઉપાસના સિંહ પોતાની ટીમ સાથે મોરિન્ડા શુગર મિલમાં પંજાબી ફિલ્મનું શૂટિંગ કરતી હતી. પોલીસને જ્યારે આ અંગેની માહિતી મળી તો તેમણે શૂટિંગ બંધ કરાવ્યું હતું. 3 મેના રોજ ઉપાસના પોતાની ટીમ સાથે શુગર મિલમાં શૂટિંગમાં વ્યસ્ત હતી. પોલીસ જ્યારે આવી ત્યારે ઉપાસના પરમિશન લેટર બતાવી શકી નહીં. આથી જ પોલીસે ઉપાસના તથા તેની ટીમ પર કેસ કર્યો છે.

ગિપ્પી ગરેવાલ

પંજાબી ફિલ્મનો જાણીતો સિંગર તથા એક્ટર ગિપ્પી ગરેવાલની કોરોનાના નિયમોના ભંગ બદલ પંજાબ પોલીસે ધરપકડ કરી હતી. પહેલી મેના રોજ ગિપ્પી પંજાબના પટિયાલા જિલ્લાના બનૂર ગામમાં એક ફિલ્મનું શૂટિંગ કરતો હતો. ગિપ્પીએ કોરોનાના નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ગિપ્પી 100 લોકોની સાથે ગામમાં શૂટિંગ કરતો હતો. વીકેન્ડ લૉકડાઉનમાં ગિપ્પી આ રીતે શૂટિંગ કરી શકે નહીં. પોલીસે ગિપ્પી તથા કેટલાંક ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી હતી. જોકે, પછી તમામને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. ગિપ્પી વિરુદ્ધ બંધારણની 188 કલમ હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

જિમ્મી શેરગિલ

બોલિવૂડ એક્ટર જિમ્મી શેરગિલે પંજાબના લુધિયાણામાં કોરોનાના નિયમોનો ભંગ કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે, જિમ્મી પોતાની ટીમ સાથે લુધિયાણાની પ્રાઈવેટ સ્કૂલમાં વેબ સિરીઝ 'યોર ઓનર 2'નું શૂટિંગ કરતો હતો. રાતના આઠ વાગ્યા પછી પંજાબમાં કર્ફ્યૂ હોય છે. જોકે, જિમ્મી તથા તેની ટીમે રાતના આઠ વાગ્યા પછી પણ શૂટિંગ ચાલુ રાખ્યું હતું. આટલું જ નહીં સેટ પર 100થી વધુ લોકોની સંખ્યા હતા. પોલીસે જિમ્મી તથા અન્ય લોકો પર કેસ દાખલ કર્યો હતો. કેસ દાખલ થયા બાદ જિમ્મી થોડાં દિવસમાં મુંબઈ પરત ફર્યો હતો.

ગૌહર ખાન

ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન પર માર્ચ મહિનામાં BMCએ કેસ દાખલ કર્યો હતો. સૂત્રોના મતે, કોરોના પોઝિટિવ હોવા છતાંય ગૌહર મુંબઈથી દિલ્હી ગઈ અને પછી મુંબઈ પરત ફરી. ગૌહર પ્રોફેશનલ તથા પર્સનલ કામ માટે દિલ્હી ગઈ હતી. ગાઈડલાઈન પ્રમાણે, મુંબઈથી દિલ્હી સફર કરવા માટે પ્રવાસીનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોય તે જરૂરી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ગૌહરે પોતાની સાથે બે રિપોર્ટ રાખ્યા હતા. એક રિપોર્ટમાં તે નેગેટિવ હતી. માનવામાં આવે છે કે આ ફૅક રિપોર્ટ હતો. ઉલ્લેખનીય છે કે 11 માર્ચના રોજ મુંબઈનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં 12 માર્ચના રોજ દિલ્હી ગઈ હતી. અહીંયા તેણે કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ હોવાનું બતાવ્યું હતું. ટીમે મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં જઈને એક્ટ્રેસ વિરુદ્ધ 88, 269, 270 અને NDMA એક્ટ 51B હેઠળ કેસ કર્યો હતો.

વિવેક ઓબેરોય​​​​​​​

વેલેન્ટાઈન ડેના દિવસે વિવેક ઓબેરોય પત્ની પ્રિયંકા અલ્વા સાથે રોમેન્ટિક બાઈક રાઈડ પર ગયો હતો. રિપોર્ટ પ્રમાણે, મુંબઈ ટ્રાફિક પોલીસે શહેરના રસ્તા પર હેલમેટ વગર બાઈક ચલાવવાના આરોપમાં વિવેકને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વિવેક ઓબેરોય પર કોરોના પ્રોટોકોલ તોડવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. બાઈક ચલાવતા સમયે વિવેક તથા પ્રિયંકાએ બંનેમાંથી કોઈએ માસ્ક પહેર્યો નહોતો. રિપોર્ટમાં એક અધિકારીએ કહ્યું હતું કે વિવેક વિરુદ્ધ મહારાષ્ટ્ર કોવિડ 19ની ગાઈડલાઈનનો ભંગ, મોટર વ્હીકલ્સ એક્ટની સાથે સાથે IPCના સેક્શન 188 (લોક સેવકે જાહેર કરેલા આદેશનું ઉલ્લંઘન) તથા 269 (જોખમી બીમારીનો ચેપ ફેલાવવાની આશંકા વચ્ચે બેદરકારી) હેઠળ FIR કરવામાં આવી હતી.

અરબાઝ ખાન-સોહેલ ખાન

​​​​​​​સલમાન ખાનના બંને નાના ભાઈઓ અરબાઝ તથા સોહેલ ખાન અને પછી ભત્રીજા નિર્વાણ ખાન (સોહેલનો દીકરો) પર મુંબઈ પોલીસે આ વર્ષે જાન્યુઆરી મહિનાના ફર્સ્ટ વીકમાં કોવિડ 19ના નિયમોનો ભંગ કરવા બદલ FIR કરી હતી. 25 ડિસેમ્બરના રોજ અરબાઝ તથા સોહેલ UAEથી પરત આવ્યા હતા. 30મીએ નિર્વાણ ખાન પરત આવ્યો હતો. તો સમયે દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનને કારણે યુરોપ તથા મિડલ ઈસ્ટમાંથી ભારત આવતા તમામ લોકોને સાત દિવસ ક્વૉરન્ટીનમાં રહેવાનો આદેશ BMCએ આપ્યો હતો. આ ત્રણેયે બાંદ્રાની ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ પણ બુક કરાવ્યો હતો. જોકે, અહીંયા એકાદ દિવસ રહ્યા બાદ ત્રણેય પોતાના ઘરે જતા રહ્યાં હતાં. પોલીસને જ્યારે આ વાતની માહિતી મળી ત્યારે તેમણે આ ત્રણેય વિરુદ્ધ IPCના સેક્શન 188 (લોક સેવકે જાહેર કરેલા આદેશનું ઉલ્લંઘન) તથા 269 (જોખમી બીમારીનો ચેપ ફેલાવવાની આશંકા વચ્ચે બેદરકારી) હેઠળ FIR કરી હતી.