બ્લેક એન્ડ વ્હાઈટથી રંગીન સિનેમાની સફર:બ્લેક એન્ડ વ્હાઇટ યુગના કલાકારો આથમી રહ્યા છે, દિલીપ કુમારના અવસાન પછી હવે B&W યુગના માત્ર 31 કલાકારો જીવિત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કામિની કૌશલથી લઈ વહિદા રહેમાન, મનોજ કુમાર સહિતના કલાકારોએ બંને સિનેમામાં કામ કર્યું છે.

દિલીપ કુમારનું 7 જુલાઈના રોજ 98 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના જવાથી બોલિવૂડમાં જાણે એક યુગ પૂરો થઈ ગયો હોય તેમ લાગે છે. દિલીપ કુમારે બ્લેક એન્ડ વ્હાઈટ તથા રંગીન એમ બંને સિનેમામાં કામ કર્યું છે, પરંતુ દિલીપ કુમારના જવાથી બ્લેક એન્ડ વ્હાઇટ યુગના બચેલા સિતારાઓમાંથી વધુ એક સ્ટાર ખરી પડ્યો છે. ‘દિવ્ય ભાસ્કર’ના રિસર્ચ પ્રમાણે હિન્દી સિનેમામાં ‘શ્વેત શ્યામ’ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા માત્ર 30 અદાકારો જ હવે જીવિત બચ્યા છે. આજે આપણે એવા સેલેબ્સ વિશે વાત કરીશું, જેમણે બ્લેક એન્ડ વ્હાઇટ તથા કલર એમ બંને પ્રકારનાં સિનેમામાં કામ કર્યું હોય અને આજે જીવિત હોય.

કામિની કૌશલ

94 વર્ષીય કામિની કૌશલે 1946માં આવેલી અને ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘પામ ડી ઓર’ જીતનારી ચેતન આનંદની બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ 'નીચા નગર'થી કારકિર્દીની શરૂઆત કરી હતી. કામિની કૌશલ છેલ્લે 2019માં શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' દાદીના રોલમાં જોવા મળ્યાં હતાં.

વૈજ્યંતીમાલા

84 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ વૈજ્યંતીમાલાએ 1949માં તમિળ ફિલ્મ 'મોહના શિવાશંકરલિંગમ'માં કામ કર્યું હતું. વૈજયંતીમાલા ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર પણ છે. તેઓ છેલ્લે 1970માં ફિલ્મ 'ગંવાર'માં જોવા મળ્યાં હતાં.

માલા સિંહા

84 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ માલા સિંહાએ 1946માં બંગાળી ફિલ્મ 'જય બોઈશ્નોબ દેબી'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. હિંદીમાં ફિલ્મમાં તેઓ છેલ્લે 1994માં ફિલ્મ 'ઝીદ'માં જોવા મળ્યા હતા. વાત બંગાળી ફિલ્મની કરવામાં આવે તો તેમાં તેઓ છેલ્લે વર્ષ 2000માં ફિલ્મ 'કુલંગાર'માં હતાં.

વહિદા રહેમાન

83 વર્ષીય વહિદા રહેમાને 1955માં તમિળ ફિલ્મ 'રોજુલુ મારાઇ'થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. 1956માં ફિલ્મ 'CID'થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. છેલ્લે તેઓ 2020માં 'ડેઝર્ટ ડોલ્ફીન'માં જોવા મળ્યાં હતાં.

આશા પારેખ

78 વર્ષીય આશા પારેખે 1952માં ફિલ્મ 'માં' ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવી હતી. મૂળ મહુવાનાં આ અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મમાં પણ કામ કર્યું છે. છેલ્લે તેઓ 1995માં આવેલી ફિલ્મ 'આંદોલન'માં જોવા મળ્યાં હતાં.

મનોજ કુમાર

83 વર્ષીય મનોજ કુમારે 1957માં ફિલ્મ 'ફેશન'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે 1995માં ફિલ્મ 'મૈદાન-એ-જંગ'માં જોવા મળ્યા હતા. 1999માં 'જય હિંદ' ફિલ્મને ડિરેક્ટ કરી હતી.

ધર્મેન્દ્ર

85 વર્ષીય ધર્મેન્દ્રે 1960માં બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ 'દિલ ભી તેરે હમ ભી તેરે'થી કરી હતી. 2020માં તેઓ ફિલ્મ 'સિમલા મિર્ચી'માં જોવા મળ્યા હતા. હવે તેઓ હોમ પ્રોડક્શન ફિલ્મ 'અપને 2' તથા કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે.

તબસ્સુમ

77 વર્ષીય તબસ્સુમે એક્ટિંગ કરિયરની શરૂઆત ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ‘બેબી તબસ્સુમ’ નામે કરી હતી. 1947માં ફિલ્મ 'નરગિસ'થી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરનારાં તબસ્સુમનો ‘ફુલ ખીલે હૈ ગુલશન ગુલશન’ ટીવી શૉ ભારે લોકપ્રિય નીવડ્યો હતો. છેલ્લે તેઓ 1986માં 'ચમેલી કી શાદી'માં જોવા મળ્યા હતાં. 2009માં ટીવી શો 'લેડિઝ સ્પેશિયલ'માં જજ તરીકે જોવા મળ્યા હતા.

હેલન

82 વર્ષીય હેલને 1951માં ફિલ્મ 'શબિસ્તાન' તથા 'આવારા'માં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. 1954માં હેલને 'અલીફ લૈલા'માં સોલો ડાન્સ કર્યો હતો. 19 વર્ષની ઉંમરમાં હેલન 'હાવરા બ્રિજ'ના ગીત 'મેરા નામ ચીન ચીન ચુ..' તરીકે લોકપ્રિય થયા હતા. હેલન પોતાનાં કેબ્રે ડાન્સ માટે લોકપ્રિય હતા. 2012માં તેઓ ફિલ્મ 'હીરોઈન'માં જોવા મળ્યા હતા. હવે તેઓ ફિલ્મ 'પગલી શાદી ગો દાદી'માં જોવા મળશે.

ડેઈઝી ઈરાની

71 વર્ષીય ડેઈઝી ઈરાનીએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1955માં 'બંદીશ'થી ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે વિવિધ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે જોવા મળ્યાં હતાં. તેમણે લીડ એક્ટ્રેસ તરીકે કોઈ ફિલ્મ કરી નથી. તેઓ હંમેશાં સપોર્ટિંગ રોલમાં જોવા મળતાં. છેલ્લે તેઓ 2012માં 'શિરિન ફરહાદ કી તો નિકલ પડી'માં કામ કર્યું હતું. 2014માં 'હેપ્પી ન્યૂ યર'માં કેમિયો કર્યો હતો.

હની ઈરાની

66 વર્ષીય હની ઈરાની એટલે જાવેદ અખ્તરનાં પૂર્વ પત્ની છે. તેમને બે સંતાનો ઝોયા તથા ફરહાન અખ્તર છે. હની ઈરાની તથા ડેઈઝી ઈરાની સગી બહેનો છે. મોટી બહેન ડેઈઝીની જેમ હનીએ પણ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. હની ઈરાનીએ 1959માં ફિલ્મ 'ચિરાગ કહાં રોશની કહાં'માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. હની ઈરાની સ્ક્રીનરાઇટર તથા ડિરેક્ટર પણ રહ્યાં છે.

પ્રેમ ચોપરા​​​​​​​

85 વર્ષીય પ્રેમ ચોપરાએ 1960માં પંજાબી ફિલ્મ 'ચૌધરી કમલ સિંહ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એ જ વર્ષે તેમણે હિંદી ફિલ્મ 'હમ હિંદુસ્તાની'માં કામ કર્યું હતું. પ્રેમ ચોપરા બોલિવૂડમાં વિલન તરીકે લોકપ્રિય છે. છેલ્લે તેઓ 2019માં ફિલ્મ 'લાઇન ઑફ ડિસેન્ટ'માં જોવા મળ્યા હતા.

મુમતાઝ

73 વર્ષીય મુમતાઝ હાલમાં તો લંડનમાં રહે છે. મુમતાઝે 11 વર્ષની ઉંમરે 1958માં ફિલ્મ 'સોને કી ચિડિયા'થી કામ કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં મુમતાઝે દારા સિંહ સાથે એક્શન ફિલ્મમાં લીડ રોલમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ 1990માં ફિલ્મ 'આંધિયાં'માં કામ કર્યું હતું. મુમતાઝે ગુજરાતી બિઝનેસમેન મયુર માધવાણી સાથે લગ્ન કર્યાં છે. મુમતાઝની મોટી દીકરી નતાશાએ બોલિવૂડ એક્ટર ફરદીન ખાન સાથે લગ્ન કર્યાં છે.

અમિતા​​​​​​​

81 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ અમિતાએ 1951માં મધુબાલાની ફિલ્મ 'બાદલ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 1953માં લીડ એક્ટ્રેસ તરીકે 'શ્રી ચૈતન્ય મહાપ્રભુ'માં કામ કર્યું હતું. અમિતાનું સાચું નામ સુલતાના છે. અમિતા છેલ્લે 1971માં 'કહી ધૂપ કહી છાંવ'માં જોવા મળ્યાં હતાં.

શર્મિલા ટાગોર​​​​​​​

76 વર્ષીય શર્મિલા ટાગોરે સત્યજીત રેની બંગાળી ફિલ્મ 'અપુર સંસાર'થી કરિયરની શરૂઆત કરી હતી. 1964માં 'કાશ્મીર કી કલી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. શર્મિલા ટાગોર છેલ્લે 2010માં હિંદી ફિલ્મ 'બ્રેક કે બાદ'માં જોવા મળ્યાં હતાં.

તનુજા

77 વર્ષીય તનુજાએ ફિલ્મી કરિયરની શરૂઆત 1950માં બહેન નૂતનની ફિલ્મ 'હમારી બેટી'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. 1960માં 'છબીલી'થી એક્ટ્રેસ તરીકે કામ કર્યું હતું. છેલ્લે તેમણે 2018માં બંગાળી ફિલ્મ 'શોનાર પહાર'માં કામ કર્યું હતું.

રાજશ્રી​​​​​​​

76 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ રાજશ્રી જાણીતા બોલિવૂડ ડિરેક્ટર વી.શાંતારામનાં દીકરી છે. 1954માં રાજશ્રીએ 'સુબહ કા તારા'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. રાજશ્રી છેલ્લે 1973માં ફિલ્મ 'નૈના'માં જોવા મળ્યાં હતાં. રાજશ્રી હાલમાં અમેરિકાના લોસ એન્જલસમાં દીકરી સાથે રહે છે.

હેમામાલિની​​​​​​​

72 વર્ષીય હેમામાલિનીએ 1963માં તમિળ ફિલ્મ 'ઈધુ સાથીયમ'માં ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં 1968માં ફિલ્મ 'સપનોં કા સૌદાગર'થી કામ કરવાની શરૂઆત કરી હતી. 2020માં 'સિમલા મિર્ચી'માં છેલ્લે કામ કર્યું હતું. હેમાએ બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાં છે.

કમલ હાસન

66 વર્ષીય કમલ હાસને તમિળ ફિલ્મ 'કાલાખુર કન્નામ્મા'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 1977માં કમલે હિંદી ફિલ્મ 'આઈના'માં કામ કર્યું હતું. કમલ હાસને રાજકારણમાં પણ ઝંપલાવ્યું છે. હાલમાં તે 'વિક્રમ' તથા 'ઇન્ડિયન 2'માં કામ કરી રહ્યાં છે.

ઘનશ્યામ નાયક

77 વર્ષીય ઘનશ્યામ નાયક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ‘નટુકાકા’ની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયા છે. તેમણે 250થી વધુ હિંદી-ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું છે. ઘનશ્યામ નાયકે ફરહાન અખ્તરની માતા હની ઈરાની સાથે 1960માં ફિલ્મ 'માસૂમ'માં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકા ભજવીને એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ઘનશ્યામ નાયક છેલ્લે 2017માં ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ'માં જોવા મળ્યા હતા. હાલમાં ઘનશ્યામ નાયકની કેન્સરની સારવાર ચાલી રહી છે અને તેથી જ તેમણે 'તારક મહેતા..'માંથી બ્રેક લીધો છે.

સંધ્યા શાંતારામ​​​​​​​

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર વી શાંતારામની ત્રીજી પત્ની સંધ્યાએ 1951માં મરાઠી ફિલ્મ 'અમર ભોપાલી'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 81 વર્ષીય સંધ્યાએ બહુ ઓછી ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે તેઓ 1972માં ફિલ્મ 'પ્રિયા'માં જોવા મળ્યા હતા.

મીનુ મુમતાઝ

79 વર્ષીય મીનુ મુમતાઝ બોલિવૂડના જાણીતા કોમેડિયન મેહમૂદની બહેન છે. મીનુએ 1955માં ફિલ્મ 'ઘર ઘર મૈં દિવાલી'માં ડાન્સર તરીકે કામ કર્યું હતું. મીનુએ 50-60ના દાયકામાં ઘણી ફિલ્મમાં ડાન્સર તરીકે કામ કર્યું છે. છેલ્લે તેઓ 1986માં ફિલ્મ 'પત્તોં કી બાઝી'માં જોવા મળ્યા હતા. મીનુ મુમતાઝ હાલમાં કેનેડામાં પરિવાર સાથે રહે છે.

કાનન કૌશલ

82 વર્ષીય ઇન્દુમતી પેંગણકર બોલિવૂડમાં કાનન કૌશલ તરીકે લોકપ્રિય છે. કાનને 1966માં ફિલ્મ 'બદતમીઝ'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેઓ 'જય સંતોષી મા'થી લોકપ્રિય થયાં હતાં. કાનને 16 ગુજરાતી ફિલ્મ, 3 ભોજપુરી ફિલ્મ, 60 હિંદી-મરાઠી ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે તેઓ 1992માં ફિલ્મ 'સનમ આપ કી ખાતિર'માં જોવા મળ્યાં હતાં.

રાખી​​​​​​​

73 વર્ષીય રાખીએ 1967માં બંગાળી ફિલ્મ 'બધુ ભારન'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 1970માં ફિલ્મ 'જીવન મૃત્યુ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. રાખીએ ગુલઝાર સાથે લગ્ન કર્યાં છે અને તેમને દીકરી મેઘના ગુલઝાર છે. રાખી છેલ્લે 2019માં ફિલ્મ 'નિર્બાન'માં જોવા મળ્યાં હતાં

અર્પણા સેન

75 વર્ષીય એક્ટ્રેસ અપર્ણા સેન એક્ટ્રેસ, ડિરેક્ટર તથા રાઇટર છે. 1955માં અપર્ણાએ બંગાળી ફિલ્મ 'મેજો બો' ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 1961માં બંગાળી ફિલ્મ 'તીન કન્યા'માં મૃણમોયીનો રોલ પ્લે કર્યો હતો. અપર્ણા સેન બંગાળી સિનેમામાં એક્ટિવ છે. 2019માં તેમણે 'બાસુ પોરીબાર'માં કામ કર્યું હતું. જ્યારે 'ઘાવરે બેરે આજ' બંગાળી ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

સિમી ગરેવાલ​​​​​​​

73 વર્ષીય સિમી ગરેવાલે 1962માં ફિલ્મ 'રાઝ કી બાત'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. સિમી છેલ્લે 1988માં ફિલ્મ 'રૂખસત'માં જોવા મળી હતી. આ ફિલ્મને સિમીએ જ ડિરેક્ટ કરી હતી. 1997માં સિમીનો ટીવી શો 'રેન્દેવુઝ વિથ સિમી' ઘણો જ લોકપ્રિય થયો હતો. સિમીએ છેલ્લે 2011માં 'સિમી સિલેક્ટ ઇન્ડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ' શો હોસ્ટ કર્યો હતો.

બિંદુ

78 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ બિંદુએ 1959માં ફિલ્મ 'સંતાન'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. બિંદુ છેલ્લે 2008માં 'મહેબૂબા' ફિલ્મમાં જોવા મળી હતી. બિંદુ મૂળ ગુજરાતી છે. બિંદુ અને અરૂણા ઈરાની પિતરાઇ બહેનો છે.

મુમતાઝ બેગમ

98 વર્ષીય એક્ટ્રેસ મુમતાઝ બેગમે 1950માં ફિલ્મ 'દહેજ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેઓ છેલ્લે 'આતીશ' ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેઓ 'મહાભારત' તથા 'આઈ મિલન કી બેલા' જેવી ફિલ્મથી લોકપ્રિય થયાં હતાં.

બેલા બોઝ​​​​​​​

76 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ બેલા બોઝ પોતાના સમયમાં બોલિવૂડમાં જાણીતા ડાન્સર હતાં. તેમણે 1959માં ફિલ્મ 'મૈં નશે મેં હૂં'થી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે પોતાની કરિયરમાં 150થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. છેલ્લે તેઓ 1980માં 'સો દિન સાસ કે'માં જોવા મળ્યા હતા. તેમની દીકરી ડૉક્ટર છે અને દીકરો બિલ્ડર તથા ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર તરીકે કામ કરે છે.

સુલોચના લત્કર​​​​​​​

92 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ સુલોચનાએ 1946માં મરાઠી ફિલ્મ 'સસુરવાસ'થી એક્ટિંગ કરિયર શરૂ કરી હતી. તેમણે 1957માં હિંદી ફિલ્મ 'અબ દિલ્લી દૂર નહીં'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 50થી વધુ મરાઠી તથા 250થી વધુ હિંદી ફિલ્મમાં કામ કર્યું છે. તેઓ છેલ્લે 1988માં ફિલ્મ 'ખૂન ભરી માંગ'માં જોવામાં જોવા મળ્યાં હતાં.

ફરીદા જલાલ

72 વર્ષીય ફરીદા જલાલે 1967માં 'તકદીર' ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે તેમણે 2020માં ફિલ્મ 'જવાની જાનેમન'માં કામ કર્યું હતું. તેમણે ટીવી શોમાં પણ કામ કર્યું છે. છેલ્લે તેમનો ટીવી શો 2016માં 'સતરંગી સસુરાલ' આવ્યો હતો. 2019માં વેબ સિરીઝ 'પરછાઈ'માં કામ કર્યું હતું.