આજે એટલે કે આઠ માર્ચના રોજ દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ધુળેટીનો તહેવાર સેલિબ્રેટ થઈ રહ્યો છે. ધુળેટી માત્ર સામાન્ય માણસોમાં જ નહીં, બોલિવૂડમાં પણ એક સમયે એટલી જ લોકપ્રિય હતી. બોલિવૂડ સ્ટાર્સ ધામધૂમપૂર્વક હોળીનું આયોજન કરતા હતા. બોલિવૂડમાં રાજ કપૂરથી લઈ અમિતાભ બચ્ચનની હોળી જાણીતી હતી. રાજ કપૂરની હોળીમાં ઇન્ડસ્ટ્રીના નાનાથી માંડીના મોટા સેલેબ્સ સામેલ થતા હતા. જોકે હવે બોલિવૂડમાં મોટે પાયે હોળીનું સેલિબ્રેશન જોવા મળતું નથી. આજે આપણે બોલિવૂડની કેટલીક જાણીતી હોળી અંગે વાત કરીશું.
રાજ કપૂરની હોળી પાર્ટી
બોલિવૂડમાં જ્યારે પણ હોળી સેલિબ્રેશનની વાત આવે ત્યારે અચૂકથી રાજ કપૂરની હોળી પહેલા નંબરે જ આવે. રાજ કપૂર RK સ્ટુડિયોમાં હોળી સેલિબ્રેશનનું મોટે પાયે આયોજન કરતા હતા. આ સેલિબ્રેશનમાં સામેલ થવા માટે રાજ કપૂર દરેકને ઇન્વિટેશન કાર્ડ મોકલતા હતા. આટલું જ નહીં, અહીં મોટા મોટા ટબમાં રંગવાળું પાણી રાખવામાં આવતું અને સ્ટાર્સ એમાં ધુબાકા મારતા હતા. સ્ટુડિયોમાં સવારથી લઈ મોડી રાત સુધી મસ્તીધમાલ ચાલતી હતી. એમ પણ કહેવામાં આવતું કે જ્યાં સુધી સિતારા દેવી ને ગોપી કૃષ્ણન હોળીમાં ડાન્સ ના કરે ત્યાં સુધી રાજ કપૂરની હોળી પૂરી થતી નહોતી. રાજ કપૂરની ફિલ્મ 'મેરા નામ જોકર' સુપરફ્લોપ ગઈ અને તેમને નુકસાન થયું ત્યારે પણ હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. 1988માં રાજ કપૂરના અવસાન બાદથી હોળી સેલિબ્રેશન બંધ થઈ ગયું હતું. હવે તો કપૂર પરિવારે RK સ્ટુડિયો પણ વેચી નાખ્યો છે.
યશ ચોપરાની હોળી
બોલિવૂડના લોકપ્રિય ડિરેક્ટર સ્વ. યશ ચોપરાની હોળી પણ બોલિવૂડમાં જાણીતી હતી. યશ ચોપરા પણ પોતાના યશરાજ સ્ટુડિયોમાં હોળી પાર્ટી યોજતા હતા. આ હોળી પાર્ટીમાં તેમના નિકટના મિત્રો તથા યશરાજ સ્ટુડિયોનો સ્ટાફ હાજર રહેતો. જોકે 2012માં યશ ચોપરાના અવસાન બાદ અહીં હોળી સેલિબ્રેશન કરવામાં આવતું નથી.
સુભાષ ઘાઈની હોળી પાર્ટી
બોલિવૂડના શોમેન સુભાષ ઘાઈ પોતાના મડ આઇલેન્ડ સ્થિત બંગલામાં હોળી પાર્ટી આપતા હતા. આ પાર્ટીમાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ હાજરી આપતા હતા. પાર્ટીમાં માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, પરંતુ બોલિવૂડના ટેકનિશિયન્સ પણ આવતા હતા. 80ના દાયકામાં સુભાષ ઘાઈની હોળીની ચર્ચા દિવસો સુધી થતી હતી. જોકે પછી સુભાષ ઘાઈએ હોળી પાર્ટી આપવાનું બંધ કરી દીધું હતું.
અમિતાભ બચ્ચનની હોળી પાર્ટી
હોળી ગીત 'રંગ બરસે ભીગે ચુનરવાલી રંગ બરસે...'માં ધમાકેદાર ડાન્સ કરનાર અમિતાભ બચ્ચન પણ પોતાના જુહુ બંગલામાં હોળી પાર્ટી આપતા હતા. પાર્ટીમાં આ ગીત અચૂકથી વાગતું હતું. બિગ બીની હોળી પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સ જવા માટે આતુર રહેતા હતા. જોકે માનવામાં આવે છે કે વર્ષ 2008માં મુંબઈમાં આતંકી હુમલો થયો પછી બિગ બીએ હોળી પાર્ટી આપવાનું બંધ કરી દીધું છે.
શાહરુખ ખાનની હોળી પાર્ટી
શાહરુખ ખાનને પણ હોળી રમવી ઘણી જ ગમે છે. શાહરુખ ખાન પણ પોતાના બંગલા મન્નતમાં હોળી પાર્ટી આપતો હતો. જોકે શાહરુખ ખાન છેલ્લાં ઘણાં વર્ષોથી હોળી પાર્ટી આપતો નથી.
શબાના આઝમી-જાવેદ અખ્તરની હોળી પાર્ટી
શબાના આઝમીના પિતા કૈફી આઝમીએ હોળી સેલિબ્રેશન કરવાની શરૂઆત કરી હતી. તેમના અવસાન બાદ દીકરી શબાનાએ આ પરંપરા જાળવી રાખી છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી શબાના આઝમી પોતાના ઘરે હોળી સેલિબ્રેટ કરતાં નથી. શબાના આઝમી તથા જાવેદ અખ્તર પોતાના ઘરે જ હોળી પાર્ટીનું આયોજન કરતાં હતાં, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ સામેલ થતા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.