સ્ટાર્સની આંચકાજનક વિદાય:સિદ્ધાર્થ-સુશાંતથી લઈ શ્રીદેવી સહિતના 17 સ્ટાર્સના આકસ્મિક અવસાનથી પરિવાર જ નહીં ચાહકોને પણ ઝટકો લાગ્યો હતો

અમદાવાદ8 મહિનો પહેલા
  • જિયા ખાન, પ્રત્યુષા બેનર્જી સહિતના સેેલેબ્સના આકસ્મિક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું

2 સપ્ટેમ્બરના રોજ અચાનક જ સમાચાર આવ્યા કે 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે. સિદ્ધાર્થના અવસાનના સમાચાર સાંભળીને માત્ર પરિવાર, ચાહકોને જ નહીં, પરંતુ સેલેબ્સને પણ ઘેરો આઘાત લાગ્યો છે. સિદ્ધાર્થ પોતાની પાછળ બે બહેનો, માતા તથા પ્રેમિકા શેહનાઝ ગિલને વિલાપ કરતો મૂકી ગયો છે. શેહનાઝ ગિલ તો સાનભાન ગુમાવીને રડે જ રાખે છે. જોકે, માત્ર સિદ્ધાર્થ જ નહીં, પરંતુ બોલિવૂડમાં એવા ઘણાં સેલેબ્સ હતા, જેમના આકસ્મિક મોતથી પરિવાર સ્તબ્ધ બની ગયો હતો.

શ્રીદેવી​​​​​​

54 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીનું 2018માં 24 ફેબ્રુઆરીના રોજ આકસ્મિક નિધન થયું હતું. શ્રીદેવી પોતાની નણંદ રીના મારવાહના દીકરા મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા દીકરી ખુશી, પતિ બોની કપૂર સાથે દુબઈ ગઈ હતી. લગ્ન બાદ શ્રીદેવી એકલી દુબઈમાં રોકાઈ હતી. પતિ તથા દીકરી ભારત પરત ફર્યા હતા. દુબઈની જુમેરાહ અમીરાત ટાવર્સ હોટલમાં શ્રીદેવી રોકાઈ હતી. અહીંયા શ્રીદેવીનું બાથટબમાં વધુ પડતો દારૂ પીવાને કારણે ડૂબી જવાથી મોત થયું હતું. શ્રીદેવીના આકસ્મિક મોતથી પતિ બોની કપૂર તથા બંને દીકરીઓ જાહન્વી તથા ખુશી કપૂર એકદમ ભાંગી પડ્યા હતા. બોની કપૂર ફિલ્મ 'મૈદાન'નો પ્રોડ્યૂસર છે. જ્યારે જાહન્વીએ 'ધડક'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે અને ખુશી કપૂર બોલિવૂડ ડેબ્યૂની તૈયારીમાં છે.

રાજ કૌશલ

બોલિવૂડ એક્ટ્રેસ મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું હાર્ટ-અટેકને કારણે 30 જૂનના રોજ અવસાન થયું હતું. 30 જૂનના રોજ અચાનક જ વહેલી સવારે 49 વર્ષીય રાજને હાર્ટ અટેક આવ્યો હતો. રાજ કૌશલ પ્રોડ્યુસર અને સ્ટંટ ડિરેક્ટર હતો. તેણે કરિયરની શરૂઆત એક્ટર તરીકે કરી હતી. રાજ પોતાની પાછળ પત્ની મંદિરા, દીકરા વીર તથા દત્તક દીકરી તારાને વિલાપ કરતો મૂકી ગયો છે. રાજ-મંદિરાએ જુલાઈ 2020માં દીકરી દત્તક લીધી હતી.

જિયા ખાન

3 જૂન, 2013ના રોજ 25 વર્ષીય જિયા ખાન જુહૂ, મુંબઈ સ્થિત પોતાના ઘરના બેડરૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. ઘટનાના ચાર દિવસ બાદ જિયાની બહેનને સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં જિયાએ સૂરજ પંચોલી સાથેના બગડતાં સંબંધો અંગે વાત કરી હતી. પછી જિયાની માતા રાબિયા ખાને સૂરજ પંચોલી પર દીકરીની હત્યાનો આક્ષેપ મૂક્યો હતો. CBI (સેન્ટર બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેટિવ)ની વિશેષ કોર્ટમાં હાલમાં કેસ ચાલી રહ્યો છે. જિયા ખાનને બે નાની બહેનો કવિતા તથા કરિશ્મા છે.

પ્રત્યૂષા બેનર્જી

1 એપ્રિલ, 2016ના રોજ 24 વર્ષીય પ્રત્યુષા પોતાના મુંબઈ સ્થિત ભાડાના ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાને કારણે મોત થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. આ કેસમાં પ્રત્યુષાના પરિવારે પ્રેમી રાહુલ રાજ સિંહ પર આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાના આરોપ લગાવ્યા હતા. રાહુલને બોમ્બે હાઇકોર્ટે જામીન આપ્યા હતા. થોડાં સમય પહેલાં જ રાહુલે એક્ટ્રેસ સલોની શર્મા સાથે લગ્ન કર્યા હતા. શંકર બેનર્જી તથા સોમા બેનર્જીની એકની એક દીકરી પ્રત્યુષા હતી. તેના મોતથી પરિવાર આખો વિખરાઈ ગયો છે અને તેમની પાસે હવે એક રૂપિયો નથી. તેઓ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે અને દીકરીને ન્યાય મળે તે માટે લડત લડે છે. લૉકડાઉનમાં દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ 20 હજારની મદદ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂત

14 જૂન, 2020ના રોજ 34 વર્ષીય સુશાંત સિંહ મુંબઈના બાંદ્રામાં ભાડાના અપાર્ટમેન્ટમાં પોતાના બેડરૂમમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મોતના થોડો સમય બાદ તેના પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાનો તથા 15 કરોડ રૂપિયાની હેરાફેરી કરી હોવાનો કેસ કર્યો હતો. સુશાંતના મોતની તપાસ CBI કરી રહી છે. જોકે, હજી સુધી CBIએ કોઈ રિપોર્ટ આપ્યો નથી. આ કેસમાં ED, NCB પણ જોડાયેલા છે. ડ્રગ્સ એંગલ સામે આવતા સુશાંતની પ્રેમિકા રિયા એક મહિનો જેલમાં રહી હતી. સુશાંતના આકસ્મિક મૃત્યુથી પિતા કેકે સિંહ, ચાર બહેનો નીતુ, મિતુ, પ્રિયંકા અને શ્વેતાને ભારે આઘાત લાગ્યો છે.

કુશલ પંજાબી

ટીવી તથા બોલિવૂડ એક્ટર કુશલ પંજાબીએ 26 ડિસેમ્બર, 2020ની રાત્રે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી હતી. 42 વર્ષીય કુશલના અંતિમ સંસ્કાર 28 ડિસેમ્બરે કરવામાં આવ્યા હતા. કુશલ પંજાબીના ખાસ મિત્ર ચેતન હંસરાજે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક સમયથી કુશલ મુશ્કેલીમાં હતો. તેની પત્ની દીકરાને લઈને શાંઘાઈ રહેવા જતી રહી હતી. તેમની વચ્ચે મતભેદો હતાં. આ વાતથી કુશલ ઘણો જ સ્ટ્રેસમાં રહેતો હતો. કુશલની પત્ની દીકરા સાથે અંતિમસંસ્કારમાં હાજરી રહી હતી. ત્યારબાદ તે શાંઘાઈ પરત ફરી હતી.

રાજીવ કપૂર

રણધીર તથા રિશી કપૂરના સૌથી નાના ભાઈ 58 વર્ષીય રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરી, 2021ના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. રાજીવ કપૂરે લગ્ન કર્યા નહોતાં. રાજીવ કપૂરના આકસ્મિક અવસાનથી મોટાભાઈ રણધીર કપૂરને તથા બહેન રીમા જૈનને ઘેરો આઘાત લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે 67 વર્ષીય રિશી કપૂરનું 30 એપ્રિલ, 2020ના રોજ સવારે 8 વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. વર્ષ 2018માં રાજ કપૂરની પત્ની તથા રાજીવ કપૂરના મમ્મી કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. 14 જાન્યુઆરી, 2020ના રોજ બહેન રીતુ નંદાનું અવસાન થયું હતું.

દિવ્યા ભારતી

90ના દાયકાની લોકપ્રિય એક્ટ્રેસ દિવ્ય ભારતીનું 19 વર્ષની ઉંમરમાં પાંચ એપ્રિલ, 1993માં મોત થયું હતું. દિવ્યા ભારતી 5 એપ્રિલની રાત્રે પોતાના તુલસી અપાર્ટમેન્ટના પાંચમા માળની બારી આગળ આઠ સાડા આઠની આસપાસ બેસીને દારૂ પીતી હતી. તેણે અડધો કલાકમાં દોઢ ગ્લાસ દારૂ પીધો હોવાનું કહેવાય છે અને બારીમાંથી પરત ફરતી વખતે બેલેન્સ ગુમાવતા દિવ્યા પાંચમા માળેથી પડી હતી. આ બારીને ગ્રીલ નહોતી અને દિવ્યા બારી પર પગ બહાર રાખીને અવારનવાર બેસતી હતી. દિવ્યાના આકસ્મિક મોતથી તેના પિતા ઓમ પ્રકાશ માતા મીતા પ્રકાશ તથા ભાઈ કુનાલને ઘેરો આઘાત લાગ્યો હતો. શરૂઆતમાં એવી ચર્ચા હતી કે દિવ્યા ભારતીનું ખૂન થયું છે, પરંતુ પોલીસે આકસ્મિક મોતનો કેસ હોવાનું કહીને ફાઇલ બંધ કરી દીધી હતી. મીતા ભારતીનું બે વર્ષ પહેલાં જ અવસાન થયું હતું.

ગુલશન કુમાર

42 વર્ષીય ગુલશન કુમારની 1997માં મંદિરની બહાર હત્યા કરવામાં આવી હતી. મ્યૂઝિક કંપની ટી સિરીઝના ફાઉન્ડર ગુલશન કુમારની જાહેરમાં હત્યા થતાં બોલિવૂડ ડરી ગયું હતું. ગુલશન કુમારની હત્યા બાદ તેમના દીકરા ભૂષણ કુમારે ટી સિરીઝને સંભાળી હતી. આ સમયે ભૂષણ કુમારની ઉંમર માત્ર 19 વર્ષની હતી. ગુલશન કુમારની બંને દીકરીઓ તુલસી કુમાર તથા ખુશાલી કુમાર સિંગર છે.

જસપાલ ભટ્ટી

ટીવી શો 'ફ્લોપ શો'ને કારણે લોકપ્રિય થનારા 57 વર્ષીય જસપાલ ભટ્ટીનું 2012માં કાર અકસ્માતમાં મોત થયું હતું. કાર તેમનો દીકરો જસરાજ ભટ્ટી ચલાવતો હતો. જલંધર જિલ્લાના શાહકોટ આગળ અકસ્માત થયો હતો. દીકરાની ફિલ્મ 'પાવર કટ' રિલીઝ થાય તે પહેલાં જ જસપાલ ભટ્ટીનું અવસાન થયું હતું. જસપાલ ભટ્ટીના મોત બાદ પત્ની સવિતા દર વર્ષે પતિના જન્મદિવસ પર ચંદીગઢમાં 'જસપાલ ભટ્ટી હ્યુમર ફેસ્ટિવલ' યોજે છે. જસરાજ ભટ્ટી ફિલ્મમેકર, કાર્ટૂનિસ્ટ તથા એક્ટર છે.

વિવેક શૉ

ટીવી શો 'ફ્લોપ શો', ફિલ્મ 'ગદર એક પ્રેમ કથા'માં જોવા મળેલો કોમેડિયન વિવેક શૉનું 47 વર્ષની ઉંમરમાં 2011માં હાર્ટ અટેકને કારણે મૃત્યુ થયું હતું. વિવેકને 3 જાન્યુઆરી, 2011ના રોજ હાર્ટ અટેક આવ્યો હતો અને તેને થાનેની જ્યુપિટર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.. તે લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતો અને પછી તે કોમામાં સરી પડ્યો હતો. 10 જાન્યુઆરી, 2011ના રોજ તેનું મોત થયું હતું. વિવેક પોતાની પાછળ પત્ની તથા ત્રણ સંતાનોને વિલાપ કરતો મૂકી ગયો હતો.

ઈન્દર કુમાર

બોલિવૂડ એક્ટર ઈન્દર કુમારનું 2017માં કાર્ડિયેક અરેસ્ટને કારણે મોત થયું હતું. ઈન્દર કુમાર આર્થિક રીતે મુશ્કેલીમાં હોવાની ચર્ચા હતી. આટલું જ નહીં તેને બોલિવૂડમાં કામ પણ મળતું નહોતું. 1996માં ફિલ્મ ‘માસૂમ’થી ઈન્દરે ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ તે ‘ખિલાડીઓં કા ખિલાડી’ (1996), ‘કુંવારા’ (2000), ‘કહી પ્યાર ન હો જાએ’ (2000) અને ‘માં તુઝે સલામ’ (2002) જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. ઈન્દર કુમારે ત્રણ લગ્ન કર્યા હતા. પહેલાં લગ્ન પાંચ મહિના ટક્યા હતા તો બીજા લગ્ન માંડ એક વર્ષ ચાલ્યા હતા. ઈન્દર કુમારે ત્રીજા લગ્ન મોડલ પલ્લવી સર્રાફ સાથે કર્યા હતા. તેમને એક દીકરી હતી.

તરુણી સચદેવ

તરુણી માત્ર 5 વર્ષની ઉંમરે ગ્લેમર વર્લ્ડમાં આવી હતી. તરુણીએ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'પા'માં કામ કર્યું હતું. તરુણીએ સોફ્ટ ડ્રિંક રસનાની જાહેરાતમાં કામ કર્યું હતું અને ત્યારથી જ તે 'રસના ગર્લ' તરીકે લોકપ્રિય હતી. 2012માં તરુણી પોતાની માતા ગીતા સાથે નેપાળના મુક્તિનાથધામ ગઈ હતી. નેપાળના જોમસોમ એરપોર્ટ નજીક પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશમાં તરુણી તથા તેની માતાનું અવસાન થયું હતું.

સૌંદર્યા

સૌંદર્યાએ 1992માં કન્નડ ફિલ્મ 'ગંધરવા'થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. સૌંદર્યાએ કન્નડ, તેલુગુ, તમિલ તથા મલયાલમ સહિતની 100થી વધુ ફિલ્મ્સમાં કામ કર્યું હતું. સૌંદર્યા છવાર સાઉથ ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી હતી. સાઉથમાં એક્ટિવ રહેલી સૌંદર્યાની 'સૂર્યવંશમ' પહેલી તથા અંતિમ હિંદી ફિલ્મ હતી. 17 એપ્રિલ, 2004માં બેંગાલુરુની નજીક પ્લેન ક્રેશમાં સૌંદર્યાનું નિધન થયું હતું. આ સમયે સૌંદર્યા પ્રેગ્નન્ટ હતી. સૌંદર્યા ભાઈ અમરનાથ, હિંદુ જાગરણ સમિતિના સેક્રેટરી રમેશ કદમ તથા પાયલ જોય ફિલિપ પ્લેનમાં હતા. આ ચારેયનું મોત થયું હતું. મોતના થોડાં મહિના પહેલાં જ સૌંદર્યાએ ભાજપ જોઇન કર્યું હતું. સૌંદર્યાએ સોફ્ટવેર એન્જિનિયર જી એસ રઘુ સાથે લગ્ન કર્યા હતા. 2010માં જી એસ રઘુએ અર્પિતા નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યાં હતાં.

અમિત મિસ્ત્રી

47 વર્ષીય અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે 23 એપ્રિલ, 2021માં અવસાન થયું હતું. અમિત મિસ્ત્રીએ ટીવી સિરિયલ 'તેનાલી રામા', 'મેડમ સર' ઉપરાંત બોલિવૂડ ફિલ્મ્સ 'યમલા પગલા દીવાના' અને 'શોર ઈન ધ સિટી'માં કામ કર્યું હતું. ગુજરાતી ફિલ્મ 'બે યાર' તથા 'ચોર બની થનગાટ કરે'માં પણ જોવા મળ્યો હતો. અમિતે છેલ્લે વેબ શો બંદિશ બેન્ડિટ્સમાં કામ કર્યું હતું.

આશિષ કક્કડ

જાણીતા ગુજરાતી ફિલ્મમેકર, અભિનેતા, વોઈસ આર્ટિસ્ટ આશિષ કક્કડનું 2 નવેમ્બર, 2020ના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે કોલકાતા ખાતે ઊંઘમાં જ માસિવ હાર્ટ અટેકથી અવસાન થયું હતું. 49 વર્ષીય આશિષ કક્કડે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રાઈટર, એક્ટર, ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આશિષ પોતાની પાછળ પત્ની તથા દીકરાને રડતા મૂકીને ગયા છે.

દાનિશ ઝહાં​​​​​​​

21 વર્ષીય યુ ટ્યૂબર દાનિશ જહાંનું 2018માં મુંબઈમાં રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. દાનિશ લગ્નમાં હાજરી આપ્યા બાદ ઘરે જતો હતો ત્યારે મુંબઈના વશી આગળ કારનો અકસ્માત થયો હતો. દાનિશને તાત્કાલિક નિકટની હોસ્પિટલ ફોર્ટિસમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલે તેને મૃત જાહેર કર્યો હતો. નાના ભાઈના આકસ્મિક મોતથી મોટોભાઈ ગુફરાન એકદમ ભાંગી પડ્યો હતો.