ખેડૂત આંદોલન અને કંગના:24 કલાકમાં બેક ટુ બેક નોટિસ મળ્યા બાદ એક્ટ્રેસની પ્રતિક્રિયા, કહ્યું- લાગે છે કે મને મહાન બનાવીને જ દમ લેશે

મુંબઈ2 વર્ષ પહેલા

કંગના ખેડૂત આંદોલનમાં કૂદી પડી હતી. કંગનાએ ખેડૂત આંદોલન વિરુદ્ધ પોસ્ટ કરી હતી અને માત્ર 24 કલાકની અંદર તેને નોટિસ મળી હતી. કંગના વિરુદ્ધ અરજીઓ કરવામાં આવી છે અને માફીનામાની માગ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે કંગનાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું કે લાગે છે કે મહાન બનાવીને જ આ લોકો દમ લેશે.

કંગનાએ કહ્યું, બધા જ ગેંગમાં સામેલ છે
પોસ્ટમાં કંગનાએ કહ્યું, 'ફિલ્મ માફિયાએ મારી પર અનેક કેસ ફાઈલ કર્યા. ગઈ રાત્રિએ જાવેદ અખ્તરે વધુ એક કેસ ફાઈલ કર્યો. મહારાષ્ટ્ર સરકાર દર કલાકે એક કેસ ફાઈલ કરે છે. હવે પંજાબમાં કોંગ્રેસે પણ આ ગેંગ જોઈન કરી લીધી છે. લાગે છે કે મને મહાન બનાવીને જ આ લોકો દમ લેશે. ધન્યવાદ.'

સ્ટાર્સે દિલજીતને સપોર્ટ કર્યો
એક દિવસ પહેલાં કંગના તથા દિલજીત દોસાંજ વચ્ચે સોશિયલ મીડિયામાં ઝઘડો થયો હતો, જેમાં બંને ગાળાગાળી પર ઊતરી આવ્યાં હતાં. સ્વરા ભાસ્કર, તાપસી પન્નુ, મીકા સિંહ સહિતના સેલેબ્સ દિલજીતનો સપોર્ટ કરી રહ્યાં છે. તો કંગનાને માત્ર ચાહકોએ જ સપોર્ટ કર્યો હતો. ચાહકોએ સોશિયલ મીડિયામાં सब_पर_भारी_कंगना હેશટૅગ ટ્રેન્ડ કરાવ્યો હતો.

દાદીએ કંગનાને ઓફર કરી હતી
કંગનાએ જે વૃદ્ધ મહિલા માટે વિવાદિત પોસ્ટ લખી હતી, તે દાદી પંજાબના બઠિંડાના બહાદુરગઢ ગામના છે. 87 વર્ષીય મહિંદર કૌરે કહ્યું હતું કે તેમની પાસે 13 એકર જમીન છે. જો કોરોનાને કારણે કંગના પાસે કામ નથી તો તે તેમના ખેતરમાં કામ કરવા આવી શકે છે.

અત્યાર સુધી આટલા કેસ તથા નોટિસ
ખેડૂત આંદોલનની તુલના શાહીન બાગ વિરોધ પ્રદર્શન સાથે કરતાં તથા વૃદ્ધ મહિલાના અપમાનને કારણે કંગનાને ઘણી નોટિસ મોકલવામાં આવી છે, જેમાં ખાસ કરીને દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિના એક સભ્યે કંગનાને નોટિસ ફટકારી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બંધારણ હેઠળ ખેડૂતોને પણ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો હક છે. તે ખેડૂતોનું અપમાન કરી શકે નહીં.

પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટ ચંદીગઢના સીનિયર વકીલ તથા સોશિયલ એક્ટિવિસ્ટ હાકમ સિંહે કંગનાને નોટિસ મોકલી છે. પટિયાલામાં યુથ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાએ કંગનાનું પૂતળું બાળ્યું હતું. મંડી ગોવિંદગઢમાં ખેડૂત સંગઠને જાહેરાત આપીને કંગના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ડિમાન્ડ કરી છે.

સમાનામાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધમાં મહિલાઓએ કંગના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમની માગણી હતી કે કંગના જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. હોશિયારુપરમાં પણ કંગના વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. અહીંયાના લોકોએ કહ્યું હતું કે જો કંગના ભવિષ્યમાં પંજાબ આવે છે તો તેને અહીંયાની જમીન પર પગ મૂકવા દેવામાં આવશે નહીં.