આર્યન માટે 6 દિવસ રહેશે મુશ્કેલીભર્યા:જેલના વોર્ડમાં 250 કેદીની સાથે રહેશે, જ્યાં પડખું ફેરવવું પણ મુશ્કેલ; લાઇનમાં ઊભા રહીને ખાવાનું લેવું પડશે

મુંબઈએક દિવસ પહેલાલેખક: નિશાત શમ્સી
  • આર્યન હાલ તો 20 ઓક્ટોબર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસના આરોપી અને કિંગ ખાનના પુત્ર આર્યન હાલ તો 20 ઓક્ટોબર સુધી મુંબઈની આર્થર રોડ જેલમાં જ રહેશે. મુંબઈના સ્પેશિયલ NDPS કોર્ટે ગુરુવારે આ મામલાની સુનાવણી કરી હતી, જે બાદ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આર્યન આર્થર રોડ જેલમાં કેદી નંબર N956 બની ગયો છે.

આજે જ ક્વોરન્ટીનનો પિરિયડ સમાપ્ત થયા બાદ આર્યનને ખાસ વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. આર્યનની સાથે 5 અન્ય લોકોને પણ આ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમણે આગામી 6 દિવસ સુધી 250થી વધુ લોકોની સાથે ઘણું જ કષ્ટદાયક જીવન વિતાવશે.

સવારે 6 વાગ્યે ઊઠવું આર્યનની મજબૂરી હશે
સવારે 6 વાગ્યે જેલ અધિકારી બેરેકમાં આવે છે અને કેદીઓને જગાડવા માટે પ્લેટ કે પછી સિટી વગાડે છે. એ બાદ તમામને લાઈનમાં બેસાડીને કે ક્યારેક ક્યારેક ઊભા કરીને અટેન્ડન્સ લે છે. આર્યનને પણ નિયમ મુજબ હવે 6 વાગ્યે ઊઠવું પડશે. સવારે 7 વાગ્યે તેને ચા અને નાસ્તામાં પૌંઆ કે શિરો આપવામાં આવશે. સવારે 7થી 10 વાગ્યાનો સમય સ્નાનનો હોય છે, આ દરમિયાન આર્યને પણ બ્રેકફાસ્ટ કરીને સ્નાન કરવાનું રહેશે.

એવી જગ્યાએ રહેવું પડશે, જ્યાં પડખું ફેરવવું પણ મુશ્કેલ
સ્પેશિયલ ક્વોરન્ટીન વોર્ડમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ થયા બાદ હવે આર્યનની ખરેખરની મુશ્કેલી વધશે. તેને જે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે ત્યાંની કેપિસિટી 50થી 80 લોકોની છે, પરંતુ હાલની સ્થિતિમાં ત્યાં 300થી વધુ કેદીઓને એકસાથે રાખવામાં આવ્યા છે.

આર્થર રોડ જેલના અધીક્ષક નીતિન વાયચલે કહ્યું હતું કે આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી. આવી સ્થિતિમાં આર્યનને એક એવી જગ્યાએ 6 દિવસ પસાર કરવા મુશ્કેલીભર્યા રહેશે, જ્યાં સૂતા સમયે પડખું ફેરવવું પણ મુશ્કેલ છે. દરેક બેરેકના એક ખૂણામાં મંદિર છે અને બીજા ખૂણામાં કુરાન રાખવામાં આવે છે.

જેલમાં ગયા બાદ કપડાં ઉતારીને આર્યનની તપાસ થઈ
સૂત્રો મુજબ 8 ઓક્ટોબરે જેલમાં એન્ટ્રીની સાથે જ આર્યનના સંપૂર્ણપણે કપડાં ઉતારીને તેની તપાસ કરવામાં આવી. આ તમામ કવાયત એટલા માટે કરવામાં આવે છે કે જેથી ક્યાંક કોઈ કેદીએ પોતાની પાસે ડ્રગ્સ, ચાકુ, તાશનાં પત્તાં કે પછી અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુ તો છુપાવીને રાખી નથી ને. તપાસ બાદ આર્યનનાં કપડાં પાછાં આપી દેવામાં આવ્યાં અને તેને તેના વોર્ડમાં શિફ્ટ કરી દીધો.

દિવસમાં એક કલાક સુધી ટીવી જોઈ શકે છે આર્યન
જેલના નિયમ મુજબ સવારે 11:30થી 12:30 સુધી તમામ કેદીઓને બપોરનું ભોજન આપવામાં આવે છે. જેલના તમામ બેરેકમાં એક ટીવી છે. જેલની અંદર બંધ કેદીઓ FM રેડિયો સાંભળી શકે છે. નિયમ મુજબ આર્યન પણ બપોરે 12 વાગ્યાથી બપોરે 1:0 વાગ્યા સુધી ટીવી જોઈ શકે છે.

બપોરનું ભોજન કર્યા બાદ કેદીઓને અડધો કલાક સુધી બેરેકમાં ફરવાની મંજૂરી છે, પરંતુ હાલની સ્થિતિમાં બેરેકમાં એકબીજાને અથડાયા વગર તમે યોગ્ય રીતે ફરી પણ ન શકો. એવામાં આર્યનને પણ આ રીતે 6 દિવસ કાપવા પડશે.

આર્યનની આ તસવીર ત્યારની છે, જ્યારે તેને મુંબઈની આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવતો હતો.
આર્યનની આ તસવીર ત્યારની છે, જ્યારે તેને મુંબઈની આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવતો હતો.

ફરવા માટે આર્યનને મળશે માત્ર અડધો કલાક
બપોરે 3 વાગ્યે બિલ્ડિંગનો દરવાજો ખૂલે છે. એક બેરેકમાં ચાર દરવાજા હોય છે અને સામાન્ય રીતે માત્ર એક જ દરવાજો ખોલવામાં આવે છે. આર્થર રોડની એક ઈમારતમાં ચાર બેરેક છે. 3:30 વાગ્યે ચાનો સમય હોય છે, જેમાં કેદીઓ અડધો કલાક સુધી ઈમારતની અંદર આવેલી પરસાળમાં ફરી શકે છે કે આરામ કરી શકે છે. સાંજે 6 વાગ્યે બિલ્ડિંગનો ગેટ બંધ થઈ જાય છે અને તમામ કેદીઓને પોતાના બેરેકમાં મોકલવામાં આવે છે. એ બાદ ફરીથી અટેન્ડન્સ લેવામાં આવે છે.

સાંજ 7 વાગ્યાની આસાપસ રાતના ભોજનનો સમય શરૂ થઈ જાય છે. આ સમયે ખાવાનું બુફેની જેમ નથી આપવામાં આવતું, તમામને એક વખત ખાવાનું પીરસી દેવામાં આવે છે. દરેક વખતે લાઈનમાં કેદીઓને 15થી 20 મિનિટ લાગે છે. કેટલાક કેદીઓ રાત્રે 9:30 વાગ્યા સુધી ભોજન કરી શકે છે. આર્યનને પણ રાત્રે 9:30 વાગ્યા સુધી પોતાનું ભોજન સમાપ્ત કરવાનું રહેશે. રાત્રે 9:30 વાગ્યે આર્યનને સૂવા માટે જગ્યા દેખાડવામાં આવશે. આ જગ્યા સમયાંતરે બદલાતી રહે છે.

આર્યનને ખુલ્લામાં અન્ય કેદીઓની સાથે નાહવું પડશે
સાંજે 4થી 6 વાગ્યા વચ્ચે આરોપીઓને કપડાં ધોવા કે પછી સ્નાન કરવાની છૂટ હોય છે. જેલમાં કેદીઓને નાહવા માટેની જગ્યા ઓપન છે. અહીં એક સિમેન્ટનું નાનકડું તળાવ જેવું હોય છે, જેમાં પાણી ભરાયેલુ રહે છે અને દરેક કેદીને આ પાણીથી નાહવા અને કપડાં ધોવાના રહે છે. સવારે પાણી ચોખ્ખું હોય છે, પરંતુ એક વખત જ્યારે લોકો સ્નાન કરવાનું શરૂ કરે છે, એ બાદ સમય જતાં એ ગંદું થઈ જાય છે. આર્યન પણ યોગ્ય સમયે નાહી ન શક્યો તો તેને ગંદા પાણીથી નાહવું પડશે. કેદીઓ અને આરોપીઓને જલદીથી સ્નાન કરવું પડે છે, કેમ કે ભીડ ઘણી હોય છે.

પોતાનો વારો આવશે ત્યારે નાહવા અને કપડાં ધોવાં મળશે
આ ઉપરાંત નાહવાવાળી જગ્યાએ નાની-નાની ટેન્ક લગાડવામાં આવી છે, જ્યાં સવારે 7થી 10 અને સાંજે 4થી 6 વચ્ચે પાણી આવે છે. આ ટેન્કની સંખ્યા પણ ઓછી હોય છે અને દરેક કેદી પોતાનો વારો આવે એની રાહ જુએ છે. જેલ અધીક્ષક મુજબ આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી, તેથી તેને પણ પોતાના વારા મુજબ જ ત્યાં જવું પડશે.

ગંદા શૌચાલયનો ઉપયોગ કરવો પડશે આર્યને
એક બેરેક માટે 50 શૌચાલય છે, જેમાંથી 10 શૌચાલય બેરેકની અંદર બનાવવામાં આવ્યાં છે. શૌચાલયની અંદર નળની કોઈ જ વ્યવસ્થા નથી. કેદી કે આરોપીએ પાણીનો એક લોટો અંદર લઈ જવો પડે છે. અહીંનાં તમામ શૌચાલય ભારતીય શૈલીના છે અને મોટા ભાગે ઘણાં જ ગંદાં હોય છે. આર્યને આવા ગંદા ટોઇલેટનો ઉપયોગ કરવો પડશે. એક વખત બેરેકનો દરવાજો બંધ થયા બાદ બહાર ન આવી શકો, એવામાં કેદીઓએ આ 10 શૌચાલયનો જ ઉપયોગ કરવો પડે છે. આર્યને પણ આ ટોઇલેટનો જ ઉપયોગ કરવાનો રહેશે.