પોર્નોગ્રાફી કેસ:પીડિતાઓની દર્દભરી દાસ્તાન, કહ્યું- જબરદસ્તી શારીરિક સંબંધ બંધાવ્યા, ગેહના વશિષ્ઠ શૂટિંગ કરાવતી રહી

મુંબઈ3 મહિનો પહેલા
ગેહના વશિષ્ઠ તથા રાજ કુંદ્રાએ દાવો કર્યો છે કે તેમણે પોર્ન ફિલ્મ નહીં, પરંતુ ઇરોટિક ફિલ્મ બનાવી છે.
  • પોલીસે બે પીડિતાનાં નિવેદન રિલીઝ કર્યાં
  • પોલીસે સુરક્ષાનાં કારણોસર બંને પીડિતાનાં નામ જાહેર કર્યાં નથી
  • એક પીડિતાએ ગેહના વશિષ્ઠ તથા બીજીએ રોવા ખાન વિરુદ્ધ ગંભીર આરોપો મૂક્યા હતા

પોર્નોગ્રાફી કેસમાં આરોપી એક્ટ્રેસ-મોડલ ગેહના વશિષ્ઠ તથા રોવા ખાનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બંને પર રાજ કુંદ્રાની સાથે મળીને પોર્નોગ્રાફી કેસમાં આરોપો છે. પોલીસનાં નિકટનાં સૂત્રોએ આ બંને પીડિતાનાં નિવેદન રિલીઝ કર્યાં છે. આ બંનેએ આરોપ મૂક્યો છે તેમણે મજબૂરીથી પોર્ન વીડિયો શૂટ કર્યો હતો. બંને પીડિતાઓએ મડ આઇલેન્ડના એક જ બંગલામાં વીડિયો શૂટ કર્યો હોવાનો દાવો કર્યો છે.

પીડિતાઓએ આપવીતી સંભળાવી
આ કેસમાં બંને પીડિતાએ પોતાની આપવીતી સંભળાવી છે. ઇટાઇમ્સના અહેવાલ પ્રમાણે, એક પીડિતાએ ગેહના વશિષ્ઠ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેણે દાવો કર્યો છે કે તેને ડરાવી, ધમકાવીને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી અને શૂટિંગ કરવામાં આવ્યું હતું. તો બીજી પીડિતાએ રોવા ખાન પર ધમકાવવાનો તથા દબાણ કરીને શૂટિંગ કરાવાનો આરોપ મૂક્યો છે

રાજનું નામ ફેબ્રુઆરીમાં જ આવ્યું હતું, પરંતુ પોલીસ પાસે નક્કર પુરાવા ના હોવાથી ધરપકડ કરી નથી.
રાજનું નામ ફેબ્રુઆરીમાં જ આવ્યું હતું, પરંતુ પોલીસ પાસે નક્કર પુરાવા ના હોવાથી ધરપકડ કરી નથી.
  • પહેલી પીડિતાની આપવીતી

કાસ્ટિંગ ડિરેક્ટર નરેશે ગેહના વશિષ્ઠ સાથે મુલાકાત કરાવી હતી
પહેલી પીડિતાની ઉંમર 20 વર્ષની છે. તે 2016થી હિંદી તથા મરાઠી સિરિયલમાં કામ કરે છે. આ દરમિયાન તેની અજિત નામના યુવક સાથે મુલાકાત થઈ હતી. અજિતે જ 10 જાન્યુઆરી, 2021ના રોજ પીડિતાની મુલાકાત કાસ્ટિંગ ડિરેક્ટર નરેશ તથા મિતુલ સાથે કરાવી હતી. એક કોન્ફરન્સ કૉલમાં નરેશે પીડિતાને વેબસિરીઝની ઑફર કરી હતી. આ સિરીઝ ક્વીન પર આધારિત હતી. નરેશે સિરીઝનું શૂટિંગ મડ આઇલેન્ડમાં થતું હોવાનું કહ્યું હતું. આ સાથે જ 10 હજાર રૂપિયા મળશે એમ જણાવ્યું હતું. પીડિતાએ વધુમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નરેશે તેને મલાડ સ્ટેશન પર આવવાનું કહ્યું હતું. ત્યાર બાદ તે તેને માલવાણી વિસ્તારના ગ્રીન પાર્ક બંગલામાં લઈ ગયો હતો. અહીં નરેશે તેને કહ્યું હતું કે આ વેબ સિરીઝની પ્રોડ્યુસર તથા ડિરેક્ટર ગેહના વશિષ્ઠ છે. તેને ઉમેશ નામની વ્યક્તિ મેકઅપ કરી આપવાનો હતો. થોડીવાર બાદ ગેહના તેનાં માટે કપડાં લઈને આવી હતી. એ કપડાં પહેરીને બંગલાના બગીચામાં શૂટિંગ માટે ગઈ હતી. અહીં ગેહનાએ તેને તેના રોલ અંગે સમજાવ્યું હતું અને કહ્યું હતું કે સિરીઝમાં એક રાજા, એક રાણી તથા ત્રણ ઢીંગણા લોકો છે.

મડના આ જ બંગલામાં પોલીસે દરોડા પાડીને પોર્ન ફિલ્મ કેસ સાથેના પુરાવા ભેગા કર્યા હતા.
મડના આ જ બંગલામાં પોલીસે દરોડા પાડીને પોર્ન ફિલ્મ કેસ સાથેના પુરાવા ભેગા કર્યા હતા.

જબરદસ્તી શૂટિંગ કરાવ્યું
પીડિતાનો આરોપ છે કે ગેહનાએ પછી ફરીથી તેને નવાં કપડાં પહેરાવ્યાં, પરંતુ પછી તેને કંઈક અજુગતું લાગતાં તેણે આગળ શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. જ્યારે તેણે ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો તો ગેહનાએ તેને ધમકી આપી હતી. પીડિતાએ કહ્યું હતું કે ગેહનાએ તેને એમ કહ્યું હતું કે સિરીઝના શૂટિંગ માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે અને જો તે હવે સિરીઝમાં કામ નહીં કરે તો તેણે 10 લાખ રૂપિયા આપવા પડશે. તેણે પૈસા ના હોવાની વાત કરી હતી. ત્યાર બાદ રૂમમાં આકાશ નામનો યુવક આવ્યો હતો. તે પીડિતા સાથે છેડછાડ કરવા લાગ્યો હતો અને શારીરિક સંબંધ બનાવવા લાગ્યો હતો. ગેહનાએ પૈસાની ધમકી આપી હોવાથી તેણે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને આ દરમિયાન શૂટિંગ ચાલુ હતું. શૂટિંગ પૂરું થઈ ગયું પછી તેણે ગેહનાને જવા દેવાની આજીજી કરી હતી. જોકે ગેહનાએ તેને ધમકી આપી હતી અને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે તે આ શૂટિંગ અંગે કોઈને વાત ના કરે અને પોલીસ સમક્ષ પણ ના જાય, નહીંતર તેનાં ગંભીર પરિણામ ભોગવવાં પડશે.

  • બીજી પીડિતાનું નિવેદન

કેવી રીતે થઈ રોવા ખાન સાથે મુલાકાત?
બીજી પીડિત મહિલા 25 વર્ષની છે. તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે હિંદી, મરાઠી તથા ભોજપુરી ફિલ્મમાં નાની નાની ભૂમિકા ભજવે છે. 2018માં તેને રોનક નામના કાસ્ટિંગ ડિરેક્ટરની મદદથી કામ મળ્યું હતું. 4 ફેબ્રુઆરી, 2018ના રોજ રોનકે રોવા ખાનના પ્રોજેક્ટમાં કામ કરવાનું કહ્યું હતું. પીડિતાએ વધુમાં કહ્યું હતું કે 2 ફેબ્રુઆરી 2021ના રોજ રોનક તેને મલાડ લઈ ગયો હતો અને અહીં રોવા ખાનને તે પહેલી જ વાર મળી હતી. બંને તેને કારમાં લઈને મડ આઇલેન્ડના માલવાણી વિસ્તારમાં ગ્રીન પાર્કના બંગલામાં લાવ્યાં હતાં. અહીં તેને એકદમ શોર્ટ કપડાં પહેરવા આપ્યાં હતાં અને સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી. રોવા ખાને તેને 25 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

પીડિતાને અન્ય સ્ક્રિપ્ટ આપી દીધી
પીડિતાએ આગળ કહ્યું હતું કે અહીં 'સિંગલ મધર'ની સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી. પછી તેને મેકઅપ રૂમમાં લઈ જવામાં આવી હતી. જ્યારે તે તૈયાર થઈને આવી ત્યારે અન્ય એક પ્રોડ્યુસરે એવું કહ્યું હતું કે તે 'સિંગલ મધર'ની ભૂમિકા માટે યોગ્ય નથી, આથી હવે તેણે 'બર્તનવાલી' ફિલ્મ કરવી પડશે. જ્યારે એક્ટ્રેસ પાસે આ ફિલ્મની સ્ક્રિપ્ટ આવી તો એમાં એકદમ બોલ્ડ સીન્સ હતા અને તેથી તેણે કામ કરવાની ના પાડી દીધી હતી. રોવા ખાને તેને એમ કહ્યું હતું કે જો તેણે પૈસા જોઈએ તો તેણે આ ફિલ્મમાં કામ કરવું પડશે.

ગેહના વશિષ્ઠની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. પાંચ મહિના બાદ જામીન મળ્યા હતા.
ગેહના વશિષ્ઠની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. પાંચ મહિના બાદ જામીન મળ્યા હતા.

ના પાડી છતાં મજબૂર કરી
પીડિતાએ ના પાડી તો રોવાએ એમ કહીને આશ્વાસન આપ્યું હતું કે આ ફિલ્મ કોઈપણ ચેનલ પર પ્રસારિત થશે નહીં. આ એક એપ માટે છે અને એને જોવા માટે પૈસા આપવા પડશે. આ સાથે જ એક્ટ્રેસનું નામ તથા ચહેરો ગ્રાફિક્સની મદદથી બદલી નાખવામાં આવશે. રોવાએ એમ કહીને સાંત્વના આપી હતી કે તમામ હિરોઈનોને મોટો બ્રેક મળે એ પહેલાં તેમણે આવી ફિલ્મમાં કામ કરવું પડે છે. જ્યારે પીડિતાને આ અંગે બધું સમજાવવામાં આવ્યું તો તેને એક વીડિયો બાઇટ રેકોર્ડ કરવાનું કહેવામાં આવ્યું હતું. પીડિતાએ કહ્યું હતું કે તેને કેમેરા સામે જોવાનું હતું અને કહેવાનું હતું, 'હાય, મારું નામ શનાયા છે. મેં હોટ હિટ ચેનલ પર બોલ્ડ સિરીઝ કરી છે. મારો લુક જોવા માટે હોટ હિટ ચેનલને ડાઉનલોડ, લાઇક તથા સબ્સ્ક્રાઇબ કરો. જો આ વેબસિરીઝ અન્ય ક્યાંય પણ રિલીઝ થાય છે તો મને વાંધો નથી.'

પીડિતા ડરી ગઈ હતી
લીડ એક્ટર ભાનુ તથા રોવાની મિત્ર પ્રતિભાએ પીડિતાને આશ્વાસન આપ્યું હતું કે આ શોમાં કામ કરવાથી તેને જ ફાયદો થશે. આ વેબસિરીઝમાં તેને સેક્સી વાસણવાળી કહેવામાં આવતી હતી. જ્યારે શૂટિંગ શરૂ થયું તો હીરો તેને એક રૂમમાં લઈ ગયો અને તેને પલંગ પર સૂવાનું કહ્યું હતું. એ સમયે તેને જે ડાયલોગ આપવામાં આવ્યા હતા તે ડરને કારણે બોલી શકી નહીં. તેણે રિટેક લેવો પડ્યો હતો. આના પર રોવા ખાન તેના પર ગુસ્સે થઈ હતી અને તેને એમ કહ્યું હતું કે તારો કોઈ બોયફ્રેન્ડ નથી કે શું? તું આટલી શરમાળ કેમ છે? એવું નથી કે તારી પાસે ખોટું કરાવવામાં આવે છે.

ગેહના રાજ કુંદ્રાની કંપની માટે કામ કરતી હતી.
ગેહના રાજ કુંદ્રાની કંપની માટે કામ કરતી હતી.

શૂટિંગ દરમિયાન પોલીસના દરોડા
રોવા ખાને પીડિતાને કામુક તથા મોહક અભિનય કરવા માટે પ્રેરિત કરી હતી. પીડિતાએ જોયું કે તમામ દૃશ્યો મોબાઇલ ફોનના કેમેરાથી શૂટ કરવામાં આવતા હતા. અડધી સ્ક્રિપ્ટ શૂટ કર્યા બાદ રોવા તથા કેમેરામેને પીડિતાને ન્યૂડ પર્ફોર્મ કરવાની વાત કરી હતી.. આ અંગે પીડિતાએ કહ્યું હતું કે રોવાએ હવે તમામ સીન્સ ન્યૂડ શૂટ કરવાના છે એમ જણાવ્યું હતું અને સાથે જ આશ્વાસન આપ્યું હતું કે કોઈ રિયલ સેક્સ થશે નહીં, પરંતુ તેણે પૂરી રીતે ન્યૂડ રહેવાનું છે. જ્યારે તેણે વિરોધ કર્યો અને ત્યાંથી જવાનું કહ્યું તો રોવા ખાને FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) કરવાની ધમકી આપી દીધી હતી. શૂટિંગ પાછળ થયેલા ખર્ચના પૈસા પણ માગ્યા હતા અને કામના પૈસા નહીં આપે તેમ પણ કહ્યું હતું. આ ઉપરાંત તેને બીજું કોઈ કામ ના મળે એ વાત પણ કરી હતી. દબાણને કારણે તે કામ કરવા તૈયાર થઈ ગઈ હતી. 2-3 વાર રિહર્સલ કર્યા બાદ તે પલંગમાં સેમી ન્યૂડ શૂટ કરવા તૈયાર થઈ હતી. શૂટિંગ દરમિયાન સિવિલ ડ્રેસમાં અનેક મહિલા તથા પુરુષો અંદર આવ્યા હતા. તેમણે પોલીસ હોવાનો દાવો કર્યો હતો અને શૂટિંગ બંધ કરાવી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે પોલીસે સુરક્ષાના કારણોસર બંને પીડિતાનાં નામ છુપાવ્યાં છે. આ નિવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ગેહના તથા રોવાએ પીડિતાઓને પોર્ન કન્ટેન્ટ બનાવવા માટે મજબૂર કરી હતી.