રિયાએ જ સુશાંતને ડ્રગ્સ આપ્યું હતું:NCBની ચાર્જશીટમાં રિયા, તેનો ભાઈ શોવિક આરોપી; જો દોષિત સાબિત થયાં તો 10 વર્ષની જેલ

5 મહિનો પહેલા

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 2 વર્ષથી વધુનો સમય થઇ ગયો છે. આમ છતાં પણ રિયા ચક્રવતીની મુશ્કેલી ઓછું થવાની નામ જ નથી લેતી. રિયા હજુ પણ નાર્કોટિકલ કંટ્રોલ બ્યૂરો (NCB)ના રડારમાં છે. રિયા ચક્રવર્તી પર એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદવાનો અને પૈસા આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ કેસમાં 35 આરોપી સામે હાઈ સોસાયટી અને બોલિવૂડના લોકો પર ડ્રગ્સ સપ્લાય કરવા સહિત 38 આરોપ લગાવવામાં આવ્યા છે. આ કેસ મામલે 27 જુલાઈએ વિશેષ અદાલતમાં સુનાવણી થશે. જો રિયા દોષી સાબિત થશે તો તેને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.

રિયા ચક્રવર્તીની મુશ્કેલીમાં વધારો
એનસીબીએ રિયા પર અનેક પ્રકારના આરોપ લગાવ્યા છે. એનસીબીએ પોતાના ચાર્જ ડ્રાફ્ટમાં દાવો કર્યો છે કે રિયાએ સેમ્યુઅલ મીરાંડા, શોવિક ચક્રવર્તી, દીપેશ સાવંત અને અન્ય લોકો પાસેથી ઘણી વખત ડ્રગ્સની ખરીદી કરી હતી. રિયાએ માર્ચ 2020થી સપ્ટેમ્બર 2020ની વચ્ચે ડ્રગ્સની ખરીદીના પૈસા પણ ચૂકવ્યા હતા. ડ્રાફ્ટ અનુસાર, રિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ, 1985ની કલમ 8 [સી] હેઠળ કલમ 20 [બી][ii]એ, 27 એ, 28, 29 અને 30 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ કેસના તમામ 35 આરોપી સામેના ડ્રાફ્ટ અનુસાર, આ તમામ લોકોએ માર્ચ 2020થી ડિસેમ્બર 2020 વચ્ચે ગુનાહિત કાવતરામાં સામેલ હતા. આ સમય દરમિયાન એકબીજા સાથે અથવા ગ્રુપમાં ડ્રગ્સની ખરીદી, વેચાણ સહિત બોલિવૂડના લોકોને પણ ડ્રગ્સ આપતા હતા. ગાંજો, ચરસ, એલએસડી, કોકેઇનનો ઓર્ડર આપતા, જે કાયદાની વિરુદ્ધ છે. રિયાના ભાઈ શોવિક સામેના આરોપથી ખબર પડે છે કે તે ડ્રગ પેડલર્સ સાથે સતત સંપર્કમાં રહેતો હતો. શોવિકે અબ્દેલ બાસિત, કૈઝાન ઇબ્રાહિમ, કરમજિત સિંહ આનંદ અને સૂર્યદીપ મલ્હોત્રા સહિત અન્ય લોકો પાસેથી ગાંજાની ડિલિવરી લીધી હતી અને તેમણે સુશાંતને આપી હતી.

તો બીજી તરફ, સુશાંતના ખાસ મિત્ર સિદ્ધાર્થ પીઠાનીની મુશ્કેલી પણ વધી છે. એનસીબીએ આરોપ લગાવ્યો છે કે સિદ્ધાર્થ ડ્રગ્સની ખરીદી માટે આરોપી સેમ્યુઅલ મીરાંડા, શોવિક, દીપેશ સાવંત, રિયા અને સુશાંત સાથે સીધા સંપર્કમાં હતો. આ ડ્રગ્સ /ગાંજો જાન્યુઆરી 2020 થી ઓગસ્ટ 2020 દરમિયાન સુશાંત અને બાકીના લોકો માટે ખરીદવામાં આવ્યું હતું. પીઠાની સુશાંતના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો. તો સુશાંતને પણ ડ્રગ્સની આદત પાડવામાં આવી હોય એ અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.