કન્નડ સ્ટારનું ચક્ષુદાન:પુનિત રાજકુમારના નેત્રદાનથી ચાર લોકોનાં જીવન રોશન થયાં, બંને આંખના કોર્નિયાને કાપીને ચાર વ્યક્તિઓમાં પ્રત્યારોપિત કરાયા

મુંબઈએક મહિનો પહેલા
  • પુનિત રાજકુમારનું 29 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું

29 ઓક્ટોબરના રોજ કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારનું અવસાન થયું હતું. પુનિતના પરિવારે ચક્ષુદાન કર્યું હતું. પુનિતની આંખો નારાયણ નેત્રાલય આઇ હોસ્પિટલમાં દાન કરવામાં આવી હતી. પુનિતના પિતા રાજકુમારે પણ ચક્ષુદાન કર્યું હતું. તેમણે જીવતેજીવ સમગ્ર પરિવાર આ રીતે ચક્ષુદાન કરશે તેવું પ્રણ લીધું હતું.

બે આંખોથી ચારના જીવનમાં રોશની આવી
નારાયણ નેત્રાલયના અધ્યક્ષ ડૉ. ભુજંગ શેટ્ટીએ કહ્યું હતું કે તેમણે બન્ને આંખમાંથી કોર્નિયાને અલગ કર્યા હતા. આ રીતે એક આંખમાંથી બે લોકોને આંખોની રોશની મળી હતી. રસપ્રદ વાત એ છે કે ખાસ ટેક્નિકથી બંને કોર્નિયાનું એકદમ બારીક સ્લાઇસિંગ કરાયું અને તેને ચાર વ્યક્તિઓની આંખમાં પ્રત્યારોપિત થઈ શકે તે માટે સક્ષમ બનાવાયા. આ રીતે બે આંખોમાંથી ચાર લોકોને નેત્રદાન મળ્યું હતું, જેમાં એક મહિલા તથા ત્રણ પુરુષ છે.

પુનિતમાંથી ચેતને પ્રેરણા લીધી
કન્નડ એક્ટર ચેતને પણ સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે જ્યારે તે હોસ્પિટલમાં અપ્પુ (પુનિત આ નામથી લોકપ્રિય હતો)ના અંતિમ દર્શન માટે ગયો ત્યારે ડૉક્ટર્સની ટીમે તેના અવસાનના 6 કલાકની અંદર ઓપરેશન કરીને આંખો કાઢી લીધી હતી. અપ્પુએ પિતાની જેમ જ આંખો દાન કરી. તેની યાદમાં તમામે નેત્રદાન કરવાના શપથ લેવા જોઈએ. તે પણ તેની આંખોનું દાન કરશે.

કેવી રીતે અવસાન થયું?
લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન શુક્રવાર, 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો. 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ) વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યો હતો. જોકે ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતાં કરતાં પડી ગયો હતો.

દાન કરવામાં પણ આગળ
પુનિત રાજકુમારે કોરોનાકાળમાં મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 50 લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. પુનિતે 45 સ્કૂલ, 26 અનાથાશ્રમો, 16 વૃદ્ધાશ્રમો, 19 ગૌશાળ તથા 1800 અનાથ બાળકીઓની હાયર એજ્યુકેશનની જવાબદારી ઉઠાવી હતી.

પુનિતનો પરિવાર
પુનિત કન્નડની સુપરસ્ટાર ડૉ. રાજકુમાર તથા પર્વતમ્માના પાંચ સંતાનોમાંથી સૌથી નાનો હતો. પરિવારમાં પત્ની અશ્વિની રેવંત, દીકરી ધૃતિ તથા વંદિતા છે. બે ભાઈઓ રાઘવેન્દ્ર, શિવ તથા બહેનો લક્ષ્મી તથા પૂર્ણિમા છે.

પુનિતની ફિલ્મી સફર
પુનીતના વર્કફ્રન્ટની વાત કરીએ તો 2002થી તે ચાહકોમાં અપ્પુના નામથી લોકપ્રિય થયો હતો. ચાહકોએ તેને આ નામ આપ્યું હતું. પુનીતે 'અભી', 'વીરા કન્નડિગા', 'અજય', 'અરાસુ', 'રામ', 'હુડુગારુ' તથા 'અનજની પુત્ર' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. પુનીત છેલ્લે 'યુવારત્ના'માં જોવા મળ્યો હતો. ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ હતી.