પાકિસ્તાની ફિલ્મે અનેક ઇન્ડિયન બ્લોકબસ્ટર્સને પાછળ મૂકી:'લીજેન્ડ ઑફ મૌલ જટ'ની કમાણી આગળ RRR, KGF 2 ફિલ્મ પણ પાછળ રહી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાની ફિલ્મ 'ધ લીજેન્ડ ઑફ મૌલા જટ્ટ' શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડવાઇડ 220 કરોડની કમાણી કરી છે. આ વર્ષે ભારતમાં રિલીઝ થયેલી કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મને પાકિસ્તાની ફિલ્મે વિદેશી કમાણીમાં પાછળ મૂકી દીધી છે. ઇંગ્લેન્ડ, નોર્વે જેવા દેશમાં પાકિસ્તાની ફિલ્મ 'RRR', KGF 2' તથા 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મને પાછળ મૂકી દીધી છે. ફવાદ ખાનની આ ફિલ્મ પાકિસ્તાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ તથા સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે.

220 કરોડની કમાણી કરી
આ ફિલ્મે આખી દુનિયામાંથી 220 કરોડની કમાણી કરી છે. પાકિસ્તાનમાં 87.50 કરોડ તથા વિદેશમાં 132.50 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે ફિલ્મે ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR', 'KGF 2'ને ઇંગ્લેન્ડ, નોર્વે તથા ગલ્ફ દેશોમાં કમાણીમાં પાછળ મૂકી દીધા છે. આ ફિલ્મ 13 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થઈ હતી.

આ ફિલ્મે ઇંગ્લેન્ડમાં 13.92 કરોડની કમાણી કરીને સાઉથ એશિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. આ પહેલાં 2018માં આવેલી 'પદ્માવત'એ ઇંગ્લેન્ડમાં સૌથી વધારે કમાણી કરી હતી.

આ ઉપરાંત નોર્વેમાં 'બજરંગી ભાઈજાન'ને પાછળ મૂકીને સૌથી વધુ કમાણી કરનારી સાઉથ એશિયન ફિલ્મ બની છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા તથા કેનેડા જેવા દેશમાં પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે.

ભારતમાં રિલીઝ થાય તેવી શક્યતા
ચર્ચા છે કે આ ફિલ્મ ભારતમાં 23 ડિસેમ્બરે રિલીઝ થશે, પરંતુ હજી સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. 2019થી ભારત તથા પાકિસ્તાનની વચ્ચે કલ્ચરલી બૅન છે. ભારતની ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ થતી નથી અને પાકિસ્તાનની ફિલ્મ ભારતમાં આવતી નથી.

ફવાદે બોલિવૂડમાં કામ કર્યું છે
બિલાલ લશારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ફવાદ ખાન, માહિરાન ખાન ઉપરાંત હમલા અલી અબ્બાસી છે. આ ફિલ્મ 1979માં રિલીઝ થયેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ 'મૌલા જટ્ટ'ની રીમેક છે. ફવાદ ખાન માત્ર પાકિસ્તાનમાં જ નહીં, પરંતુ તેણે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. ફવાદ ખાન 'ખૂબસૂરત', 'કપૂર એન્ડ સન્સ' તથા 'એ દિલ હૈ મુશ્કિલ' જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...