શશિ થરૂર ને વિવેક અગ્નિહોત્રી બાખડ્યા:'ધ કાશ્મીર ફાઇલ્સ' સિંગાપોરમાં બૅન, ડિરેક્ટર અને કોંગ્રેસના સાંસદ વચ્ચે શાબ્દિક યુદ્ધ

મુંબઈ10 દિવસ પહેલા
  • વિવેક અગ્નિહોત્રીએ શશિ થરુરને કહ્યું, 'સુનંદા પુષ્કર માટે માફી માગવી જોઈએ'

'ધ કાશ્મીર ફાઇલ્સ' માત્ર ભારત જ નહીં, અન્ય દેશોમાં પણ સારી ચાલી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ સિંગાપોરમાં રિલીઝ થવાની હતી, પરંતુ અહીંના સેન્સર બોર્ડે ફિલ્મને બૅન કરી દીધી છે. આ ન્યૂઝ આવતાં જ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે વિવેક અગ્નિહોત્રી તથા ભાજપને આડેહાથ લીધા હતા.

કોંગ્રેસના સાંસદ શશિ થરુરે કહ્યું હતું, 'ભારતની સત્તાધારી પાર્ટીએ જે ફિલ્મને પ્રમોટ કરી હતી એના પર સિંગાપોરે બૅન મૂક્યો.'

ફિલ્મમાં કેમ બૅન થઈ?
શશિ થરૂરે સ્ક્રીનશોટ શૅર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું, 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં મુસ્લિમોની ખોટી ઇમેજ તથા કાશ્મીરમાં ચાલતા સંઘર્ષમાં હિંદુઓને હેરાન કરવામાં આવતા હોવાની વાતને એકતરફી બતાવવામાં આવી છે. આ જ કારણે ફિલ્મ અનેક કમ્યુનિટી વચ્ચે દુશ્મની ઊભી કરી શકે છે અને અમારા બહુ ધાર્મિક સમાજમાં સામાજિક ભાઈચારાને નુકસાન પહોંચાડી શકે છે. સિંગાપોરમાં ધાર્મિક સમુદાયને બદનામ કરતી કોઈપણ બાબતને રિલીઝ કરી શકાય નહીં.'

વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું?
વિવેક અગ્નિહોત્રીએ શશિ થરૂરને ફોપડૂડલ (મૂર્ખ) કહીને કહ્યું હતું, 'પ્રિય શશિ થરુર, તમારી જાણકારી માટે કહી દઉં કે સિંગાપોરનું સેન્સર વિશ્વનું સૌથી રિગ્રેસિવ સેન્સર છે. અહીં 'ધ લાસ્ટ ટેમ્પટેશન્સ ઑફ જિસસ ક્રાઇસ્ટ' પર બૅન મૂકવામાં આવ્યો હતો (તમારા મેડમને પૂછો). ત્યાં સુધી કે રોમેન્ટિક ફિલ્મ 'ધ લીલા હોટલ ફાઇલ્સ' પર પણ બૅન મુકાયો હતો. મહેરબાની કરીને કાશ્મીરી હિંદુઓના નરસંહારની મજાક ઉડાવવાની બંધ કરો.' આ પોસ્ટ સાથે જ વિવેક અગ્નિહોત્રીએ સિંગાપોરમાં બૅન થયેલી 48 લોકપ્રિય ફિલ્મનું લિસ્ટ અટેચ કર્યું હતું.

સુનંદા પુષ્કરને યાદ કરી
અન્ય એક પોસ્ટમાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું, 'શું આ વાત સાચી છે કે સુનંદા પુષ્કર કાશ્મીરી હિંદુ હતી? શું સ્ક્રીનશોટ સાચો છે? જો હા, તો હિંદુ રીતરિવાજ પ્રમાણે, કોઈપણ મૃતકને સન્માન આપવા માટે તમારે તમારી પોસ્ટ ડિલિટ કરવી જોઈએ અને તેમના આત્માની માફી માગવી જોઈએ. વિવેક અગ્નિહોત્રીએ શૅર કરેલા સ્ક્રીનશોટમાં સુનંદા પુષ્કરે કહ્યું હતું, 'પતિને કારણે હું 1989-91માં કાશ્મીરમાં થયેલી હિંસામાં સ્ટેન્ડ લઈ શકી નહોતી.' ઉલ્લેખનીય છે કે 2014માં 17 જાન્યુઆરીના રોજ સુનંદા પુષ્કર દિલ્હીની હોટલમાં મૃત અવસ્થામાં મળી આવી હતી.