'ધ કાશ્મીર ફાઇલ્સ'નો ધમાકો:માત્ર 3 દિવસમાં કમાણીમાં 325% ઉછાળો, ડિમાન્ડ વધતાં સ્ક્રીન 600થી વધારી 2000 કરવામાં આવી

મુંબઈ5 મહિનો પહેલા
  • 11 માર્ચે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ છે
  • 12 કરોડના બજેટમાં આ ફિલ્મ બનાવવામાં આવી છે

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. કાશ્મીરી પંડિતોની હિજરતના સૅન્સિટિવ સબ્જેક્ટ પર બનેલી આ ફિલ્મે 3 દિવસમાં બજેટ કરતાં 125% વધુ કલેક્શન કર્યું છે. બોલિવૂડની કદાચ આ પહેલી એવી ફિલ્મ છે, જેના બિઝનેસમાં ત્રણ દિવસમાં જ 325%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મની પહેલા દિવસની કમાણી 3.5 કરોડ હતી. બીજા દિવસે 8.5 તથા ત્રીજા દિવસે 15.10ની કમાણી કરી હતી.

પહેલા દિવસે ફિલ્મ માત્ર 600 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જોકે, રવિવાર, 13 માર્ચે ફિલ્મ માટે દર્શકોની સંખ્યા વધતાં સ્ક્રીન 600થી વધારીને 2000 કરવામાં આવી છે. દરેક શહેરમાં ફિલ્મના શો ડબલથી વધારે કરી દેવામાં આવ્યા છે. 12 કરોડના બજેટમાં બિગ સ્ટાર વગર બનેલી આ ફિલ્મે ત્રણ દિવસમાં 27 કરોડથી વધુ કમાણી કરી છે.

કાશ્મીરી પંડિતોની વ્યથા રજૂ કરે છે
વિવેક રંજન અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની હિજરતની વાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અક્ષય કુમાર, કંગના રનૌત, ક્રિટિક્સ તથા દર્શકોએ આ ફિલ્મના વખાણ કર્યા છે. ફિલ્મ જોયા બાદ દર્શકો રડતા હોય તેવા વીડિયો વાઇરલ થયા છે. ટિકિટબારી પર દર્શકોની ભીડ જોવા મળે છે. સો.મીડિયામાં ફિલ્મનાં વખાણ થઈ રહ્યાં છે.

'ગંગુબાઈ કાઠિયાવાડી'ના કલેક્શનને ટક્કર આપી
24 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ....' 3600 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ હતી. ફિલ્મનું ફર્સ્ટ ડે કલેક્શન 10 કરોડની આસપાસ રહ્યું હતું અને ફર્સ્ટ વીકેન્ડ કલેક્શન 39 કરોડ હતું. હવે વાત જો 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની કરવામાં આવે તો ઓછી સ્ક્રીન્સ હોવા છતાંય ફિલ્મે ફર્સ્ટ વીકેન્ડમાં 27 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મને 'ગંગુબાઈ...' કરતાં બિગ હિટ માનવામાં આવી રહી છે.

100 કરોડ ક્લબમાં સામેલ થઈ શકે છે
ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શના મતે, 11 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં ત્રણ દિવસમાં 27.15 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ત્રીજા દિવસે 25.10 કરોડ, બીજા દિવસે 8.50 કરોડ તથા પહેલા દિવસે 3.55 કરોડની કમાણી કરી હતી. આમ ત્રીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં 325.35%નો એટલે કે 23.6 કરોડનો ગ્રોથ થયો છે.

બીજા દિવસે પણ ફિલ્મના બિઝનેસમાં 139.44%નો ગ્રોથ થયો છે. 2020 પછી કોઈ પણ ફિલ્મનું એક દિવસમાં અત્યાર સુધીનું આ હાઇએસ્ટ ગ્રોથ છે.

ટ્રેડ એનલિસ્ટ સુમિત કડેલે કહ્યું હતું કે આ ફિલ્મ 70-100 કરોડનો લાઇફટાઇમ નેટ કલેક્શન કરી શકે છે. જો આમ થાય છે તો આ વાત નવાઈભરેલી નહીં હોય, કારણ કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ ચૂકી છે.

ફિલ્મના વખાણ થતાં અનુપમ ખેરનું રિએક્શન
ફિલ્મ તથા ટીમના ચારેબાજુ વખાણ થઈ રહ્યા છે. અનુપમ ખેરે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે એરપોર્ટ પર 12-15 લોકો તમને કહે કે તમારી 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈ. સોરી અમને ખ્યાલ નહોતો કે કાશ્મીરી પંડિતો સાથે આવું બધું થયું છે અને પછી સિક્યોરિટી ઓફિસર કહે, 'ખેર સાહેબ, તમારી ફિલ્મે હચમચાવી નાખ્યા. તો આનો અર્થ છે કે અમારી ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શી રહી છે. જય હો...'

ફિલ્મમાં કોઈ બિગ સ્ટાર નથી
આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોષી, પુનીત ઈસ્સાર, મૃણાલ કુલકર્ણી સહિતના કલાકારો છે. ફિલ્મમાં 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોએ હિજરત કરી તેની વાત કરવામાં આવી છે. ફિલ્મને અભિષેક અગ્રવાલે પ્રોડ્યૂસ કરી છે.

IMDbએ રેટિંગની રીત બદલી
લોકપ્રિય વેબસાઇટ IMDb (ઇન્ટરનેટ મૂવી ડેટા બેઝ) પર દર્શકોએ આ ફિલ્મને 10માંથી 10 રેટિંગ આપ્યું છે. જોકે, દર્શકો પાસેથી મળતા ફિલ્મના રેટિંગમાં કંઈક ગડબડ હોવાનું માનીને IMDbએ રેટિંગની રીત બદલી નાખી છે. આ લખાય છે ત્યાં સુધી ફિલ્મને 217,270 લોકોએ 10માંથી 10 રેટિંગ આપ્યું હતું. જોકે, IMDbને રેટિંગમાં કંઈક અસામાન્ય વોટિંગ જેવું લાગતા ફિલ્મના રેટિંગની ગણતરી ચેન્જ કરી નાખી છે. રેટિંગ પેજ પર IMDbએ કહ્યું હતું, 'અમારા રેટિંગ મિકેનિઝમને આ ફિલ્મ પર અસામાન્ય રેટિંગ ગતિવિધિ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. અમારી રેટિંગની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે વૈકલ્પિક વેઇટ કેલક્યુલેશનની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.' રેટિંગની રીતમાં ફેરફાર થતાં ડિરેક્ટર અગ્નિહોત્રીએ કહ્યું હતું કે આ અસામાન્ય તથા અનૈતિક છે. IMDb પર હાલમાં આ ફિલ્મને 10માંથી 8.3 રેટિંગ મળ્યું છે.