ભાસ્કર એક્સક્લૂઝિવ:પાકિસ્તાનમાં બોલાતી હિંદકો દિલીપ કુમારની માતૃભાષા હતી, વતન છોડ્યાના 60 વર્ષ બાદ પણ માતૃભાષાને ભૂલ્યા નહોતા

મુંબઈ3 મહિનો પહેલાલેખક: હિરેન અંતાણી
  • કૉપી લિંક
  • પાકિસ્તાનના જર્નલિસ્ટ હફીઝ ચાચડ તથા પૂર્વ પોલીસ અધિકારી અબ્દુલ મઝીદ ખાન માર્વાત સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત

દિલીપ કુમાર સંવાદના બાદશાહ હતા. તેમના અનેક સંવાદો લોકપ્રિય થયા હતા. ફઇલ્મમાં આ સંવાદ હિંદી કે ઉર્દૂમાં હતા, પરંતુ દિલીપ કુમારને પોતાની માતૃભાષા હિંદકો બોલવી ઘણી જ પસંદ હતી. તેઓ હંમેશાં હિંદકો ભાષામાં વાત કરનારા લોકોને શોધતા હતા.

દિલીપ કુમારનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. પાકિસ્તાનના આ વિસ્તારમાં પશ્તો ભાષા બોલાય છે. જોકે, પશ્તો આ વિસ્તારના ગામ તથા કેટલાંક સમુદાયની ભાષા હતી. શહેરમાં ભદ્ર વર્ગની ભાષા હિંદકો હતી અને દિલીપ કુમારનો પરિવાર આ જ ભાષા બોલતો હતો.

પશ્તો તથા હિંદકોમાં સૌથી મોટું અંતર એ છે કે પશ્તો ઇન્ડો ઇરાનિયન વર્ગની અને હિંદકો ઇન્ડો-આર્યનની ભાષા માનવામાં આવે છે. હિંદકો પર પંજાબી ભાષાનો પ્રભાવ વધુ છે. પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં આ ભાષા લોકપ્રિય છે. આ જ કારણે આ ભાષાનું નામ હિંદકો એટલે કે હિંદુસ્તાનની ભાષા પ્રચલિત થયું હતું.

2017માં દિલીપ કુમારની સો.મીડિયા પોસ્ટ, જેમાં તેમણે હિંદકો ભાષા બોલતા લોકો સાથે વાત કરવાની જાહેરાત કરી હતી
2017માં દિલીપ કુમારની સો.મીડિયા પોસ્ટ, જેમાં તેમણે હિંદકો ભાષા બોલતા લોકો સાથે વાત કરવાની જાહેરાત કરી હતી

ખરી રીતે, હિંદુસ્તાનમાં ત્યારના પંજાબ તથા કાશ્મીરના કેટલાંક શહેરો સિવાય હિંદકો ભાષા ક્યાંય બોલાતી નથી. કાશ્મીરમાં જે લોકો હિંદકો ભાષા બોલે છે, તેમાં પંજાબી તથા ડોંગરી ભાષા મિક્સ છે. પાકિસ્તાનના નોર્થ ફ્રંટિયરમાં લગભગ 40 લાખ લોકો આજે હિંદકો ભાષાને ઓળખે છે, પરંતુ હવે ત્યાં પશ્તો ભાષાનું પ્રભુત્વ છે.

દરેક વ્યક્તિની જેમ જ દિલીપ કુમારને પોતાની પારિવારિક ભાષા હિંદકો પ્રત્યે ઘણો જ લગાવ હતો. 2017માં તેમણે સો.મીડિયામાં આ અંગે પોસ્ટ શૅર કરીને કહ્યું પણ હતું કે જે કોઈ હિંદકો ભાષા જવાબમાં આપશે, તો તેમને આનંદ થશે.

દિલીપ કુમાર તથા સાયરાબાનો 1998માં જ્યારે પાકિસ્તાન ગયા હતા ત્યારે તેઓ પેશાવર પણ ગયા હતા. અહીંયા તેઓ પરિવારના સભ્યો, જૂનો મિત્રો સાથે હિંદકો ભાષામાં વાત કરીને ઘણાં જ ખુશ થયા હતા. પાકિસ્તાનના જર્નલિસ્ટ હફીઝ ચાચડે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે હિંદકો એક સમયે હઝારા વિસ્તારના હરિપુર, માનસેરા તથા પેશાવરમાં લોકપ્રિય હતી. તે શહેરોની ભાષા હિંદકો હતી. હિંદકોની પોતાની કોઈ લિપી નથી. તે ઉર્દૂમાં લખાય છે, પરંતુ વર્ષો પહેલાં તે દેવનાગરીમાં લખાતી હતી.

એક રીતે કહી શકાય કે હિંદકો એ બોલી છે. આ ભાષાને જીવિત રાખવા માટે ઘણાં જ પ્રયાસો થઈ રહ્યાં છે. હિંદકો બોલનાર લોકો ઘણી વાર ગર્વ સાથે કહેતા કે તેમની બોલી બોલનાર એક વ્યક્તિ આજે દુનિયાનો આટલો મહાન કલાકાર બની ગયો. હિંદકોએ પોતાનો એક પ્રતિભાશાળી સ્પીકર ગુમાવી દીધો.

1998માં દિલીપ કુમારની પાકિસ્તાન યાત્રા દરમિયાન તેમની પાસે પોલીસ અધિકારી અબ્દુલ મઝીદ ખાન
1998માં દિલીપ કુમારની પાકિસ્તાન યાત્રા દરમિયાન તેમની પાસે પોલીસ અધિકારી અબ્દુલ મઝીદ ખાન

ભીડ વધી જતાં દિલીપ કુમાર ઘરે જઈ શક્યા નહોતા દિલીપ કુમાર 1998માં જ્યારે પોતાના વતન પેશાવર ગયા હતા અને ત્યારે તેમને જોવા માટે એટલી ભીડ ભેગી થઈ ગઈ હતી કે લૉ એન્ડ ઓર્ડરની સ્થિતિ બગડી શકે તેમ હતી. અંતે, પોલીસની વાત માનીને તેઓ અધ વચ્ચે જ પરત ફરી ગયા હતા. ફ્રન્ટિયર કોન્સ્ટેબલરી કમાન્ડન્ટ એટલે કે ભારતના DGP સમકક્ષ અધિકારી રહી ચૂકેલા અબ્દુલ મઝીદ ખાને દિવ્ય ભાસ્કર સાથે તે મુલાકાતને યાદ કરી હતી. પોલીસ અધિકારી હોવાને નાતે તેઓ આ મુલાકાત દરમિયાન દિલીપ કુમારની સાથે જ હતા.

22 માર્ચ, 1998નો તે દિવસ અબ્દુલને આજે પણ યાદ છે. તેમણે કહ્યું હતું કે દિલીપ કુમારને સરકારી મહેમાનનું સ્ટેટ્સ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાન સરકાર તરફથી VVIP વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રોટોકૉલ તથા સુરક્ષા માટે પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ હતા.

અબ્દુલે વધુમાં કહ્યું હતું કે જૂના પેશાવરમાં કિસ્સા ખ્વાની બજાર છે. આ વિસ્તારમાં મોહલ્લા ખુદા દાદા છે. આ જ મોહલ્લામાં દિલીપ કુમારનું પૈતૃક ઘર છે. દિલીપ કુમાર કિસ્સા ખ્વાની થઈને પોતાના ઘરે જવા રવાના થયા હતા. આ કાર્યક્રમને જાહેર કરવામાં આવ્યો નહોતો. જોકે, ખબર નહીં કેવી રીતે લોકોને ખબર પડી ગઈ અને દિલીપ કુમારની એક ઝલક માટે લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા.

દિલીપ સાહેબનો કાફલો આગળ વધી શકતો નહોતો. ભીડ બેકાબૂ બની ગઈ હતી. અંતે પોલીસે દિલીપ કુમારને કહ્યું હતું કે આટલી ભીડમાં કંઈ પણ બની કે ચે. દિલીપ કુમાર પોતના પૈતૃક ઘરને જોયા વગર જ પરત ફરી ગયા હતા.

પાકિસ્તાનના પોલીસ અધિકારી અબ્દુલ મઝીદ ખાન
પાકિસ્તાનના પોલીસ અધિકારી અબ્દુલ મઝીદ ખાન

દિલીપ કુમારે પાર્ટીમાં મધુબાલા, સુરૈયાને યાદ કર્યા હતા
અબ્દુલ મઝીદ ખાને કહ્યું હતું કે દિલીપ કુમારના ફર્સ્ટ કઝિન ફવાદ ઈશાકે પાર્ટી રાખી હતી. દિલીપ કુમારે અહીંયા પૂરા ગ્રુપ સાથે પોતાની માતૃભાષા હિંદકોમાં વાત કરી હતી. તેમને વતન છોડે 60 વર્ષ થઈ ગયા હતા પરંતુ તે એટલી સારી રીતે માતૃભાષા બોલતા હતા કે તમામને નવાઈ લાગી હતી.

દિલીપ કુમારે પાર્ટીમાં મધુબાલા તથા સુરૈયાને યાદ કર્યાં હતાં. તેમને અફસોસ હતો કે તેઓ ઘણાં વર્ષોથી સુરૈયાને જોઈ શક્યા નથી. અબ્દુલની મોટી દીકરી આમાન સાથે દિલીપ કુમાર તથા સાયરા એકદમ હળીમળી ગયા હતા. તેમણે આમના સાથે અનેક તસવીર ક્લિક કરી હતી અને વાતો કરી હતી. તેમણે આમનાને કહ્યું હતું કે તેઓ જલ્દીથી અહીંયા પાછા આવશે, પરંતુ તે સમય ક્યારેય આવ્યો જ નહીં.

અન્ય સમાચારો પણ છે...