ડાયરેક્ટર અનુરાગ કશ્યપની ફિલ્મ 'કેનેડી'ને 'કાન ફિલ્મ ફેસ્ટિવલ'માં 7 મિનિટ માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ફ્રાન્સના સ્થાનિક સમય અનુસાર 12:15 વાગ્યે 'ધ ગ્રાન્ડ લ્યુમિયર થિયેટર'માં મિડનાઈટ સ્ક્રીનિંગ કેટેગરીમાં ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. ફિલ્મના સ્ક્રીનિંગ બાદ દર્શકોએ ઊભા થઈને 7 મિનિટ સુધી ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
આ દરમિયાન અનુરાગ કશ્યપનો મિત્ર વિક્રમાદિત્ય મોટવાની પણ ઉપસ્થિત હતો. આ સાથે જ અભિનેતા રાહુલ ભટ્ટ, સની લિયોન, શારિક પટેલ, રંજન સિંહ, કબીર આહુજા, ભૂમિકા તિવારી, નીરજ જોશી, આશિમા અવસ્થી પણ ફિલ્મ ફેસ્ટિવલમાં અનુરાગ કશ્યપ સાથે જોવા મળ્યા હતા.
'આ મારા માટે જીવનભરની સિદ્ધિ છે' : અનુરાગ
ફિલ્મની વાર્તા એક પોલીસ ઓફિસર પર આધારિત છે, જે અનિદ્રાથી પીડિત છે અને અલગ-અલગ દેશો વચ્ચે તપાસ અભિયાનમા છે. પોતાની ફિલ્મના સ્ક્રીનિંગ વિશે મીડિયા સાથે વાત કરતાં અનુરાગે કહ્યું, 'કાન જેવા ફિલ્મ ફેસ્ટિવલમાં તમારી ફિલ્મને દુનિયાની સામે રજૂ કરી શકવી એ ખાસ વાત છે. 'ધ ગ્રાન્ડ લ્યુમિયર થિયેટર'માં મારી ફિલ્મનું સ્ક્રીનિંગ થવું એ મારા માટે જીવનભરની સિદ્ધિ છે.'
'કેનેડી' મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે : અનુરાગ
અનુરાગે વધુમાં કહ્યું કે 'કેનેડી' મારા માટે ખૂબ જ ખાસ ફિલ્મ છે. મને આ ફિલ્મ સાથે અંગત રીતે લાગણી છે. મેં આ ફિલ્મ બનાવવા માટે મારાં સંપૂર્ણ દિલ અને દિમાગ લગાવી દીધાં છે. દર્શકોએ ફિલ્મને 7 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ માટે હું તેમનો આભારી છું.
અમારી ટીમે અહીં સુધી પહોંચવા માટે સખત મહેનત કરી: રાહુલ
અભિનેતા રાહુલ ભટ્ટે ફિલ્મના સ્ક્રિનિંગ પર કહ્યું કે 'કેનેડીને તેમની મહેનત માટે પ્રેમ મળ્યો છે. આ ફિલ્મ તમને સતત સ્ક્રીન પર ચોંટાડીને રાખે છે. હું દરેકનો આભાર માનું છું, ખાસ કરીને અનુરાગ જેમણે ખૂબ મહેનત કરી છે, અમારી આખી ટીમે સખત મહેનત કરી છે અને અમે આજે કાનની પ્રખ્યાત રેડ કાર્પેટ પર પહોંચ્યા છીએ. ફિલ્મનું સંગીત આશિષ નરુલા અને આમિર અઝીઝે આપ્યું છે.'
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.