હાઇપ્રોફાઇલ ડ્રગ્સ પાર્ટી:જે ક્રૂઝમાં થઈ હતી ડ્રગ્સ પાર્ટી, તેમાં ઉપડતાં પહેલાં મચી હતી અફરાતફરી

મુંબઈ2 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • દરોડા બાદ નેમસ્ક્રેએ સો.મીડિયા અકાઉન્ટમાં કમેન્ટ સેક્શન લિમિટેડ કર્યું
  • બે દિવસનો પ્રોગ્રામ હતો, જોરશોરથી પાર્ટીનો પ્રચાર કરવામાં આવ્યો હતો

મુંબઈની હાઇપ્રોફાઇલ ક્રૂઝ પાર્ટી પર NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ દરોડા પાડ્યા છે. NCBએ આ પાર્ટીમાંથી 8 લોકોની અટકાયત કરી હતી, જેમાં આર્યન ખાન પણ સામેલ છે. જોકે, આ પાર્ટી શરૂ થઈ તે પહેલાં જ વિવાદમાં ફસાઈ હતી. આ ક્રૂઝ પાર્ટીમાં મિસમેનેજમેન્ટ જોવા મળ્યું હતું અને સો.મીડિયામાં યુઝર્સે હોબાળો મચાવ્યો હતો. પાર્ટીમાં દરોડા પડતા જ નેમસ્ક્રેએ પોતાનું સો.મીડિયા અકાઉન્ટનું કમેન્ટ સેક્શન લિમિટેડ કરી નાખ્યું છે. દરોડા બાદ સો.મીડિયામાં યુઝર્સે ગાળો ભાંડી હતી અને તેથી જ હાલમાં કમેન્ટ સેક્શન લિમિટેડ કરી નાખવામાં આવ્યું છે.

કોણે પાર્ટી યોજી હતી?
આ પાર્ટીનું આયોજન ફેશન ટીવી ઇન્ડિયાએ નેમસ્ક્રે સાથે મળીને કર્યું હતું. આ પાર્ટી બે દિવસ સુધી ક્રૂઝ પર ચાલવાની હતી. સો.મીડિયામાં આ પાર્ટીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો. બે દિવસની પાર્ટીમાં શું શું કરવામાં આવશે, તે અંગેની તમામ માહિતી સો.મીડિયામાં શૅર કરવામાં આવી હતી.

ક્રૂઝ પર જતાં પહેલાં હોબાળો મચ્યો હતો
ઉલ્લેખનીય છે કે સો.મીડિયામાં અનેક લોકોએ ફરિયાદ કરી હતી કે બુકિંગ હોવા છતાંય તેમને ક્રૂઝમાં જવામાં દેવામાં આવ્યા નહોતા. એક વ્યક્તિએ કહ્યું હતું કે તેણે 82 હજારની ટિકિટ લીધી હોવા છતાંય તેને જવા દેવામાં આવ્યો નહીં. ક્રૂઝમાં સીટ કરતાં વધુ પ્રમાણમાં બુકિંગ કરવામાં આવ્યું હતું. સો.મીડિયામાં યુઝર્સે રિફંડ માટે બૂમરાણ મચાવી હતી. કેટલાંક લોકોએ દાવો કર્યો હતો કે ક્રૂઝ મુંબઈથી ગોવા સુધી જવાનું નહોતું, પરંતુ મુંબઈની આસપાસ ફરવાનું હતું અને બે દિવસ બાદ પરત આવવાનું હતું.

કન્નડ એક્ટ્રેસે આયોજકોને આડેહાથ લીધા
કન્નડ એક્ટ્રેસ હર્ષિકા પૂનાચાએ સો.મીડિયામાં આયોજકોને આડેહાથ લીધા હતા. તેણે કહ્યું હતું, 'ફેશન ટીવી ઘણું જ અનપ્રોફેશનલ છે. લોકો વિશ્વભરમાંથી આ ઇવેન્ટમાં સામેલ થવા માટે આવ્યા હતા અને પાંચ પાંચ કલાક લાઇનમાં ઊભા રહ્યા હતા. આયોજકોએ કોઈ જવાબ આપ્યો નહોતો. મહેમાનોએ લાખોમાં ચૂકવણી કરી છે.'

નેમસ્ક્રેની છેલ્લી મીડિયા પોસ્ટ
દરોડા પહેલાં નેમસ્ક્રેએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તમામ બોર્ડિંગ પાસ આજે (2 ઓક્ટોબર) બે વાગ્યા પહેલાં ઇશ્યૂ કરી દેવામાં આવ્યા છે. મહેમાનોને બોર્ડિંગ પાસ ઇમેલથી ના મળ્યા હોય તે તમામ ગ્રીન ગેટ નજીક આવે અને જાતે ચેક ઇન કરે. અસુવિધા બદલ માફ કરશો.'

કેવી રીતે દરોડા પડ્યા?
સૂત્રોના મતે, NCBને શુક્રવાર, 1 ઓક્ટોબરના રોજ રેવ પાર્ટી અંગેની જાણ થઈ ગઈ હતી. ત્યારબાદ CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ની મદદથી દરોડાની યોજના બનાવી હતી.