તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાથી અવસાન:35 વર્ષીય યુ ટ્યૂબર રાહુલ વોહરાએ મોતના એક દિવસ પહેલાં PM મોદીને ટૅગ કરીને કહ્યું હતું, સારી સારવાર મળશે તો હું બચી જઈશ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • રાહુલે 4 મેના રોજ કોવિડ પોઝિટિવ હોવાની જાણ કરી હતી
  • રાહુલનું ઓક્સિજન લેવલ સતત ઘટતું જતું હતું

35 વર્ષીય યુ ટ્યૂબર રાહુલ વોહરાનું કોરોનાને કારણે અવસાન થયું છે. મોતના એક દિવસ પહેલાં તે સતત સરકાર પાસેથી મદદ માગતો હતો. શનિવાર, 8 મેના રોજ રાહુલે સો.મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ટૅગ કરીને પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો તેને સારી રીતે સારવાર મળે તો તે બચી શકે છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે તે હવે હિંમત હારી ચૂક્યો છે. તે જલ્દીથી બીજો જન્મ લેશે અને સારું કામ કરશે. રાહુલના કોમેડી તથા મોટિવેશનલ વીડિયો સો.મીડિયામાં બહુ વાઈરલ થતા હતા.

થિયેટર ડિરેક્ટરે રાહુલના અવસાનની પુષ્ટિ કરી

રાહુલના અવસાનની પુષ્ટિ થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌરે સો.મીડિયામાં કરી હતી. રવિવાર, 9 મેના રોજ કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે, શનિવારના રોજ રાહુલને દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાંથી દ્વારકા સ્થિત આયુષ્માન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

પત્નીએ કહ્યું હતું, ટૂંક સમયમાં ઠીક થઈ જશે

શનિવાર, 8 મેના રોજ અનેક સો.મીડિયા પેજમાં રાહુલના અવસાનની અફવા વાઈરલ થઈ હતી. આ તમામ વાતોનું ખંડન કરીને રાહુલની પત્ની જ્યોતિ તિવારીએ કહ્યું હતું કે તેના પતિ અંગે ખોટી વાતો ચાલી રહી છે. તે ટૂંક સમયમાં ઠીક થઈને ઘરે પરત આવશે.

4 મેના રોજ કોવિડ પોઝિટિવ હોવાની વાત શૅર કરી

રાહુલે 4 મેના રોજ સો.મીડિયામાં કોવિડ પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી. રાહુલે કહ્યું હતું તે 4 દિવસથી હોસ્પિટલમાં એડમિટ છે અને કોઈ રિકવરી થઈ રહી નથી. તેનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું છે અને કોઈ જોનાર નથી. તેણે મજબૂર થઈને સો.મીડિયામાં મદદની વિનંતી કરી હતી, કારણ કે તેના ઘરના લોકો પરિસ્થિતિને સંભાળી શકે તેમ નથી.

નેટફ્લિક્સ પર જોવા મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે રાહુલ વોહરા ઉત્તરાખંડના ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય હતો. તે નેટફ્લિક્સની સિરીઝ 'અનફ્રીડમ'માં જોવા મળ્યો હતો. રાહુલે લેખિકા જ્યોતિ તિવારી સાથે લગ્ન કર્યા હતા.