માનહાનિ કેસ:કોર્ટે કહ્યું, સલમાન ખાન વિરુદ્ધ પુરાવા છે, NRI પડોશી સાચું બોલી રહ્યો છે

મુંબઈ5 મહિનો પહેલા

પનવેલ ફાર્મહાઉસમાં NRI (નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન) પડોશી કેતન કક્કડે સલમાન ખાન પર કેસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે કેતનના પક્ષમાં વાત કરી હતી. મુંબઈની સેશન્સ કોર્ટે સ્વીકાર્યું છે કે કેતન કક્કડે જમીન અંગે એક્ટર વિરુદ્ધ જે આરોપો મૂક્યા હતા તે સાચા છે. બીજી બાજુ સલમાને દાવો કર્યો હતો કે આ આરોપો તેને બદનામ કરવા માટે તેની પર લગાવવામાં આવ્યા હતા. કેતને આપેલા ડોક્યુમેન્ટ્સના આધારે કોર્ટ આ વાત કહી છે. આ ડોક્યુમેન્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સલમાને કેતનને તેની જ જમીન પર આવતા અટકાવ્યો હતો.

મુંબઈની સેશન્સ કોર્ટના જજે કહ્યું હતું, 'આ અરજી પ્રાથમિક દૃષ્ટિથી ડૉક્યુમેન્ટરી એવિડન્સને સપોર્ટ કરે છે.' આ સાથે જ કોર્ટે ઇન્જક્શન એપ્લિકેશનને રદ્દ કરી દીધી છે. આ એપ્લિકેશન સલમાન ખાને કેતન વિરુદ્ધ કરી હતી.

લૉકડાઉનમાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં રહ્યો હતો.
લૉકડાઉનમાં સલમાન ખાન પોતાના ફાર્મહાઉસમાં રહ્યો હતો.

કેતન પાસે પુરાવા છે
કોર્ટે કહ્યું હતું કે ખાને કક્કડને પોતાની જમીન પર આવતા રોક્યો છે અને તે વાતના પુરાવા છે. કોર્ટે ગયા અઠવાડિયે આદેશ આપ્યો હતો.

સલમાને આરોપોને નિરાધાર ગણાવ્યા
ખાને વિનંતી કરી હતી કે કેસની સુનાવણી તથા અંતિમ ચુકાદા સુધી કક્કડ તથા અન્ય લોકો વિરુદ્ધ આદેશ બહાર પાડવામાં આવે કે તે કંઈ પણ અપમાનજનક પોસ્ટ ના કરે અને નિવેદન ના આપે. સલમાને કહ્યું હતું કે તેના વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો ખોટા તથા દુર્ભાવનાપૂર્ણ છે, કારણ કે આ આરોપો તેને બદનામ કરવા માટે લગાવવામાં આવ્યા છે અને તેમાં કંઈ જ સચ્ચાઈ નથી.

સલમાન ફાર્મહાઉસમાં ખેતી પણ કરે છે.
સલમાન ફાર્મહાઉસમાં ખેતી પણ કરે છે.

લોખંડનો દરવાજો બનાવીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો
કેતન કક્કડના વકીલોએ કહ્યું હતું કે સલમાને પોતાના પનવેલ ફાર્મહાઉસની નજીકમાં જ લોખંડનો ગેટ બનાવ્યો છે. કેતન રિટાયર થયા બાદ ભારત પરત આવ્યા તો સલમાન ખાન તથા તેના પરિવારને કારણે પોતાની જ જમીનનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી.

સલમાન, કેતનની જમીનનો ઉપયોગ કરતો હતો
કેતનના વકીલે એમ પણ કહ્યું હતું કે પહેલાં સલમાન ખાન, કક્કડને વાત કરવા માટે આમંત્રિત કરતો અને બદલામાં તેમની જમીનનો ઉપયોગ કરતો હતો. એક્ટર કક્કડની જમીન પર જોગિંગ કરતો અને માછલીઓ પકડતો હતો. જોકે, જ્યારે કક્કડ ભારત આવ્યા તો બધું જ બદલાઈ ગયું હતું.

અનેક વિભાગમાં ફરિયાદ કરી
કેતનના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમના ક્લાયન્ટને તેમના જ મંદિરમાં જવાનો અધિકાર પણ નથી. ત્યાં સુધી તેમને ઇલેક્ટ્રિસિટી પણ આપવામાં આવી નથી. તેમણે વન વિભાગ સહિત અલગ અલગ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ તથા FIR કર્યા બાદ યોગ્ય તપાસ શરૂ થઈ હતી. વકીલે કહ્યું હતું કે સંબંધિત કોર્ટમાં કેસ પેન્ડિંગ છે.

સલમાને કેતન પર અપશબ્દો બોલવાનો આરોપ મૂક્યો હતો
સલમાનના પડોશી કેતન કક્કડે એક યુટ્યૂબરને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં કેતને એક્ટર પર વિવિધ આરોપો મૂક્યા હતા. કક્કડે સલમાન પર ડી ગેંગ માટે કામ કરવાનો તથા તેની ધાર્મિક ઓળખ પર ટિપ્પણી કરી છે. આ સાથે જ કક્કડે સલમાન પર રાજ્યની સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલો હોવાનો તથા બાળ તસ્કરી કરતો હોવાનો આરોપ મૂક્યો છે. સલમાન ખાને કેતન વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. આ અરજી પ્રમાણે, કેતન કક્કડે એક યુટ્યૂબરને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટર વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા. શોમાં ભાગ લેનારા બે અન્ય લોકોના નામ પણ અરજીમાં લેવામાં આવ્યા હતાં. આ કેસમાં સલમાને યુ ટ્યૂબ ઉપરાંત સોશિયલ મીડિયા સાઇટ્સ ફેસબુક, ટ્વિટર તથા ગૂગલના નામ પણ સામેલ કર્યા હતા. એક્ટરની માગણી હતી કે અપમાનજનક કન્ટેન્ટને દરેક સાઇટમાં બ્લોક કરવામાં આવે અથવા તેને હટાવી દેવામાં આવે. સલમાનના માનહાનિ કેસની સામે કેતને કેસ કર્યો હતો.

સલમાન ખાને લૉકડાઉનમાં ફાર્મહાઉસની આસપાસ રહેતા લોકોને મદદ કરી હતી.
સલમાન ખાને લૉકડાઉનમાં ફાર્મહાઉસની આસપાસ રહેતા લોકોને મદદ કરી હતી.

અન્ય એક કેસમાં પણ સલમાન ફસાયો છે
સલમાન ખાન ફિલ્મની સાથે સાથે વિવાદને કારણે પણ ચર્ચામાં રહે છે. થોડાં દિવસ પહેલાં તેની વિરુદ્ધ અંધેરી મેટ્રોપોલિટન કોર્ટે પત્રકારે દાખલ કરેલા મારપીટના કેસમાં સમન્સ જાહેર કર્યું હતું. સલમાનના બૉડીગાર્ડ શેરા વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી હતી. બંનેને પાંચ એપ્રિલે કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.