બોલિવૂડના વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રની તબિયત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 86 વર્ષીય એક્ટર હાલમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હજી સુધી પરિવારના સભ્યોએ આ અંગે કોઈ વાત કરી નથી. તેમના બંને દીકરાઓ (સની-બોબી) છાનામાના હોસ્પિટલ જાય છે.
મે મહિનામાં એડમિટ થયા હતા
ઉલ્લેખનીય છે કે મે મહિનામાં ધર્મેન્દ્રને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તે સમયે ધર્મેન્દ્રે વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેમની લાપરવાહીને કારણે મુશ્કેલી થઈ હતી અને હવે તે એકદમ ઠીક છે. હવે ફરી એકવાર તેમની તબિયત લથડી હોવાની વાત સામે આવી છે.
વીડિયો રિલીઝ કરીને શું કહ્યું હતું?
તે સમયે વીડિયોમાં ધર્મેન્દ્રએ કહ્યું કે, "મિત્રો, કોઈ પણ વસ્તુ વધુ પડતી ના કરો, મેં કરી અને મારે મુશ્કેલી અનુભવી પડી, મારા મસલ્સ ખેંચાઈ ગયા હતા. આ કારણે મારે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. બે-ચાર દિવસ મુશ્કેલી રહી, પરંતુ હવે હું સ્વસ્થ છું, પાછો આવી ગયો છું. તમારી પ્રાર્થના રંગ લાવી, ભગવાનના આશીર્વાદ હતાં. કોઈ પણ વસ્તુ વધુ ના કરો. હવે હું મારું ધ્યાન રાખીશ."
ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા
ધર્મેન્દ્ર હાલમાં કરન જોહરની ફિલ્મ 'રૉકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન તથા શબાના આઝમી છે.
ધર્મેન્દ્ર ફાર્મહાઉસમાં ઓર્ગેનિક ખેતી કરે છે
ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્ર જ્યારે શૂટિંગ ના કરતાં હોય તો પોતાના લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં મોટાભાગનો સમય પસાર કરતા હોય છે. અહીંયા તેઓ ઓર્ગેનિક ખેતી કરે છે. તેઓ પોતાના ખેતરમાં વિવિધ શાકભાજી તથા ફૂલો ઊગાડે છે.
છ બાળકોના પિતા
ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર લાઈમ-લાઈટથી દૂર રહે છે. 1954માં 19ની ઉંમરે ધર્મેન્દ્રે પ્રકાશ કૌર સાથે એરેન્જ મેરેજ કર્યાં હતાં. તેમને ચાર સંતાનો છે. અજય સિંહ(સની), વિજય સિંહ(બોબી), વિજેતા તથા અજેતા. 1980માં ધર્મેન્દ્રે હેમા સાથે બીજા લગ્ન કર્યાં હતાં. તેમને બે દીકરીઓ એશા તથા આહના દેઓલ છે.
આ ફિલ્મ્સમાં કર્યું છે કામઃ
1935માં જન્મેલા ધર્મેન્દ્રે બોલિવૂડ ડેબ્યૂ 1960માં આવેલી ફિલ્મ 'દિલ ભી તેરા હમ ભી તેરે'થી કર્યું હતું. ધર્મેન્દ્રે પોતાની કરિયરમાં 'શોલે', 'માં', 'ચાચા ભતીજા', 'ધરમ વીર', 'રાજ તિલક', 'સલ્તનત' અને 'યકીન' જેવી અનેક પોપ્યુલર ફિલ્મ્સમાં કામ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.