'બ્રહ્માસ્ત્ર'ના શો હાઉસફુલ:દિલ્હીમાં સવારે 6 વાગ્યાનો શો તો મુંબઈમાં સવારે 8 વાગ્યાનો શો, 21 વર્ષ પહેલાં ફિલ્મ 'ગદર'ના શો ફૂલ જતા

18 દિવસ પહેલા

કોરોનાકાળ બાદ બોલિવૂડની 8 બિગ બજેટ ફિલ્મ રિલીઝ થઈ, પરંતુ શુક્રવારે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી 'બ્રહ્માસ્ત્ર'એ 2 દિવસમાં સારું કલેક્શન કર્યું છે. 'બ્રહ્માસ્ત્રે' પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. બીજા દિવસે ફિલ્મે વધુ જબરદસ્ત કલેક્શન કર્યું હતું. જો આપણે ગ્રોસ વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરીએ તો 75 કરોડ અને બીજા દિવસના ડોમેસ્ટિક કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે અત્યાર સુધીમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ફિલ્મના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, દિલ્હીમાં ચાલી રહેલા તમામ શો લગભગ હાઉસફુલ છે. જેના કારણે થિયેટર માલિકોએ સવારે 6 વાગ્યાથી શો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 21 વર્ષ પહેલાં સવારે 6 વાગ્યાથી 'ગદર' ફિલ્મના શો શરૂ થતા હતા.

તો બીજી તરફ મુંબઈમાં પણ શોનો ટાઈમ સવારે 8 વાગ્યાનો થઇ ગયો છે. દર્શકો આ ફિલ્મને IMAX અથવા 3Dમાં જ જોવા ઈચ્છે છે, જેના કારણે શો વહેલી સવારે શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

VFXનો બઝ જોરદાર છે- ઇંદર
બ્રહ્માસ્ત્રના મોર્નિંગ શોને લઈને વરિષ્ઠ વિવેચક ઈન્દર મોહનસિંહ પન્નુએ ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, 21 વર્ષ પછી આ જોવા મળી રહ્યું છે. અગાઉ વહેલી સવારના શો પ્રિન્ટ/રીલ યુગમાં હતા.પછી ફિલ્મોનાં ગીતો એટલાં જોરદાર હિટ થતાં કે થિયેટર માલિકો શો વહેલા શરૂ કરી દેતા હતા.

હવે સેટેલાઇટથી ઓપરેટ થતા સમયે શોને વહેલો શરૂ કરવો એ મોટી વાત છે. જે 'બ્રહ્માસ્ત્ર' માટે પણ થઈ રહ્યું છે કારણ કે ફિલ્મના VFX વિશે જબરદસ્ત બઝ છે.

આ શો સવારે 6 વાગ્યાથી શરૂ થશે
હિન્દુસ્તાન ટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર, 'બ્રહ્માસ્ત્ર'ના એક પ્રદર્શકે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, IMAX વર્ઝનના ઘણા શો શુક્રવારે હાઉસફુલ થઈ ગયા છે. ઘણાં થિયેટરોમાં રવિવારના શો પ્રી-બુકિંગને કારણે પહેલેથી જ સંપૂર્ણ બુક થઈ ગયા છે. એટલા માટે અમે શોની સંખ્યા વધારવાનું નક્કી કર્યું છે અને ઘણાં શહેરોમાં સવારે 6 વાગ્યાના શો છે.

એક્ઝિબિટરે વાત કરતા કહ્યું કે, બ્રહ્માસ્ત્રના VFXની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. દર્શકો આ ફિલ્મને માત્ર IMAX અથવા 3Dમાં જ જોવા માંગે છે. તેથી જ આ ફોર્મેટમાં ફિલ્મના શોની માંગ વધારે છે. જોકે આ વહેલા શોની વ્યવસ્થા ફક્ત વીકએન્ડ માટે કરવામાં આવી છે. વીકએન્ડ પછી ફિલ્મના શો વધારવા કે નહીં, તે ડિમાન્ડ બાદ જ નક્કી થશે.

8 હજાર સ્ક્રીન્સમાં રિલીઝ થઈ
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

એડવાન્સ બુકિંગમાં 'RRR'ને પાછળ મૂકી
ઓપનિંગ ડે માટે 'બ્રહ્માસ્ત્ર'ની અંદાજે 11 કરોડ ટિકિટ વેચાઈ હતી. હિંદી બેલ્ટમાં 10 કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. અયાનની આ ફિલ્મ 'RRR'ના હિંદી વર્ઝનને એડવાન્સ બુકિંગમાં પાછળ મૂકી દીધું છે. રાજમૌલિની આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 7 કરોડનું હતું.

ઓપનિંગ વીકેન્ડ માટે 23 કરોડથી વધુ ટિકિટ વેચાઈ
ઇન્ડસ્ટ્રી ટ્રેકિંગ પોર્ટલના અહેવાલ પ્રમાણે, 'બ્રહ્માસ્ત્ર'ના હિંદી વર્ઝનના ઓપનિંગ વીકેન્ડનું બુકિંગ 22.25 કરોડનું છે. ફિલ્મના તેલુગુ વર્ઝને 98 લાખ તથા તમિળમાં 11.1 લાખ રૂપિયાથી વધુની ટિકિટ વેચાઈ ગઈ છે. કન્નડ તથા મલયાલમ વર્ઝનમાં બુકિંગ ઘણું જ ઓછું છે.

કોરોના બાદ ગત વર્ષે ઓક્ટોબર મહિનાથી થિયેટર ખોલવામાં આવ્યાં હતાં. આ બાદ લગભગ 27 ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઇ હતી. તો 8 ફિલ્મ તો મોટા બજેટની હતી. પરંતુ આ પહેલાં એકપણ ફિલ્મે પહેલા દિવસે આટલું કલેક્શન કર્યું નથી.