નીના ગુપ્તા, રાની મુખર્જી અને અનિર્બાન ભટ્ટાચાર્ય સ્ટારર ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે' 17મી માર્ચે થિએટરમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મનું ડાયરેક્શન આશિમા છિબ્બરે કર્યું છે. આ ફિલ્મની વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. તો બીજી તરફ નોર્વેના રાજદૂતે આ ફિલ્મની વાર્તા પર નારાજગી વ્યક્ત કરી છે. નોર્વેના રાજદૂત હંસ જેકબ ફ્રિડલિન્ડ જણાવ્યું છે કે, આ માત્ર એક ફિક્શન સ્ટોરી છે. આ ફિલ્મમાં વાસ્તવિક ઘટના અને નોર્વેના વહીવટીતંત્ર સાથે જોડાયેલા કેસને ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થયેલી સાગરિકા ચક્રવર્તીની આત્મકથા 'ધ જર્ની ઑફ અ મધર' પર આધારિત છે.
ફિલ્મ સત્ય ઘટના પર આધારિત
ખરેખર, 'મિસિસ ચેટર્જી વર્સીસ નોર્વે'ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં એક ભારતીય માતા તેના બાળકોને કાયદાકીય ઝંઝટમાંથી બહાર કાઢવા માટે અને પરત લાવવા માટે તનતોડ મહેનત કરે છે. એક માતા તેના બાળકોને પાછા લાવવા માટે દેશની કાયદાકીય વ્યવસ્થા અને વહીવટને કેવી રીતે હલાવીને રાખી દે છે તે જોવા મળે છે.
ફિલ્મમાં દેખાડવામાં આવેલા તથ્ય ખોટા છે : ભારતમાં નોર્વેના એમ્બેસેડર
ભારતમાં નોર્વેના રાજદૂત હંસ જેકોબ ફ્રેડેનલિન્ડે ફિલ્મની વાર્તા પર નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ફિલ્મમાં નોર્વેને ખોટી રીતે બતાવવામાં આવ્યુંછે. આ વાર્તામાં નોર્વે વિશે બિલકુલ ખોટું જ વર્ણન બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં ઘણી હકીકતોને પણ ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં એમ્બેસેડર હંસ જેકોબ ફ્રિડલિન્ડે જણાવ્યું હતું કે, સત્તાવાર રીતે મારા માટે નોર્વેનો પક્ષ લેવો અને તથ્યોને સુધારવું જરૂરી છે. ફિલ્મમાં વાર્તાને ડ્રામા સ્વરૂપે રજૂ કરવા માટે 'જરૂરી કરતાં વધુ' સર્જનાત્મક સ્વતંત્રતા લેવામાં આવી છે. આ ફિલ્મ જોઈને લાગે છે કે આ કેસમાં બંને દેશો વચ્ચેનો સાંસ્કૃતિક તફાવત સૌથી મોટી સમસ્યા હતી. પરંતુ તે એવું નથી.
સાંસ્કૃતિક તફાવતને કારણે બાળકોને માતાથી દૂર રાખવામાં આવ્યા
એમ્બેસેડર જેકોબ ફ્રિડલિન્ડે કહ્યું હતું કે, કેસની વિગતો શેર કર્યા વિના, હું કહી શકું છું કે આ બાળકો સાથે એક જ પથારીમાં સૂવાને કારણે અને તેમને હાથથી ખવડાવવાના કારણે તેઓ અલ્ટરનેટિવ કેરમાં મોકલવામાં આવ્યા ન હતા. ના તો આ ઘટનામાં આવું થયું હતું. ન તો આ પ્રકારની બીજી કોઈ ઘટના બની હતી. ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે આ નોર્વેની સંસ્કૃતિ નથી. અમે અમારા બાળકોને પણ અમારા હાથે ખવડાવીએ છીએ.
પોતાની પુત્રી વિશે વાત કરતાં એમ્બેસેડર જેકબ ફ્રિડલિન્ડે જણાવ્યું હતું કે, તે પોતે જ પોતાના બાળકોને સૂવાના સમયે વાર્તા કહે છે. ફ્રેડલિન્ડે વધુમાં કહ્યું હતું કે, જ્યારે અમારા ભારતીય મિત્રો આ ફિલ્મ જોશે ત્યારે તેઓ અમારી સંસ્કૃતિ અને અમારા વિશે શું વિચારશે? શું તેઓને એવું નહીં લાગે કે આપણે પથ્થર દિલના સરમુખત્યાર છીએ, જે આપણે ચોક્કસપણે નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.