તેલુગુ એક્ટ્રેસ પ્રણિતા સુભાષને સો.મીડિયામાં ઘણી જ ટ્રોલ કરવામાં આવી છે. પ્રણિતાએ થોડાં દિવસ પહેલાં સો.મીડિયામાં તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં પ્રણિતા પતિ નિતિન રાજુના પગ આગળ બેઠી હોય છે. આ તસવીરને કારણે સો.મીડિયા યુઝર્સ નારાજ થઈ ગયા છે.
પ્રણિતાએ શું પોસ્ટ કર્યું હતું?
સો.મીડિયામાં શૅર કરેલી તસવીરમાં પ્રણિતા પતિ નિતિનના પગમાં બેસીને પૂજા કરે છે. તેની હાથમાં થાળી છે. તે પતિના પગની આરતી ઉતારે છે અને ફૂલ ચઢાવે છે. સો.મીડિયામાં આ તસવીરોને કારણે એક્ટ્રેસ ટ્રોલ થઈ છે. યુઝર્સે કહ્યું હતું કે રૂઢિવાદી ને પુરુષપ્રધાન સમાજનું પ્રતિબિંબ બતાવે છે.
શું કહ્યું પ્રણિતાએ?
પ્રણિતાએ ભીમના અમાસ (28 જુલાઈ, ગુરુવાર)ને દિવસે પતિની પૂજા કરતી તસવીર શૅર કરી હતી. આ દિવસે સ્ત્રી પતિ અને ઘરના અન્ય પુરુષની લાંબી ઉંમર માટે વ્રત રાખે છે. પ્રણિતાએ ટ્રોલ થયા બાદ કહ્યું હતું કે જીવનમાં દરેક બાબતના બે પાસા હોય છે. આ કેસમાં 90 ટકા લોકોએ સારી વાત કહી હતી. બાકીનાને તેણે ઇગ્નોર કર્યા છે.
વધુમાં પ્રણિતાએ કહ્યું હતું કે તે એક્ટર છે અને ગ્લેમર માટે તે લોકપ્રિય છે. તેનો એવો અર્થ નથી કે તે કોઈ રીત-રિવાજને માની ના કે. તે આ બધી વાતમાં વિશ્વાસ રાખે છે. તેના તમામ કઝિન્સ, પડોશીઓ તથા મિત્રોએ પણ આમ જ કર્યું હતું. તેણે ગયા વર્ષે પણ પૂજા કરી હતી. જોકે, ત્યારે તેણે તસવીર શૅર કરી નહોતી.
પોતાને ટ્રેડિશનલ માને છે
પ્રણિતાએ કહ્યું હતું કે તેના માટે આ નવું નથી. તે મનથી હંમેશાં ટ્રેડિશનલ યુવતી જ રહી છે. તેને પરિવાર, વેલ્યૂ તથા રીત-રિવાજોને માનવા ગમે છે. તે હંમેશાં આ બધું કરે છે. તેને સંયુક્ત પરિવારમાં રહેવું પસંદ છે. સનાતન ધર્મમાં માને છે. વ્યક્તિના વિચારો મોડર્ન હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે પોતાના મૂળિયા ભૂલી જાય.
વધુમાં એક્ટ્રેસને જ્યારે પૂછવામાં આવ્યું કે માત્ર સ્ત્રીઓ જ કેમ પતિની લાંબી ઉંમર માટે પૂજા-પાઠ કરે? પતિ પણ પત્ની માટે કરી શકે છે. જવાબમાં પ્રણિતાએ કહ્યું હતું કે તેઓ એકબીજાના સારા સ્વાસ્થ્ય ને સલામતી માટે પ્રાર્થના કરે જ છે.
આ વર્ષે જ માતા બની
પ્રણિતાએ 30 મે, 2021ના રોજ બિઝનેસમેન નિતિન રાજુ સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે જૂનમાં પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો. દીકરીનું નામ આરના રાખ્યું છે. પ્રણિતા તેલુગુ ફિલ્મમાં જાણીતું નામ છે. તેણે ફિલ્મ 'હંગામા 2'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.