કેન્સર સામેનો જંગ:સાઉથ એક્ટ્રેસ હમસા નંદિનીને બ્રેસ્ટ કેન્સર, બાલ્ડ લુકમાં સ્ટ્રોંગ મેસેજ શૅર કર્યો

હૈદરાબાદએક મહિનો પહેલા
  • હમસા નંદિનીએ 8 ડિસેમ્બરે 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

સાઉથ સિનેમામાં આઇટમ ગર્લ તરીકે જાણીતી હમસા નંદિનીએ હાલમાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને બ્રેસ્ટ કેન્સર હોવાની માહિતી આપી હતી. હમસાએ કહ્યું હતું કે તેને જીવન શું આપે છે, તેનાથી કોઈ ફેર પડતો નથી. ભલે ગમે તેટલી મુશ્કેલી આવે, પરંતુ તે પીડિત બનીને જીવશે નહીં. તે ડર, નિરાશા તથા નકારાત્મકતાને ક્યારેય તેના પર હાવી થવા દેશે નહીં. નંદિનીએ તાજેતરમાં જ પોતાનો 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. હમસાએ 8 ડિસેમ્બરના રોજ 37મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

હમસા નંદિનીએ શું કહ્યું?
હમસા નંદિનીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. પોસ્ટ કરેલી તસવીરમાં હમસા બાલ્ડ લુકમાં જોવા મળે છે. તેણે કહ્યું હતું, 'ચાર મહિના પહેલાં એક સવારે મને છાતીમાં ગાંઠ હોય તેવું લાગ્યું. મારી માતાને બ્રેસ્ટ કેન્સર હતું અને તેમનું અવસાન થઈ ચૂક્યું છે. મારી નજર સામે ફિલ્મની રીલની જેમ તે આખું દૃશ્ય સામે આવી ગયું. મેં પહેલાં મેમોગ્રાફી કરાવી. મારો ડર સાચો સાબિત થયો અને મને ગ્રેડ 3 ઇનવેસિવ કાર્સિનોમા (બ્રેસ્ટ કેન્સર) હોવાની જાણ થઈ. મારી માતાએ કેન્સર સામે લાંબી લડાઈ લડી હતી. મને જ્યારે આ વાતની જાણ થઈ તો એકદમ ભાંગી પડી હતી. જોકે, પછી મેં પોઝિટિવ રહીને આ બીમારી સામે લડવાનો નિર્ણય કર્યો.'

વધુમાં હમસાએ કહ્યું હતું, 'મને જાણ કરવામાં આવી કે મારે લમ્પેક્ટોમી, કીમોથેરપી તથા રેડિયશનના 16 સેશનમાંથી પસાર થવું પડશે. આ બધી વાતોએ મને મારી માતાની કેન્સર સામેની લડાઈની યાદ અપાવી દીધી. મારે BRCA નામનો ટેસ્ટ પણ કરાવવો પડ્યો. કારણ કે એ વાતની સંભાવના હતી કે મારું કેન્સર હેરિડિટરી છે કે કેમ.'

હમસાએ આગળ કહ્યું હતું, 'કીમોની 9 સાયકલ પૂરી થઈ છે અને હજી સાત બાકી છે. જ્યારે હું શારીરિક તથા માનિસક રીતે મારી જાતને બદલતી જોઉઁ છું તો હું મારી જાતને સ્વીકાર કરવાનો પ્રયાસ કરું છું. મારો વ્યવહાર એ વાત બતાવે છે કે મેં આ લડાઈ અત્યાર સુધી કેવી રીતે લડી અને મેં આને મારી પર હાવી થવા દીધી નથી. આ સાચી તાકત છે.'

હમસાએ કહ્યું હતું, '18 વર્ષ પહેલાં મેં મારી માતાને ગુમાવી હતી. તેમણે મને શીખવ્યું હતું કે મોટી મુશ્કેલીઓ માટે પોતાની જાતને સૌથી વધુ સ્ટ્રોંગ કરવાની હોય છે. આ દૃષ્ટિકોણે મારા જીવનનો ઉદ્દેશ બદલી નાખ્યો. એક્ટિંગની વાત છે તો તે મારો પહેલો પ્રેમ છે અને હું મજબૂત થઈને ફરીથી પાછી ફરીશ. આ મારું વચન છે.'

છેલ્લે હમસાએ કહ્યું હતું, 'હું લોકોને સમયસર આ બીમારીની જાણ થઈ જાય, બીમારીની સમજણ અંગે પ્રોત્સાહિત કરતી હોઉં છું. હું એક એવું વાતાવરણ બનાવવા માગું છું કે જ્યારે આ અંગે યોગ્ય માહિતી મળી શકે અને લોકો પોતાના ડર પર કાબુ રાખી શકે. ખાસ કરીને તે મહિલાઓ જેમને આ અંગે માહિતી નથી અને તેમની પાસે સારવારની સુવિધા નથી. મને અહેસાસ થયો કે મારા જેવી અનેક મહિલાઓ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે. જે મહિલાને કેન્સર થવાની સંભાવના છે તેમણે આને જાણવાની તથા તેના વિકલ્પને સમજવાની જરૂર છે.'

કોણ છે હમસા?
પૂનામાં જન્મેલી હમસા મોડલ બનવા માટે મુંબઈ ગઈ હતી. હમસાનું સાચું નામ પૂનમ છે. જોકે, ઇન્ડસ્ટ્રીમાં પૂનમ નામની અન્ય એક્ટ્રેસિસ પણ હોવાથી ડિરેક્ટર વામસીએ તેનું નામ હમસા નંદિની રાખ્યું હતું. 2002થી હમસા મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં છે. તેણે વિવિધ મેગેઝિન્સ, સેલિબ્રિટી ક્રિકેટ લીગ, હૈદરાબાદ ઇન્ટરનેશનલ ફેશન વીક 2011, 2013 તથા વિવિધ ટીવી જાહેરાતમાં કામ કર્યું છે. 2004માં હમસાએ તેલુગુ ફિલ્મ 'ઓકટાવુદામ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. હમસા સાઉથ ફિલ્મમાં આઇટમ સોંગ માટે જાણીતી છે. હમસાએ 2006માં બોલિવૂડ ફિલ્મ 'કોર્પોરેટ'માં બિપાશા બાસુ સાથે કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હમસા એક આઇટમ સોંગ માટે 25 લાખ રૂપિયા લે છે.