એક્ટરની તબિયત લથડી:ફિલ્મ 'પોન્નિયિન સેલવન'નું ટીઝર લૉન્ચ થાય તે પહેલાં તમિળ સુપરસ્ટાર વિક્રમ હોસ્પિટલમાં દાખલ

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

56 વર્ષીય તમિળ સુપરસ્ટાર વિક્રમને ચેન્નઈની કોવેરી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. વિક્રમને ઘણો જ તાવ હતો અને પછી તબિયત ખરાબ લાગતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વિક્રમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી અને હાલમાં તબિયત સારી છે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વિક્રમને છાતીમાં થોડું દુખાતું હતું અને તેને હાર્ટ અટેક આવ્યો છે.

મેનેજરે શું કહ્યું?​​​​​​​
વિક્રમના મેનેજર સૂર્યાનારાયણનને કહ્યું હતું, 'ડિયર ફૅન્સ તથા વેલવિશર્સ, ચિયાન વિક્રમને હૃદય સંબંધિત સમસ્યા હતી. તેમની સારવાર ચાલુ છે. હાર્ટ અટેક આવ્યો નહોતો. હાર્ટ અટેકના જે પણ સમાચાર છે, તે તમામ ખોટા છે. વિનંતી છે કે તમે પરિવારને પ્રાઇવસી આપશો. વિક્રમ ઠીક છે. એક દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળી જશે. આશા છે કે આ સ્ટેટમેન્ટ બાદ તમને કંઈક ક્લેરિટી મળી હશે. અફવા પર વિશ્વાસ ના કરો.'

ટીઝર લૉન્ચ ઇવેન્ટમાં સામેલ થવાનો હતો
રિપોર્ટ્સ પ્રમાણે, વિક્રમ 8 જુલાઈના રોજ આગામી ફિલ્મ 'પોન્નિયિન સેલવન પાર્ટ 1'ની ટીઝર લૉન્ચિંગ ઇવેન્ટમાં સામેલ થવાનો હતો. ફિલ્મમાં વિક્રમ લીડ રોલમાં છે. આ એપિક ડ્રામા ફિલ્મ બે પાર્ટમાં બની છે. આ જ ફિલ્મથી ઐશ્વર્યા રાય બચ્ચન ચાર વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મને મણિરત્નમે લખી છે અને ડિરેક્ટ કરી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્રમ છેલ્લે ફિલ્મ 'મહાન'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર વર્ષની શરૂઆતમાં સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મમાં વિક્રમ દીકરા ધ્રુવ સાથે જોવા મળ્યો હતો. ફિલ્મને કાર્તિક સુબારાજે ડિરેક્ટ કરી હતી.

વિક્રમે તમિળ, તેલુગુ તથા હિંદી સહિતની ફિલ્મમાં કામ કર્યું છે. વિક્રમને 2004માં નેશનલ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. વિક્રમે 1990થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. વિક્રમે 'જેમિની', 'સમુરાઈ', 'ધૂલ', 'સામી', 'પીથમગન', 'અરૂલ', 'અન્નિયાં', 'ભીમા', 'રાવણન', ડેવિડ' સહિતની હિટ ફિલ્મમાં કામ કર્યું છે. વિક્રમ ફિલ્મ 'કોબ્રા'માં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...