તબસ્સુમનું કાર્ડિયેક અરેસ્ટથી અવસાન:78 વર્ષીય એક્ટ્રેસને બે મિનિટમાં બેવાર કાર્ડિયેક અરેસ્ટ આવ્યો, 'રામાયણ'ના શ્રીરામ અરુણ ગોવિલના ભાઈ સાથે લગ્ન કર્યાં હતાં

મુંબઈ9 દિવસ પહેલા

ભારતના લોકપ્રિય ટૉક શો હોસ્ટ, ઇન્ટરવ્યૂઅર 78 વર્ષીય તબસ્સુમ ગોવિલનું ગઈ કાલ રાત્રે (18 નવેમ્બર) કાર્ડિયેક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેમની પ્રાર્થના સભા 21 નવેમ્બરના રોજ મુંબઈના સાંતાક્રૂઝમાં યોજાશે.તબસ્સુમે 'રામાયણ'માં શ્રીરામનો રોલ ભજવનાર અરૂણ ગોવિલના ભાઈ વિજય સાથે લગ્ન કર્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, દીકરા હોશાંગે કહ્યું હતું કે તેની માતાની ઈચ્છા હતી કે અંતિમ સંસ્કાર પહેલાં કોઈને પણ તેમના મોતના સમાચાર આપવામાં આવે નહીં.

તબસ્સુમના દીકરા હોશાંગ ગોવિલે મીડિયા સાથેની વાતચીતમાં માતાના અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે તે શુક્રવાર (18 નવેમ્બર)ની સાંજે અચાનક હાર્ટ અટેક આવ્યો હતો. તેમના આકસ્મિક અવસાનથી પરિવાર ઘેરા શોકમાં છે.

વધુમાં હોશાંગે કહ્યું હતું, 'મારી માતાનું રાત્રે 8.40ના રોજ અવસાન થયું હતું. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તે એકદમ સાજા હતા. અમે 10 દિવસ પહેલાં જ અમારા શોનું શૂટિંગ કર્યું હતું અને આવતા અઠવાડિયા બીજીવાર શૂટિંગ કરવાનું હતું. આ બધું અચાનક જ બની ગયું છે. તેમને ગેસ્ટ્રિક પ્રૉબ્લેમ હતો અને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ શુક્રવારે તેમને ફરી વાર એડમિટ કરવામાં આવ્યા હતા. બે મિનિટની અંદર જ તેમને બેવાર કાર્ડિયેક અરેસ્ટનો હુમલો આવ્યો હતો.'

તબસ્સુમ દીકરા-વહુ તથા પૌત્રી સાથે.
તબસ્સુમ દીકરા-વહુ તથા પૌત્રી સાથે.

માતા-પિતા બંને ફ્રીડમ ફાઇટર હતાં
9 જુલાઈ, 1944માં મુંબઈમાં જન્મેલા તબસ્સુમ હિંદુ પિતા તથા મુસ્લિમ માતાનું સંતાન હતા. તેમના પિતા અયોધ્યાનાથ સચદેવ ફ્રીડમ ફાઇટર હતા અને માતા અસઘારી બેગમ ફ્રીડમ ફાઇટર, જર્નલિસ્ટ તથા લેખક હતા. પિતાએ પત્નીના ધર્મને ધ્યાનમાં લઈને દીકરીનું નામ તબસ્સુમ પાડ્યું હતું, જ્યારે માતાએ પતિના ધર્મને ધ્યાનમાં લઈને દીકરીનું નામ કિરણ બાલા સચદેવ પાડ્યું હતું.

1947થી કરિયરની શરૂઆત કરી
1947માં ત્રણ વર્ષીય તબસ્સુમે બેબી તબસ્સુમ તરીકે ચાઇલ્ડ એક્ટર તરીકે 'નરગીસ'થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ 'મેરા સુહાગ', 'મઝધાર', 'બારી બહેન', 'દીદાર', 'સંગ્રામ', 'સરગમ', 'તેરે મેરે સપને' સહિતની વિવિધ ફિલ્મ કરી હતી. છેલ્લે તેઓ 1990માં ફિલ્મ 'સ્વર્ગ'માં જોવા મળ્યા હતા. તેઓ દૂરદર્શન પર આવતા શો 'ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન'થી ભારતભરમાં લોકપ્રિય થયા હતા. આ શો 1972થી 1993 સુધી ચાલ્યો હતો. પછી તબસ્સુમે 'ફૂલ ખિલે હૈ ગુલશન ગુલશન'ના સિલેક્ટેડ એપિસોડ લઈને 'તબસ્સુમ ટૉકીઝ' શો શરૂ કર્યો હતો.તબસ્સુમે મેગેઝિન 'ગૃહલક્ષ્મી'ના એડિટર તરીકે 15 વર્ષ સુધી કામ કર્યું હતું. 2009માં તેઓ કોમેડી રિયાલિટી શો 'લેડિઝ સ્પેશિયલ'ની જજ પેનલમાં પણ હતા. તેઓ છેલ્લે શો 'અભી તો મૈં જવાન હૂં'માં જોવા મળ્યા હતા. આ શો હિંદી સિનેમાના ગોલ્ડન એરા પર આધારિત હતો.

અરુણ ગોવિલના ભાઈ સાથે લગ્ન કર્યા
તબસ્સુમે રામાનંદ સાગરના શો 'રામાયણ'માં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલના ભાઈ વિજય ગોવિલ સાથે લગ્ન કર્યા હતા. તબસ્સુમના દીકરા હોશાંગે 'તુમ પર હમ કુરબાન'માં કામ કર્યું હતું. આ ફિલ્મ તબસ્સુમે ડિરેક્ટ તથા પ્રોડ્યૂસ કરી હતી. આટલું જ નહીં આ ફિલ્મમાં તબસ્સુમે જ્હોની લીવરને પહેલી જ વાર કોમેડિયન તરીકે લૉન્ચ કર્યો હતો. ત્યારબાદ હોશાંગ 'કરતૂત', 'અજીબ દાસ્તાન હૈ યે'માં જોવા મળ્યો હતો. તબસ્સુમની પૌત્રી ખુશીએ ફિલ્મ 'હમ ફિર મિલે ના મિલે'થી કરિયરની શરૂઆત કરી હતી. ​​​​​​

'ફૂલ ખિલે હૈ ગુલશન-ગુલશન' શો 21 વર્ષ સુધી ટીવી પર આવ્યો હતો.
'ફૂલ ખિલે હૈ ગુલશન-ગુલશન' શો 21 વર્ષ સુધી ટીવી પર આવ્યો હતો.

બિગ બીએ તબસ્સુમનો જીવ બચાવ્યો હતો
2014માં એક ઇન્ટરવ્યૂમાં તબસ્સુમે કહ્યું હતું કે તેમણે અમિતિાભ બચ્ચન તથા કલ્યાણજી-આનંદજી સાથે દેશ-દુનિયામાં લાઇવ શો કરતા હતા. એકવાર આ રીતે તેમણે મુંબઈના સમુખાનંદ હોલમાં લાઇવ શો કર્યો હતો. તેમને પગમાં ફ્રેક્ચર હતું અને તેઓ વ્હીલચેર બેસીને શો કરતા હતા. આ દરમિયાન ત્યાં અચાનક જ આગ લાગી હતી અને ભાગદોડ મચી ગઈ હતી. તબસ્સુમ મદદ માટે ચીસો પાડતાં હતાં, પરંતુ તેમની બૂમ કોઈએ સાંભળી નહોતી. બધા જ પોતાનો જીવ બચાવવામાં પડ્યા હતા. આ દરમિયાન અમિતાભ તેમની મદદે આવ્યા અને તેમને સલામત જગ્યાએ લઈ ગયા હતા. તબસ્સુમે કહ્યું હતું કે તે માત્રને માત્ર બિગ બીને કારણે બચી શક્યાં હતાં.

પોતાના નાનપણની આ તસવીર તબસ્સુમે 2021માં 18 મેના રોજ સો.મીડિયામાં શૅર કરી હતી.
પોતાના નાનપણની આ તસવીર તબસ્સુમે 2021માં 18 મેના રોજ સો.મીડિયામાં શૅર કરી હતી.

ગયા વર્ષે કોરોના થયો હતો
તબસ્સુમને ગયા વર્ષે કોરોના થયો હતો અને તેઓ 10 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. તે સમયે એવી અફવા ફેલાઈ હતી કે તેમને અલ્ઝાઇમરની બીમારી છે. દીકરાએ આ વાતનું ખંડન કરીને કહ્યું હતું કે આ વાત તદ્દન ખોટી છે અને તેમને ડાયાબિટીસ કે કોઈ જાતની હૃદયની બીમારી નથી.

મોતની અફવાનું જાતે જ ખંડન કર્યું હતું
ગયા વર્ષે તબસ્સુમની મોતની અફવા પણ ઉડી હતી. તેમણે સો.મીડિયામાં કહ્યું હતું, 'તમારી શુભેચ્છાથી હું એકદમ સાજી છું, સ્વસ્થ છું અને મારા પરિવારની સાથે છું. આ સમાચાર તદ્દન ખોટા છે. હું પ્રાર્થના કરું છું તમે પણ તમારા ઘરમાં સલામત રહો.'

બે દિવસ પહેલાં સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી
તબસ્સુમે બે દિવસ પહેલાં જ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો તબસ્સુમના શો 'તબસ્સુમ ટૉકીઝ'ના એક એપિસોડનો હતો.

પૌત્રીએ સો.મીડિયામાં દાદીને શ્રદ્ધાંજલિ પાઠવી

અન્ય સમાચારો પણ છે...