એક્ટ્રેસની આપવીતી:સ્વાતિ સતીશે રૂટ કેનલની સર્જરી બાદ ઘરની બહાર નીકળવાનું બંધ કર્યું; નોકરી ગઈ ને ફિલ્મ પણ છીનવાઈ

બેંગલુરુ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કન્નડ એક્ટ્રેસ સ્વાતિ સતીશનો ચહેરો ખોટી રૂટ કેનલ સર્જરીને કારણે બગડી ગયો છે. સ્વાતિએ એક ઇન્ટરવ્યૂમાં સર્જરી પછીની પોતાની દુઃખભરી વિતક કથા શૅર કરી હતી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે તે ડૉક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરશે. સ્વાતિએ ડૉક્ટરને લીગલ નોટિસ પણ મોકલી છે. તેણે એમ પણ કહ્યું હતું કે તેનો ચહેરો બગડી જવાને કારણે નોકરી, મોડલિંગ અસાઇનમેન્ટ્સ, સિરિયલ તથા ફિલ્મ છીનવાઈ ગઈ.

સો.મીડિયામાં સ્વાતિની તસવીરો વાઇરલ થયા બાદ એક્ટ્રેસે નિવેદન આપ્યું હતું. વાઇરલ તસવીરોમાં જોઈ શકાય છે કે તેનો ચહેરો બગડી ગયો છે અને તેને કારણે તે ઓળખાતી પણ નથી. આ જ કારણે સ્વાતિ ઘરમાં જ પૂરાઈ રહે છે.

ડૉક્ટરે ખોટી ટ્રીટમેન્ટ આપી
સ્વાતિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યારે તેણે સેકન્ડ ઓપિનિયન માટે બીજા ડેન્ટિસ્ટની મુલાકાત લીધી હતી. તો તેને ખ્યાલ આવ્યો કે જે ડૉક્ટરે રૂટ કેનલની સર્જરી કરી હતી તેણે સોડિયમ હાઇપોક્લોરાઇટનું ઇન્જેક્શન આપ્યું હતું. પછી એનેસ્થિસિયા આપ્યું હતું. બીજા ડૉક્ટરે સ્વાતિને કહ્યું હતું કે તે ડૉક્ટરે પહેલાં એનેસ્થિસિયા અને પછી સોડિયમ હાઇપોક્લોરાઇટ ઇન્જેક્શન આપવાની જરૂર હતી.

સ્વાતિએ કહ્યું હતું, 'જે ક્ષણે ડૉક્ટરે મને સોડિયમ હાઇપોક્લોરાઇટનું ઇન્જેક્શન આપ્યું ત્યારે હું રડી પડી હતી અને બૂમો પાડી હતી. આવી ભૂલ કોઈની પણ સાથે થઈ શકે છે, પરંતુ મેડિકલ પ્રોસિજર્સમાં આવી ભૂલો થયા બાદ સાવચેતીના ઉપાયો પણ કરવામાં આવે છે. હું દુખાવાને કારણે બૂમો પાડતી હતી અને તે સમયે ડૉક્ટરે મને સેલાઇન ઇન્જેક્શન આપ્યું હોત તો ચહેરો આટલો સૂજી ગયો ના હોત.'

રૂટ કેનલ સર્જરી અધૂરી રહી
વધુમાં સ્વાતિએ કહ્યું હતું કે ડૉક્ટરે યોગ્ય રીતે સારવાર ના કરી અને પછી તે ઘરે જતી રહી હતી. બીજા દિવસે જ્યારે તે ઊઠી તો તેનાં ચહેરા પર સોજા હતા. તેની રૂટ કેનલ સર્જરી પણ અધૂરી છે. ચહેરા પર સોજો હોવાથી સર્જરી પૂરી થઈ શકી નહોતી.

ચહેરો બગડતા નોકરી ને મોડલિંગ ઑફર છીનવાઈ
સ્વાતિએ કહ્યું હતું કે 23 દિવસ બાદ હવે તે ધીમે ધીમે ઠીક થઈ રહી છે. તેના હોઠમાં હજી પણ સેન્સેશન થાય છે અને આકાર બદલાઈ ગયો છે. ડૉક્ટરે કહ્યું છે કે તેને સંપૂર્ણ સાજામાં થવામાં 15 દિવસથી એક મહિના જેટલો સમય લાગી શકે છે. ચહેરો ખરાબ થતાં તેણે પોતાની નોકરી, મોડલિંગ અસાઇનમેન્ટ્સ તથા સિરિયલ, એક ફિલ્મ ગુમાવી છે.

ડૉક્ટરે પોતાનો બચાવ કર્યો
સ્વાતિની સર્જરી કરનારા ડૉક્ટરે કહ્યું હતું કે તેમની સામે પુરાવા વગર આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્વાતિ નિવેદન બદલતી રહે છે. પહેલાં તેણે એમ કહ્યું હતું કે તેને સેલિક એસિડનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. પછી તેણે એમ કહ્યું કે સેલિસિલિક એસિડનું આપ્યું. આ બંનેનો ઉપયોગ દાંતની સારવારમાં કરવામાં આવતો નથી.

વધુમાં ડૉક્ટરે કહ્યું હતું કે રૂટ કેનલ સર્જરીના કોમ્પ્લિકેશન્સનું આ પરિણામ છે. આ પરિસ્થિતિ મેડિકલ લાપરવાહીને કારણે થઈ નથી. સ્વાતિને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવી નથી. તે જ્યાં સુધી સાજી નહીં થાય ત્યાં સુધી તેને આરામ કરવાનું કહ્યું છે. તેમની પાસે આ અંગેના પૂરતા પુરાવા છે. તે ઈચ્છે છે કે સ્વાતિ સાચી વાત સામે લાવે.

સ્વાતિનો આક્ષેપ
સ્વાતિએ બેંગલુરુમાં રૂટ કેનલ સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેના ચહેરા પર સોજો આવી ગયો હતો. સ્વાતિ સતીશે જ્યારે ડૉક્ટર્સને આ અંગે વાત કરી તો તેમણે આશ્વાસન આપ્યું હતું કે બે-ત્રણ દિવસમાં બધું ઠીક થઈ જશે અને સોજો પણ જતો રહેશે. જોકે સર્જરીનાં ત્રણ અઠવાડિયાં બાદ પણ સ્વાતિની હાલતમાં કોઈ ફેર પડ્યો નહોતો. સ્વાતિએ પોતાની આ હાલત માટે ડૉક્ટર્સને જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું હતું કે સારવાર દરમિયાન તેને એનેસ્થેસિયાને બદલે સેલિસિલિક એસિડ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્વાતિ સતીશ 'FIR', '6 ટુ 6' જેવી ફિલ્મને કારણે જાણીતી છે. સ્વાતિએ ટીવી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...