એકટ્રેસ સ્વરા ભાસ્કર અને સપા નેતા ફહાદ અહમદ ફરી એકવાર રીત-રીવાજ સાથે લગ્ન કરવા જઇ રહ્યા છે. આ જ કારણ છે કે, પરિવાર અને નજીકના લોકો માટે વેડિંગ કાર્ડ પણ છપાવાયા છે. આ વેડિંગ કાર્ડ હાલ તો લોકોમાં ચર્ચાનો વિષય છે. એક મીડિયા રીપોર્ટ અનુસાર, સ્વરા હોળી બાદ નાનીના ઘરે ફહાદ સાથે સાત ફેરા લેશે. હાલ તો બંનેના લગ્નની તડામાર તૈયારીએ ચાલી રહી છે.
સ્વરાના વેડિંગ કાર્ડ પર ઇંકબાલ જીંદાબાદના નારા જોવા મળ્યા
સ્વરાની રિસેપ્શન પાર્ટીના કાર્ડમાં ઘણા બળવાખોર નારા પણ જોઇ શકાય છે. જેમાં CAA-NRCના વિરોધમાં સૌથી ચર્ચિત નારો 'અમે અમારો કાગળ કોઇને પણ નહી દેખાડીએ' સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ સિવાય રિસેપ્શન કાર્ડ ઉપર ઇંકબાલ-જિંદાબાદ, ફેઝ અહમદ ફેઝની નજ્મ 'હમ દેખેંગે' અને 'હમ સબ એક હૈ' જેવા નારા પણ લખ્યા છે. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયામાં સ્વરાનું વેડિેંગ કાર્ડ વાઇરલ થઇ રહ્યું છે.
તો વેડિંગ કાર્ડ ઉપર સ્વરા અને ફહાદની તસ્વીર પણ છે. બંને બારીની બહાર કોઇ ઘર તરફ જોઇ રહ્યા છે અને બીજા લોકો પણ ઉભા છે. બંનેના હાથમાં પ્લે કાર્ડ છે, જેના પર અલગ-અલગ સ્લોગન લખ્યા છે.
વેડિંગ કાર્ડ ઉપર શાહરુખની DDLJની એક ઝલક જોવા મળી
આ વેડિંગ કાર્ડ ઉપર મુંબઈનો દરિયો અને મરીન ડ્રાઈવનો નજારો પણ જોઈ શકાય છે. નજીકમાં જ એક થિયેટર છે, જેમાં શાહરુખ ખાનની ફિલ્મ DDLJ છે. નજીકમાં જ એક ફૂટ ઓવરબ્રિજ દેખાય છે, જેના પર મહાત્મા ગાંધીનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. લોકોનું ટોળું આંદોલન કરી રહ્યું છે.
વેડિંગ કાર્ડ ઉપર સ્વરા અને તેના પતિનો જોવા મળ્યો પ્રેમ
બળવાખોર સૂત્રોચ્ચાર અને શાહરુખની DDLJ ઉપરાંત સ્વરાએ લગ્નના કાર્ડમાં પોતાની લવ સ્ટોરી પણ શેર કરી છે. આ કાર્ડ ઉપર લખ્યું છે કે, 'ઘણી વખત આપણે કોઈ વસ્તુને લાંબા સમય સુધી શોધતા રહીએ છીએ અને બાદમાં આપણને ખબર પડે છે કે તે તો તમારી સાથે જ પહેલાથી જ હતી. અમે પ્રેમની શોધમાં હતા, પરંતુ મિત્રતા અમને પહેલા મળી ગઇ હતી.
નફરતના સમયે અમે પ્રેમને મેળવી લીધો
આ બધું એક પ્રદર્શન દરમિયાન શરૂ થયું હતું અને બાદમાં આગળ વધ્યું હતું. એક અંધારામાં અમને એક રોશની મળી અને અમે એક-બીજાને અલગ નજરથી જોવા લાગ્યા હતા. નફરતના સમયે અમે પ્રેમને મેળવી લીધો. તો એક મહત્ત્વની વાત એ છે કે, સ્વરાના લગ્નની તારીખનો કોઇ ખુલાસો થયો નથી.
સ્વરા તથા ફહાદે 6 જાન્યુઆરી, 2023ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ડોક્યુમેન્ટ્સ સબમિટ કર્યા હતા. 8 જાન્યુઆરીએ સ્વરાએ એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં સ્વરાએ પોતાનું માથું મિસ્ટ્રી મેનના હાથ પર મૂક્યું હતું અને બંને પલંગ પર હતાં. જોકે, તસવીરમાં કોઈનો ચહેરો સ્પષ્ટ રીતે જોઈ શકાતો નહોતો. સ્વરાએ તસવીર શૅર કરીને કહ્યું હતું કે આ કદાચ પ્રેમ હોઈ શકે છે.
કોણ છે ફહાદ અહમદ?
2 ફેબ્રુઆરી, 1992માં ઉત્તરપ્રદેશના બહેરીમાં જન્મેલા ફહાદના પિતાનું નામ ઝિરાર અહમદ છે. ફહાદે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે. ત્યારબાદ તે મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સમાં M.Phil કર્યું હતું. વર્ષ 2017 તથા 2018માં ફહાક અહીંયાં વિદ્યાર્થી સંગઠનનો મહાસચિવ બન્યો હતો. હાલમાં તે અહીંથી Ph.Dનો અભ્યાસ કરી રહ્યો છે.
સમાજવાદી પાર્ટીનો નેતા
ફહાદે જુલાઈ, 2022માં અબુ આસિમ આઝમી તથા રઈસ શેખની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. સમાજવાદી પાર્ટીમાં તે મહારાષ્ટ્ર તથા મુંબઈની યુવાજન સભાનો અધ્યક્ષ છે.
ઘણી લોકપ્રિય ફિલ્મમાં કામ કર્યું છે
સ્વરાએ 'ગુઝારિશ'માં સાઇડ રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તે 'તનુ વેડ્સ મનુ', 'રાંઝણા', 'વીરે દી વેડિંગ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તે વેબ સિરીઝ 'રસભરી'માં જોવા મળી હતી. તે છેલ્લે 'જહાં ચાર યાર'માં જોવા મળી હતી. અપકમિંગ ફિલ્મ 'મિમાંસા' છે. આ ઉપરાંત તે 'મિસિસ ફલાની'માં જોવા મળશે.
વિવાદોમાં રહે છે સ્વરા પોતાના રાજકીય વિચારો જાહેરમાં રજૂ કરવા માટે જાણીતી છે. તે અવાર-નવાર સરકાર વિરુદ્ધ બોલતી હોય છે અને આ જ કારણે તેની વિરુદ્ધ કેસ પણ થતા હોય છે. હાલમાં જ 'પઠાન' પર થયેલા વિવાદ પર સ્વરાએ કહ્યું હતું કે સત્તાધારી નેતાઓને અભિનેત્રીઓનાં કપડાં જોવામાંથી સમય મળતો નથી તો કામ શું કરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.