એક્ટ્રેસ રિયા ચક્રવર્તી, પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શોવિક તથા બે મેનેજર સૌમિક તથા શ્રુતિ મોદી વિરુદ્ધ પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં કેસ કરવામાં આવ્યો છે.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં પિતા કે કે સિંહે રિયા ચક્રવર્તી વિરુદ્ધ છેતરપિંડી તથા આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ કર્યો હતો. હવે આ કેસની અસર રિયાની કરયિર પર જોવા મળી રહી છે. ફિલ્મમેકર લોમ હર્ષ પોતાની આગામી ફિલ્મમાં રિયાને લેવાનું વિચારતા હતા. જોકે, હવે તેઓ રિયાને લેશે નહીં. તે માને છે કે હાલની પરિસ્થિતિમાં દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પ્રેમિકાને કાસ્ટ કરવાથી એક્ટરના ચાહકોની ભાવનાને ઠેસ પહોંચી શકે છે.
ઈમેજ ખરાબ થવાને કારણે ફિલ્મમાં રિયાને ના લેવાનો નિર્ણય લીધો
લોમ હર્ષે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું હતું, આ મારી બીજી ફિલ્મ છે અને અમે રિયા ચક્રવર્તીને ફિલ્મમાં લેવાનું વિચારી રહ્યા હતા. વર્ષ 2018થી આ ફિલ્મ અંગે વાતચીત ચાલતી હતી. આ વર્ષે અમે શૂટિંગ કરવાના હતા. જોકે, કોરોના આવી ગયો, આથી અમે શૂટિંગ હાલ પૂરતું ટાળી દીધું છે. હાલમાં આ ફિલ્મનું ટાઈટલ ‘હીન’ છે. આ ફિલ્મની મુખ્ય એક્ટ્રેસિસમાંથી એક માટે રિયાનું નામ વિચાર્યું હતું. અમે ફિલ્મનું પ્રી પ્રોડક્શનનું કામ પૂરું કરી લીધું છે. પરિસ્થિતિ સામાન્ય થાય પછી અમે શૂટિંગ અંગે વિચાર કરીશું. કાસ્ટિંગ ટીમ તથા પ્રોડ્યૂસર્સે રિયા અંગે વિચાર્યું હતું પરંતુ સુશાંતનું મોત તથા હાલની પરિસ્થિતિને જોતા અમે હવે રિયાને ના લેવાનો નિર્ણય લીધો છે.
વધુમાં લોમે કહ્યું હતું, આપણે એવા દેશમાં રહીએ છીએ, જ્યાં લોકોમાં ધાર્મિક મૂલ્યો તથા સંવેદનાઓ વધારે છે. આજે તેમની ભાવના સુશાંત સાથે જોડાયેલી છે. આથી જ મને લાગે છે કે આપણે જનતાના નિર્ણયનું સન્માન કરવું જોઈએ. અમે કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડી શકીએ નહીં. આથી જ અમે રિયાને ફિલ્મમાં ના લેવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે રિયાએ પોતાના વિરુદ્ધ પટનામાં થયેલા કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જોકે, સુપ્રીમે CBI તપાસનો આદેશ આપીને રિયાની અરજી નકારી કાઢી છે. હવે આ કેસની તપાસ CBI જ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.