સુશાંત કેસ / સુશાંત બે સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો પરંતુ એક પણ સિમ તેના નામે રજિસ્ટર્ડ નહોતું: બિહાર પોલીસ

X

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 05:36 PM IST

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂત કેસમાં નવા નવા ખુલાસાઓ થતા રહે છે. હાલમાં જ સુશાંતના પિતાએ બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. આ જ કારણથી બિહાર પોલીસના ચાર અધિકારીઓની એક ટીમ મુંબઈ આવી છે. ટીમ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન બિહાર પોલીસને એ વાતની માહિતી મળી છે કે સુશાંત જે સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો તે તેના નામ પર રજિસ્ટર્ડ નહોતું.

બે સિમ કાર્ડ અલગ-અલગ વ્યક્તિના નામે
બિહાર પોલીસ રોજ સુશાંત કેસમાં નવા નવા ખુલાસાઓ કરી રહી છે. બિહાર પોલીસને તપાસ દરમિયાન એ વાત જાણવા મળી કે સુશાંત બે સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. જોકે, આ બંને સિમ કાર્ડ તેના નામ પર રજિસ્ટર્ડ નહોતા. એક સિમ કાર્ડ સેમિયલ મિરાન્ડા તથા બીજું સિમ કાર્ડ સિદ્ધાર્થ પેઠાનીના નામ પર હતું.

CDR ટ્રેક કરશે
બિહાર પોલીસને આ બંને સિમ કાર્ડની માહિતી મળી ગઈ છે. હવે બિહાર પોલીસ બંને સિમનો CDR (કોલ ડિટેલ રેકોર્ડ) ટ્રેક કરી રહી છે. પોલીસ જાણવા માગે છે કે સુશાંતે કોની-કોની સાથે વાત કરી હતી. બિહાર પોલીસનો ટેક્નિકલ વિભાગ પણ આ તપાસમાં જોડાયો છે. બિહાર પોલીસ જાણવા માગે છે કે કઈ પરિસ્થિતિમાં સુશાંત બે સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. બંને સિમ કાર્ડ શા માટે તેના નામ પર નહોતાં. સિમ કાર્ડ અંગે પોલીસે સિદ્ધાર્થ પેઠાની સાથે વાત કરી હતી.

બિહાર પોલીસ પૂર્વ મેનેજર દિશાના પરિવારની પૂછપરછ કરશે
બિહાર પોલીસે સુશાંતની પૂર્વ મેનેજર દિશા સલિયનના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હજી સુધી બિહાર પોલીસ દિશાના પરિવારનો સંપર્ક કરી શકી નથી. ઉલ્લેખનીય છે કે દિશા સલિયને આઠ જૂનના રોજ 14મા માળેથી પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બિહાર પોલીસે અત્યાર સુધીમાં સુશાંતના સ્ટાફ મેમ્બર ઉપરાંત સુશાંતની બહેન મિતુ તથા પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની પૂછપરછ કરી હતી. ડિરેક્ટર રૂમી ઝાફરી સાથે પણ બિહાર પોલીસે વાત કરી હતી.

મુંબઈ પોલીસે આ કેસમાં કંઈ નથી કર્યું
કેન્દ્રીય મંત્રી આર કે સિંહે ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું હતું કે લોકો આ કેસની તપાસ CBI કરે તેમ ઈચ્છે છે. તેમણે પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આ અંગે વિનંતી કરી હતી. CBI પરિવારને ન્યાય અપાવશે અને પરિવાર પણ આમ જ ઈચ્છે છે. મુંબઈ પોલીસે આ કેસમાં કંઈ જ કર્યું નથી. મુંબઈ પોલીસ પબ્લિસિટી માટે માત્ર તપાસ કરી છે. તેમણે FIR પણ ફાઈલ કરી નથી. આ કેસમાં હવે પટનામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

હજી સુધી રિયાની પૂછપરછ કરી નથી
બિહાર પોલીસે કહ્યું હતું કે હાલમાં રિયાની પૂછપરછ કરવાની જરૂર નથી પરંતુ તેમની નજર રિયા પર જ છે.

EDએ તપાસ શરૂ કરી
EDએ 31 જુલાઈના રોજ રિયા ચક્રવર્તી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. આવતા અઠવાડિયે રિયાને સમન્સ મોકલાય તેવી શક્યતા છે.

શું છે રિયાના પિતાનો આક્ષેપ?
સુશાંતના પિતા કેકે સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ મૂકીને પોલીસ ફરિયાદ કરી છે. રિયા, તેનો ભાવિ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા અને બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ ગંભીર આક્ષેપો મૂક્યા છે. તેમના વિરુદ્ધ IPCની કલમ 341 અને 342 (ખોટી રીતે રોકવા અથવા બંધક બનાવવા), 380 (ચોરી), 406 (ભરોસો તોડવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ મૂક્યો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી