સુશાંત આત્મહત્યા કેસ:સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘ટેલેન્ટેડ આર્ટિસ્ટ જતો રહ્યો, હકીકત સામે આવવી જોઈએ’, રિયાની અરજી પર એક અઠવાડિયાં પછી સુનાવણી થશે

2 વર્ષ પહેલાલેખક: પ્રિયંક દ્વિવેદી
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે, ‘સુશાંતના કેસમાં તપાસ પટના પોલીસના ક્ષેત્રમાં આવતી નથી કે ત્યાં FIR પણ ન થઇ શકે’
  • કેસ પટનાથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી પર કોર્ટે બિહાર અને મહારાષ્ટ્ર સરકાર પાસેથી 3 દિવસમાં જવાબ માગ્યો

બુધવારે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે કહ્યું, ‘એક ટેલેન્ટેડ આર્ટિસ્ટ જતો રહ્યો. અસામાન્ય પરિસ્થિતિમાં તેનું મૃત્યુ થયું. હકીકત સામે આવવી જ જોઈએ.’ રિયાએ સુશાંતના પિતાએ પટનામાં ફાઈલ કરેલા કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી કરી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે બિહાર, મહારાષ્ટ્ર સરકાર અને સુશાંતના પિતા પાસેથી 3 દિવસમાં જવાબ માગ્યો છે. નેક્સ્ટ સુનાવણી એક અઠવાડિયાં પછી થશે.

મહારાષ્ટ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે, સુશાંતના કેસમાં તપાસ પટના પોલીસના ક્ષેત્રમાં આવતી નથી, કે ત્યાં FIR પણ ન થઇ શકે. આ કેસને રાજકારણનો બનાવી દીધો છે. બીજી તરફ સુશાંતના પિતા કે. કે સિંહના વકીલે કહ્યું કે, મહારાષ્ટ્ર પોલીસ પુરાવાઓને નષ્ટ કરી રહી છે. કોર્ટે કહ્યું કે, ભલે મહારાષ્ટ્ર પોલીસની રેપ્યુટેશન સારી હોય પરંતુ બિહાર પોલીસ ઓફિસરને ક્વોરન્ટીન કરીને સારો મેસેજ આપ્યો નથી.

આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, બિહાર સરકારની CBI માગને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં રિયાના પિટિશન પર બિહાર અને મહારાષ્ટ્ર સરકારે કેવિએટ ફાઈલ કરી હતી. સુશાંતના પિતાએ પણ કેવિએટ ફાઈલ કરી હતી જેથી તેમનો પક્ષ સમજ્યા સિવાય રિયાની અરજી પર કોઈ પણ નિર્ણય સંભળાવી ન શકે.

અપડેટ્સ
બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, રિયા અમારા સંપર્કમાં નથી, તે ગાયબ છે. અમારા સામે પણ આવી રહી નથી. અમને એ પણ ખબર નથી કે, મુંબઈ પોલીસના કોન્ટેક્ટમાં તે છે કે નહિ. અમે BMCને કહ્યું છે કે, અમારા IPS ઓફિસર વિનય તિવારીને ક્વોરન્ટીનમાંથી મુક્ત કરે. BMC પ્રોફેશનલ રીતે કામ કરતી નથી. અમારા ઓફિસરની ધરપકડ કરી હોય તેમ એમને રાખ્યા છે.

રિયા પર સુશાંતના પિતાએ આ આરોપ લગાવ્યા છે
સુશાંતના પિતા કે. કે. સિંહે 25 જુલાઈએ પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ તેના દીકરાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવી કેસ ફાઈલ કરાવ્યો હતો. રિયા, તેનો ભાવિ શોવિક, પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા અને બે મેનેજર સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદી વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના વિરુદ્ધ IPC ધારા 341 અને 342 (ખોટી રીતે રોકવા અથવા બંધક બનાવવા), 380 (ચોરી), 406 (ભરોસો તોડવો), 420 (છેતરપિંડી) અને 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) હેઠળ કેસ દાખલ થયો છે. સુશાંતના પરિવારે રિયા પર સુશાંતના અકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયા લેવાનો આરોપ પણ લગાવ્યો છે.

આ કેસમાં તપાસ માટે ચાર પોલીસ ઓફિસરની ટીમ બિહારથી મુંબઈ આવી છે. આ સિવાય રવિવારે પટનાથી કેસમાં તપાસ કરવા માટે આવેલ SP વિનય તિવારીને BMCએ બળજબરીપૂર્વક ક્વોરન્ટીન કરી દીધા છે. બિહાર પોલીસને હજુ રિયાનું સ્ટેટમેન્ટ મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...