‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ:સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, ચાહકો ઈમોશનલ થયાં

મુંબઈ2 વર્ષ પહેલા

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સંજના સાંઘી છે. સંજનાએ સુશાંત સાથે સેટ પર સમય પસાર કર્યો હતો અને મિત્ર હોવાને નાતે તેને સપોર્ટ પણ કર્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સંજનાએ તે સમયને યાદ કર્યો હતો.

શું છે ફિલ્મના ટ્રેલરમાં?
પહેલાં આ ફિલ્મ ‘કીઝી ઔર મૈની’ના નામથી બનાવવામાં આવી હતી. જોકે, ફેબ્રુઆરી 2019માં ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું અને ‘દિલ બેચારા’ રાખવામાં આવ્યું. 2 મિનિટ અને 43 સેકેન્ડનું આ ટ્રેલર એક સમય હસાવે છે તો બીજા સમયે રડાવી પણ દે છે. ફિલ્મમાં કીઝી બાસુ એટલે કે સંજના સાંઘી કેન્સરની દર્દી છે. તેની મુલાકાત મૈની એટલે કે સુશાંત સિંહ સાથે થાય છે. શરૂઆતમાં કીઝીને મૈની પસંદ નથી પરંતુ ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડે છે. 

બેવાર ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ
આ ફિલ્મ પહેલાં ગયા વર્ષે 29 નવેમ્બરે રિલીઝ થવાની હતી અને પછી આ ફિલ્મને 2020માં આઠ મેના રોજ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન હોવાથી ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંજનાનાં મતે, ‘અમારા બંનેમાં ઘણી વાતો કોમન હતી. સેટ પર પહેલાં જ દિવસે અમારી વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. સુશાંત બહુ જ ઓછું બોલતો હતો પરંતુ મારી તેની સાથે જલ્દીથી મિત્રતા થઈ ગઈ હતી. સુશાંતની જેમ જ સંજના પણ કોલેજ ટોપર રહી ચૂકી હતી. સુશાંતે ફિઝિક્સમાં ટોપ કર્યું હતું અને સંજના પોલિટિકલ સાયન્સમાં ટોપર હતી. સેટ પર બંને બુક્સને લઈ કલાકો સુધી ચર્ચા કરતાં હતાં.’

સંજનાએ કહ્યું, તે હંમેશાં આગળ વધવા માટે પ્રેરણા આપતો
સુશાંતની જેમ જ સંજનાને પણ બુક વાંચવાનો શોખ હતો. સંજનાએ કહ્યું હતું કે તે હંમેશાં આગળ વધવા માટે પ્રેરણા આપતો હતો અને કહેતો, ‘તું જીવનમાં બહુ જ આગળ જઈશ.’ સંજનાએ આગળ કહ્યું હતું,‘અમે બંનેએ ‘ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ’ ફિલ્મ જોઈ હતી અને નોવેલ પણ વાંચી હતી. આ જ કારણે અમારા માટે આ રોલ પ્લે કરવો તદ્દન સરળ હતો.’

અમારી સ્ક્રિપ્ટ ફાટેલી નોવેલ જેવી હતી
ફિલ્મ સાથે જોડાયેલા કિસ્સા અંગે સંજનાએ કહ્યું હતું, ‘અમે બંને વાંચવાના ઘણાં જ શોખીન હતાં. અમે શરૂઆતથી લઈ અંત સુધી વાંચતા રહેતા હતાં. અમારી સ્ક્રિપ્ટ એવી લાગતી, જાણે કે વર્ષો જૂની ફાટેલી નોવેલ ના હોય. આ સ્ક્રિપ્ટમાં નિશાન પણ કરેલાં રહેતા હતાં. હું નર્વસ પણ રહેતી હતી. જોકે, મુકેશના કહ્યાં બાદ અમે સહજ થઈ ગયા હતાં.’

સુશાંતની જેમ હું પણ ભોજનની શોખીન હતી
સંજનાએ કહ્યું હતું કે તે પણ સુશાંતની જેમ જ ફૂડી હતી. લંચ સમયે આખા ટેબલ પર વિવિધ વાનગીઓ રહેતી પરંતુ તેઓ જમીન પર બેસીને જ જમતાં. સુશાંત ઘણીવાર જમતી વખતે તેની મજાક ઉડાવતો હતો. 

શિક્ષણ તથા સિનેમા માટે સુશાંતની વાતો અણમોલ હતી
સંજનાએ કહ્યું હતું કે એકવાર જમતા સમયે તેના પિતાનો મેસેજ આવ્યો હતો કે તેણે પોલિટિકલ સાયન્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ વાત સાંભળતા જ સુશાંત તથા ડિરેક્ટર મુકેશ છાબરા ઘણાં જ ખુશ થયા હતાં. શિક્ષણ તથા સિનેમાને લઈ સુશાંત ઘણી જ વાતો કરતો હતો. આ વાતો તેને હંમેશાં યાદ રહશે. 

24 જુલાઈએ ફિલ્મ સ્ટ્રીમ થશે
‘દિલ બેચારા’ 24 જુલાઈના રોજ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પ્લેટફોર્મ પર રિલીઝ થશે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરે છે. 

DilBecharaTrailer હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે 
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં સોમવાર, છ જુલાઈએ ટ્વિટર પર DilBecharaTrailer ટ્રેન્ડ થયું હતું. સુશાંતના ચાહકોએ કહ્યું હતું કે આ ટ્રેલરને યુ ટ્યૂબ પર સૌથી વધુ જોવાયેલું તથા સૌથી વધુ લાઈક મેળવનાર ટ્રેલર બનાવીને રહીશું. તેમણે વિવિધ મીમ્સ પણ શૅર કર્યાં છે.