સુશાંત ડેથ કેસ:CBIએ સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ પૂરી કરી હોવાના દાવાને માત્ર અટકળ તથા ભૂલભરેલા ગણાવ્યા

મુંબઈ2 વર્ષ પહેલા

સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ CBI હસ્તક છે. હાલમાં જ કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે CBIએ પોતાની તપાસ પૂરી કરી લીધી છે અને તે ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. જોકે, હવે CBIએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ રિલીઝ કરીને આ દાવાને નકારી કાઢ્યો છે. ઉલ્લેખનીય છે કે દેશની ત્રણ ટોચની એજન્સીઓએ (CBI, ED તથા NCB) આ કેસની તપાસ કરી છે. નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રાસ્થિત ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

CBIએ શું કહ્યું?
CBIએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) સુશાંત સિંહ રાજપૂત મોત કેસની તપાસ કરી રહ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે CBIએ તપાસ પૂરી કરી લીધી છે. આ વાત ભૂલભરેલી તથા અટકળ માત્ર છે. તપાસ હજી ચાલુ છે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે CBI ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે
ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ પોતાની તપાસ પૂરી કરી લીધી છે અને તેને સુશાંત કેસમાં કોઈ જ ફાઉલ પ્લેની આશંકા નથી. CBI ટૂંક સમયમાં ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરશે. ત્યાર બાદ કોર્ટ નક્કી કરશે કે આ કેસમાં હવે આગળ શું થઈ શકે.

AIIMSની ફોરેન્સિક ટીમે સુશાંતે આત્મહત્યા કરી હોવાની વાત કરી
AIIMSએ હત્યાની થિયરી નકારી હતી અને કહ્યું હતું કે આ આત્મહત્યાનો કેસ છે. ત્યાર બાદ આ કેસમાં CBIને હત્યા સાથે જોડાયેલા એકપણ પુરાવા મળ્યા નહોતા, ઘરમાં કોઈએ ઝપાઝપી કરી હોય અથવા જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કર્યો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નહોતા. હત્યા સાથે જોડાયેલા અન્ય પુરાવા પણ મળ્યા નહોતા. ત્યાર બાદ મર્ડર થિયરી પૂરી રીતે ફેલ થઈ હતી.

ફોરેન્સિક ઓડિટમાં પણ કંઈ જ શંકાસ્પદ ના મળ્યું
બીજી બાજુ, સુશાંતના બેંક ખાતાના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં પણ કોઈ જ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું નથી. અહેવાલ પ્રમાણે, સુશાંતનાં તમામ બેંક ખાતાંમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 70 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી, જેમાંથી માત્ર 55 લાખ રૂપિયા રિયા ચક્રવર્તી પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. સુશાંતે મોટા ભાગે પ્રવાસ, સ્પા તથા ગિફ્ટ ખરીદવા માટે પૈસા ખર્ચ કર્યા હતા.

EDને મની-લોન્ડરિંગના પુરાવા ના મળ્યા
રિયા વિરુદ્ધ સુશાંતના પિતા કે કે સિંહે પટનામાં 15 કરોડ રૂપિયાનો ફ્રોડનો કેસ ફાઈલ કરાવ્યો હતો. ત્યાર બાદ EDએ મની-લોન્ડરિંગનો કેસ ફાઈલ કર્યો હતો અને એક્ટ્રેસની ત્રણ વખત પૂછપરછ કરી હતી. જોકે EDએ હજુ તેનો ફાઇનલ રિપોર્ટ જાહેર કર્યો નથી. આ કેસની તપાસ દરમિયાન રાજપૂતનાં બેન્ક ખાતાંનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે હવે EDએ એક્ટરના બેંક ખાતાંમાંથી મની-લોન્ડરિંગના કોઈ પુરાવા ના મળ્યા હોવાની વાત કહી હતી. રિપોર્ટમાં EDના સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું હતું કે સુશાંતના પરિવાર તરફથી ગેરસમજ થઈ હોવાને કારણે આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. EDને એક્ટરનાં ખાતાંમાંથી મની લોન્ડરિંગ કે પછી કોઈ શંકાસ્પદ લેવડ-દેવડના પુરાવા મળ્યા નહોતા. જોકે અકાઉન્ટમાં થયેલા નાના-મોટા ટ્રાન્ઝેક્શનની તપાસ ચાલુ છે અને તેમાંથી તપાસ કરવામાં આવશે કે આ ટ્રાન્ઝેક્શન કોણે અને કેમ કર્યા હતા? રિપોર્ટ પ્રમાણે, EDને તપાસમાં ખ્યાલ આવ્યો કે સુશાંતનાં બેંક અકાઉન્ટથી 2.78 કરોડ રૂપિયા ટેક્સ (GST સહિત) ભર્યો હતો. કેટલીક નાની-મોટી રકમ હજી પણ મિસિંગ છે. તેની તપાસ કરવાનો પ્રયાસ તપાસ એજન્સી કરે છે. EDનાં સૂત્રોના મતે, તેમને રિયા ચક્રવર્તીના અકાઉન્ટમાં સુશાંતના અકાઉન્ટથી કોઈ મોટી રકમનું ટ્રાન્ઝેક્શન મળ્યું નથી. તપાસ એજન્સી માને છે કે બંનેની વચ્ચે નાની-મોટી લેવડદેવડ હોઈ શકે છે.

રિયાને જામીન મળ્યા
ડ્રગ્સ કેસમાં છેલ્લાં એક મહિનાથી ભાયખલા જેલમાં બંધ રિયાને સાત ઓક્ટોબરના રોજ બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. આ પહેલાં સેશન્સ કોર્ટે રિયાના 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી વધારી હતી.

જામીન બાદ રિયા એક-એક કરીને લોકોને ખુલ્લા પાડશે
રિયાના વકીલ સતીશ માનશિંદેએ રિયા જેલમાંથી બહાર આવ્યા બાદ કહ્યું હતું કે રિયા તેના વિરુદ્ધ ખોટા આરોપ લગાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરશે. તેમણે કહ્યું હતું કે 'અમે ટીવી અને ઇલેક્ટ્રોનિક મીડિયા સામે ખોટા અને નકલી દાવા કરનારા લોકોનું એક લિસ્ટ CBIને મોકલવાના છીએ.' ડ્રગ્સ કેસમાં જેલમાંથી છૂટ્યા બાદ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ તેની બાજુમાં રહેતી ડિમ્પલ થવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે CBIને ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં રિયાએ કહ્યું હતું કે ડિમ્પલે ખોટું સ્ટેટમેન્ટ આપીને તપાસને ભટકાવવાના પ્રયાસ કર્યો હતો. રિયાએ CBIને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તેની પડોશી ડિમ્પલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 13 જૂનની રાત્રે સુશાંત સિંહ રાજપૂત, રિયાને તેના ઘર સુધી મૂકવા આવ્યો હતો. ડિમ્પલના સ્ટેટમેન્ટના આધારે મીડિયાના એક વર્ગમાં સુશાંતના મૃત્યુ પર સવાલ ઉઠાવતા અનેક રિપોર્ટ જાહેર થયા હતા. CBIએ જ્યારે ડિમ્પલની પૂછપરછ કરી તો તેણે એવું કહ્યું હતું કે કોઈ બીજાએ સુશાંત-રિયાને જોયા હતા. જોકે, તેણે આ લોકોને સાથે જોયા નહોતા. ત્યાર બાદ CBIના અધિકારીઓએ તેને કડક શબ્દોમાં ચેતવણી આપીને છોડી દીધી હતી. હવે આ બાબતે રિયાએ કાર્યવાહીની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...