બોક્સ ઓફિસ કલેક્શન:સૂર્યવંશીનું 27 કરોડનું ધમાકેદાર ઓપનિંગ કલેક્શન, ખેડૂતોના વિરોધ બાદ પંજાબનાં ઘણાં થિયેટરોમાં ફિલ્મ રિલીઝ નથી થઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અક્ષયની સૂર્યવંશીએ ફરીથી એક વખત સિનેમાઘરોમાં રોનક વધારી દીધી છે
  • સૂર્યવંશીનું ઓપનિંગ કલેક્શન છેલ્લાં બે વર્ષનું સૌથી વધુ કલેક્શન છે

અક્ષય કુમાર અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી' 5 નવેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે, જેની સીધી અસર આ ફિલ્મના ઓપનિંગ કલેક્શનમાં જોવા મળી રહી છે. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે જ 27 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું, તેની સાથે જ સિનેમાઘરોમાં ફરીથી રોનક પણ જોવા મળી.

બોક્સ ઓફિસ ઈન્ડિયાના અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીએ પહેલા જ દિવસે 27 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને સમગ્ર દેશની 4000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે, જ્યારે અન્ય 66 દેશમાં તેને 1300 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.

બે વર્ષનો રેકોર્ડ તોડ્યો
છેલ્લા દોઢ વર્ષથી કોવિડ 19ને કારણે કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ નથી. થિયેટરો ખૂલ્યાં પછી માત્ર અમુક જ ફિલ્મો રિલીઝ થઈ છે અને કલેક્શન પણ એટલું બધું નહોતું. હવે અક્ષયની સૂર્યવંશીએ ફરીથી એક વખત સિનેમાઘરોમાં રોનક વધારી દીધી છે. સૂર્યવંશીનું ઓપનિંગ કલેક્શન છેલ્લાં બે વર્ષનું સૌથી વધુ કલેક્શન છે. છેલ્લે હૃતિક રોશન, ટાઈગર શ્રોફ અને વાણી કપૂરની ફિલ્મ વૉર વર્ષ 2019માં રિલીઝ થઈ હતી, જેનું ઓપનિંગ કલેક્શન 30 કરોડનું હતું. હવે બે વર્ષના અંતરાલ બાદ સૂર્યવંશીએ રેકોર્ડ બનાવ્યો છે.

ખેડૂતોએ અક્ષય કુમારનું પૂતળું સળગાવ્યું.
ખેડૂતોએ અક્ષય કુમારનું પૂતળું સળગાવ્યું.

પંજાબના ખેડૂતોએ સૂર્યવંશીનો વિરોધ કર્યો
શુક્રવારે સૂર્યવંશી રિલીઝ થયા બાદ સંયુક્ત કિસાન મોરચા સાથે જોડાયેલા પંજાબના ખેડૂતોએ અક્ષય કુમારનું પૂતળું સળગાવીને ફિલ્મનો વિરોધ કર્યો હતો. ખેડૂતોનો આરોપ છે કે ફિલ્મમાં અક્ષય કુમાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પ્રચાર કરી રહ્યો છે, જેના બેનરની આ ફિલ્મ છે એને પણ પીએમનો સપોર્ટ છે. એ ઉપરાંત ફિલ્મ પ્રમોટ કરનારી ચેનલને પણ પીએમ સપોર્ટ કરે છે. અક્ષય કુમાર અને સની દેઓલ પ્રો-બીજેપી છે. આવી સ્થિતિમાં ખેડૂતોનું કહેવું છે કે ન તો પંજાબમાં તેમની ફિલ્મ રિલીઝ થવા દઈશું અને ન તો તેમની ફિલ્મોનું શૂટિંગ અહીં થશે.

પંજાબમાં ઘણાં થિયેટરોમાં સૂર્યવંશી રિલીઝ નથી થઈ
કિસાન મોરચા સાથે જોડાયેલા ખેડૂતોએ ફિલ્મને સિનેમાઘરોમાંથી ઉતારવાની માગ કરી છે, ત્યાર બાદ ઘણાં થિયેટરોએ સૂર્યવંશીના શો કેન્સલ કરી દીધા છે. ખેડૂતોના વિરોધ બાદ આ ફિલ્મના કલેક્શનમાં સીધી અસર જોવા મળી શકે છે.