કન્નડ ફિલ્મના સુપરસ્ટાર પુનિત રાજકુમારનું 29 ઓક્ટોબરના રોજ 46 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. હાર્ટ અટેક બાદ પુનિતને તાત્કાલિક બેંગુલુરુની વિક્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહીં. પુનિત એકદમ ફિટ હતો અને તેના આકસ્મિક મોતથી લોકોમાં ડરનો માહોલ છે. લોકો હૃદય સ્વસ્થ છે કે નહીં તે જાણવા માટે મોટી સંખ્યામાં હોસ્પિટલમાં આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે, આખા કર્ણાટકમાં તમામ કાર્ડિયક ડાયગ્નોસિસ સેન્ટર તથા હોસ્પિટલ, સરકારી કેન્દ્રોમાં ભીડ ઉમટી છે.
રિપોર્ટ પ્રમાણે, બેંગલુરમાં શ્રી જયદેવ ઇન્સ્ટીટ્યૂટ ઓફ કાર્ડિયોવસ્કુલર સાયન્સ એન્ડ રિસર્ચના આઉટ પેશન્ટ વિભાગમાં પહેલી જ વાર આટલી ભીડ જોવા મળી રહી છે. આ ભીડ હૃદયની તપાસ માટેની છે. 46 વર્ષીય પેશન્ટ નારાયણ પોતાના કાકા સાથે આવ્યો હતો. તે હસન જિલ્લાનો હતો. તેને છાતીમાં દુખાવો થતો હતો. નારાયણને ડર હતો કે તેને હૃદયની કોઈ બીમારી છે. નારાયણે કહ્યું હતું કે પુનિત રાજકુમારના મોત બાદ તે કોઈ જોખમ લેવા માગતો નહોતો. આથી જ તેણે પોતાના જિલ્લાથી 180 કિમી દૂર આવેલી હોસ્પિટલમાં આવ્યો હતો.
રોજના 1800 દર્દીઓ આવે છે
ડૉક્ટર્સે કહ્યું હતું કે મેગાસ્ટારના મોત બાદથી ઇન્સ્ટીટ્યૂટમાં હાર્ટ ચેકઅપ માટે દર્દીઓની ભીડ છે. શ્રી જયદેવ ઇન્સ્ટીટ્યૂટના પ્રમુખ ડૉ. સી એન મંજુનાથે કહ્યું હતું કે છેલ્લાં ત્રણ દિવસથી મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલ આવે છે. સામાન્ય રીતે તેઓ રોજ 1000 દર્દીઓની સારવાર કરે છે. હવે રોજના 1800 લોકો આવે છે. આ જ કારણે ડૉક્ટર્સ, નર્સ તથા સિસ્ટમ પર કામનો ભાર વધ્યો છે.
કાર્ડિયક OPDમાં 20-25 ટકાનો વધારો ડૉક્ટર્સે OPD (આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ)ના દર્દીઓને સમજાવાવનો પ્રયાસ કર્યો છે કે હૃદય સંબંધિત સમસ્યા માટે પારિવારિક ઈતિહાસ અથવા અનેક લક્ષણો હોવા જોઈએ તથા આ એનડેમિક નથી. મણિપાલ હોસ્પિટલના ડૉ સુદર્શન બલ્લાલે કહ્યું હતું કે તહેવારની સિઝન હોવા છતાંય કાર્ડિયક OPDમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. મોટાભાગના દર્દીઓ નાની ઉંમરના છે. જે લોકોમાં હૃદયરોગના હુમલાનો પારિવારિક ઈતિહાસ સહિતના અનેક કારણો છે. હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રેસ પણ હોઈ શકે છે. લોકોએ સમજવું જોઈએ કે હૃદયની બીમારી તથા છાતીમાં દુખાવો બંને અલગ છે.
જિમને લોકો શંકાની દૃષ્ટિએ જુએ છે
એક્સપર્ટે કહ્યું હતું કે યુવાનોમાં પણ જિમ અંગે ઘણી જ નકારાત્મકતા ફેલાઈ રહી છે, કારણ કે પુનિત રાજકુમારને હોમ જિમમાં વર્કઆઉટ કર્યા બાદ તરત જ હૃદયરોગનો હુમલો આવ્યો હતો. બેંગલુરુના સ્ટીવ જિમના ફાઉન્ડર ડી સ્ટીવે કહ્યું હતું કે હવે લોકોને ડર છે કે જો તે જિમમાં જશે અને એગ્રેસિવ રીતે એક્સર્સાઇઝ કરશે તો તેમને હાર્ટ અટેક આવી શકે છે. આ વાત સાચી નથી. જિમ અને હૃદયરોગને કંઈ જ લેવા દેવા નથી.
રાજ્ય સરકાર જિમ માટે ગાઇડલાઇન્સ બનાવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. કે સુધાકરે ડૉ. દેવી શેટ્ટી તથા ડૉ. મંજુનાથ સહિત કેટલાંક ટોચના હૃદય રોગ નિષ્ણાતને એક ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.