બોલિવૂડ સ્ટાર તથા બિઝનેસમેન સુનીલ શેટ્ટીનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં સુનીલ શેટ્ટી મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં ચક્કર લગાવે છે. સુનીલ શેટ્ટીને આ રીતે ફરતો જોઈને આસપાસના લોકો તેના હાલચાલ પણ પૂછતા જોવા મળ્યા હતા. વીડિયોમાં સુનીલ શેટ્ટીની ફિટનેસ જોઈને ચાહકો ફિદા થઈ ગયા હતા. સુનીલ શેટ્ટી અહીંયા શૂટિંગ અર્થે આવ્યો હતો.
વીડિયો જોઈને ચાહકો કાયલ
સુનીલ શેટ્ટી રિયાલિટી શોમાં હોસ્ટની ભૂમિકામાં જોવા મળશે અને તેણે ધારાવીમાં શૂટિંગ કર્યું હતું. 60 વર્ષીય સુનીલ શેટ્ટીને ધારાવીમાં ફરતો જોઈને ચાહકો એક્ટરની ફિટનેસના કાયલ થઈ ગયા હતા. એક યુઝરે કહ્યું હતું કે તે ક્યારેય ઘરડો લાગશે નહીં. અન્ય એકે કમેન્ટ કરી હતી કે કોણ વિશ્વાસ કરશે કે તે 60નો છે. કેટલાંકે મજાકમાં ફિલ્મ 'ધડકન'ને યાદ કરીને કહ્યું હતું કે આ તો અંજલિનું મેજિક છે. તો કેટલાંક યુઝરે એમ પણ કહ્યું હતું કે તે અંજલિને શોધે છે.
રિયાલિટી શો હોસ્ટ કરશે
સુનીલ શેટ્ટી ભારતનો પહેલો MMA રિયાલિટી શો 'કુમીતે 1 વૉરિયર' હોસ્ટ કરી રહ્યો છે. આ રિયાલિટી શો સ્પોર્ટ્સ બેઝ છે. આ સિરીઝમાં 16 MMA ફાઇટર્સ હશે. આ ફાઇટર્સ ભારતના વિવિધ રાજ્યોના હશે. તેમને ઓડિશનના વિવિધ રાઉન્ડ બાદ સિલેક્ટ કરવામાં આવશે. આ શોમાં મહિલા-પુરુષ બંને હશે. જે આ શો જીતશે તેને ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ભારતને રિપ્રેઝન્ટ કરવાની તક મળશે. આ શો MX પ્લેયર પર ટૂંક સમયમાં સ્ટ્રીમ કરવામાં આવશે.
પોપકોર્ન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનો માલિક, ઇન્ટિરિયર શો રૂમ, રેસ્ટોરન્ટનો બિઝનેસ કરતો સુનીલ શેટ્ટી ગરીબ પરિવારમાંથી આવે છે. સુનીલ શેટ્ટીના પિતા વીરપ્પા શેટ્ટીએ નાની ઉંમરમાં હોટલમાં વાસણ ધોવાનું કામ કર્યું હતું. સુનીલ શેટ્ટી સંઘર્ષ બાદ આજે સફળ બિઝનેસમેન છે. સુનીલ શેટ્ટી મરાઠી, કન્નડ, તમિળ, મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. સુનીલની તેલુગુ ફિલ્મ 'ઘાની' ચર્ચામાં છે. સુનીલ શેટ્ટી નેપાળી ફિલ્મ 'એક્સ 9'માં કામ કરે તેવી ચર્ચા છે. સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટી તથા દીકરો અહાન શેટ્ટી પણ બોલિવૂડમાં કામ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.