પાન મસાલાની જાહેરાતનો વિવાદ:સુનિલ લહેરી અને મિલિંદ સોમને અક્ષય કુમારના નિર્ણયનું કર્યું સમર્થન, કહ્યું- તમે લાખો લોકોના રોલ મોડેલ

7 મહિનો પહેલા

બોલિવુડના ત્રણ દિગ્ગજ એક્ટરો અક્ષય કુમાર, અજય દેવગન અને શાહરૂખ ખાન પાન મસાલાની જાહેર કરીને વિવાદમાં આવ્યા છે. જેને લઈને ત્રણેય એક્ટરોને ટ્રોલ પણ કરવામાં આવ્યા છે. લોકોએ તમાકુ, ગુટખા જેવી વસ્તુઓને પ્રમોટ કરતાં અક્ષયકુમારને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. ત્યારપછી સમયની નજાકત પારખીને અક્ષયે જાહેરમાં માફી માગી અને તે એડમાંથી હટી જવાની તથા તેની કમાણીની રકમ ચેરિટીમાં આપી દેવાની વાત કરી હતી. હવે અક્ષય કુમારના આ પગલાને એક્ટર મિલિંદ સોમણ અને ‘રામાયણ’ના લક્ષ્મણ’ સુનિલ લહેરી અક્ષય કુમારના સમર્થનમાં આવ્યા છે.

મિલિંદ અને સુનિલે કર્યો સપોર્ટ
અક્ષયના નિર્ણયને સમર્થન આપતા ફિટનેસ માટે જાણીતા એક્ટર મિલિંદે લખ્યું હતું કે, ‘અક્ષય કુમાર તમે જે કર્યું તે યોગ્ય પસંદ કર્યું, કારણ ગમે તે હોય.’

તો આ બાદ ‘રામાયણ’ સિરિયલમાં ‘લક્ષ્મણ’ના પાત્રથી જાણીતા થયેલા સુનિલ લહેરીએ પણ અક્ષય કુમારના નિર્ણયને સમર્થન આપતા સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. સુનિલે લખ્યું છે કે, શ્રી ખિલાડી કુમાર લાખો લોકો માટે માત્ર રોલ મોડેલ નથી પરંતુ તેઓ એક સાચા જવાબદાર વ્યક્તિ પણ છે. આ તેમના પત્ર દ્વારા જોઈ શકાય છે. હકીકતમાં તેમના જેવા લોકો દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે, તેમને મારી સલામ.

એલચી નુકસાનકારક હોય તો વેચવી ના જોઈએ
અક્ષયકુમારે માફી માગ્યા બાદ અજય દેવગણનું પણ રિએકશન સામે આવ્યું છે. અજય દેવગને કહ્યું હતું કે, કોઈ પણ વસ્તુનું સમર્થન કરવું તે તેની વ્યક્તિગત પસંદ છે. બધા પોતાનો નિણર્ય લઇ શકે છે. ઘણાં એવાં ઉત્પાદન છે જે નુકસાનકારક છે અમુક પ્રોડક્ટ નુકસાનકારક નથી. અજયે વધુમાં કહ્યું હતું કે, હું બ્રાન્ડનું નામ નહીં આપું કારણ કે હું તેને પ્રમોટ કરી રહ્યો હતો. હું એલચીની જાહેરાત કરી રહ્યો હતો. જો તે ખરેખર આટલું નુકસાનકારક છે, તો મને લાગે છે કે આવી વસ્તુઓ વેચવી જોઈએ નહીં.

અક્ષય કુમારે માફી માગી
અક્ષય કુમારે માફી માગતાં લખ્યું હતું કે, ‘હું મારા તમામ ફેન્સ અને શુભેચ્છકોની માફી માગવા માગું છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવે મને ચોંકાવી દીધો હતો. હું તમાકુનું સમર્થન કરતો નથી. વિમલ એલચી સાથેના મારા જોડાણ પર તમે જે રીતે તમારી લાગણીઓ વ્યક્ત કરી તેનો હું આદર કરું છું.’

વધુમાં લખ્યું હતું કે, ‘હું વિન્રમતા સાથે આ જાહેરાતમાંથી પાછળ હટી જઉં છું. મને આ જાહેરાતમાંથી મળનારી બધી જ રકમ મેં કોઈ સારા કામમાં આપવાનો નિર્ણય કર્યો છે. કાનૂની નિયમને કારણે આ જાહેરાતને ચોક્કસ સમય સુધી પ્રસારિત કરવાનો કોન્ટ્રાક્ટ છે. હવે પછીથી હું સાવધાન રહીશ તેવું વચન આપું છું.’