ગ્રાન્ડ વેડિંગ યોજાશે:સુનીલ શેટ્ટીએ દીકરી અથિયાના લગ્નની તૈયારીઓ શરૂ કરી, હોટલથી લઈ કેટરર્સ બુક કર્યાં હોવાની ચર્ચા

મુંબઈ17 દિવસ પહેલા
  • અથિયા શેટ્ટી તથા કેએલ રાહુલ વચ્ચે ત્રણ વર્ષથી સંબંધો છે

સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ 'તડપ'ના પ્રીમિયરમાં અથિયા શેટ્ટી તથા ક્રિકેટર કેએલ રાહુલે પોતાના સંબંધો ઑફિશિયલ કર્યા હતા. હવે આ બંનેના લગ્નની ચર્ચા થઈ રહી છે. સૂત્રોના મતે, આ બંને ડિસેમ્બરમાં ગ્રાન્ડ વેડિંગ કરવાના છે.

સુનીલ શેટ્ટીએ તૈયારીઓ શરૂ કરી
'ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, સુનીલ શેટ્ટી દીકરીના લગ્ન અંગે ઘણો જ ભાવુક છે. શેટ્ટી પરિવારમાં આ પહેલાં લગ્ન છે અને પિતા તરીકે તે ઈચ્છે છે કે બધું જ પર્ફેક્ટ થાય. સૂત્રોના મતે, સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્ન ડિસેમ્બરમાં કરવાનું નક્કી કર્યું છે. સુનીલે લગ્નની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુનીલ શેટ્ટીએ બેસ્ટ હોટલ, કેટરર્સ, ડિઝાઇનર્સ બુક્ડ કરી લીધા છે.

ભવ્ય લગ્ન થશે
અથિયા શેટ્ટીના લગ્ન ભવ્ય રીતે યોજાશે. મોટાભાગે આ લગ્ન જુહૂની ફાઇવ સ્ટાર હોટલમાં યોજાશે. બોલિવૂડની નામી-અનામી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવશે. બોલિવૂડ ઉપરાંત કેએલ રાહુલના નિકટના ક્રિકેટર્સ મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવશે.

સુનીલ શેટ્ટી પિતાની ઈચ્છા પૂરી કરશે
વધુમાં બોલિવૂડે છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રાન્ડ વેડિંગ જોયા નથી. સુનીલ શેટ્ટી ઈચ્છે છે કે દીકરીના લગ્નમાં તમામ લોકો આવે. અથિયાના દાદાની ઈચ્છા હતી કે તેમની નજર સામે પૌત્રીના લગ્ન થાય. જોકે, 2017માં સુનીલ શેટ્ટીના પિતા વીરપ્પાનું 93 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. હવે સુનીલ શેટ્ટી પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માગે છે.

દક્ષિણ ભારતીય રીત રિવાજથી લગ્ન થશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અથિયા તથા કેએલ રાહુલ સાઉથ ઇન્ડિયન વેડિંગ કરશે, કારણ કે સુનીલ શેટ્ટીનો જન્મ મુલ્કી, મેંગલોરમાં થયો છે. તે મેંગલોરિયન છે. કેએલ રાહુલ પણ મેંગલોરિયન છે, આથી જ કપલ દક્ષિણ ભારતીય રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરશે.

ત્રણ વર્ષથી ડેટ કરે છે
સુનીલ શેટ્ટીના નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કપલના પેરેન્ટ્સને અથિયા તથા રાહુલની જોડી ઘણી જ પસંદ છે. બંને છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરે છે. બંને ડિસેમ્બરમાં લગ્ન કરશે.

લગ્ન બાદ નવા ઘરમાં રહેવા જશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અથિયા તથા કેએલ રાહુલે મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર એક અપાર્ટમેન્ટ લીધું છે. આ સી ફેસિંગ ઘર 4 BHKનું છે. બિલ્ડિંગના આઠમા માળે છે અને મહિને 10 લાખ રૂપિયા ભાડું છે. લગ્ન બાદ બંને અહીંયા જ રહેવા જશે.